Monsoon Update India: હવામાન વિભાગે દેશના અનેક વિસ્તારોમાં ચોમાસું સક્રિય રહેવાની આગાહી સાથે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 19 રાજ્યોમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા ઓછા દબાણના વિસ્તારની અસરને કારણે આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે.
દિલ્હી-NCRમાં ભેજવાળી ગરમી બાદ વરસાદની શક્યતા
દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો ભેજ અને ઉકળાટથી પરેશાન છે. આજે પણ વાતાવરણ ભેજવાળું રહેવાની સાથે કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા અને વરસાદની શક્યતા છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન આશરે 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. નોઈડા, ગુરુગ્રામ, ગાઝિયાબાદ અને ફરીદાબાદમાં પણ વરસાદ સાથે તેજ પવન ફૂંકાઈ શકે છે.
ઉત્તર પ્રદેશમાં અનેક જિલ્લાઓ માટે એલર્ટ
ઉત્તર પ્રદેશના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. મેરઠ, મુઝફ્ફરનગર, અલીગઢ, આગ્રા, મથુરા, મુરાદાબાદ, કાનપુર, બરેલી, હરદોઈ, સીતાપુર, શાહજહાંપુર, બિજનૌર, ગોંડા, બસ્તી, બહરાઈચ, લખીમપુર ખીરી અને પીલીભીત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ તથા ગાજવીજ સાથે વાવાઝોડાની શક્યતા છે.
લખનૌમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની આગાહી છે.
બિહારમાં પણ ભારે વરસાદની સંભાવના
બિહારના અનેક જિલ્લાઓમાં વરસાદ અને ગાજવીજને લઈને ચેતવણી આપવામાં આવી છે. ગયા, રોહતાસ, બક્સર, ભોજપુર, જહાનાબાદ, મુંગેર, બાંકા, જમુઈ, કટિહાર, ભાગલપુર, કૈમુર, નાલંદા, નવાદા, ઔરંગાબાદ, વૈશાલી, સમસ્તીપુર, દરભંગા, મધુબની, પૂર્ણિયા અને કિશનગંજ સહિતના વિસ્તારોમાં હવામાન ખરાબ રહેવાની શક્યતા છે.
પૂર્વોત્તર અને પર્વતીય વિસ્તારોમાં પણ વરસાદનું જોર
17 ઓગસ્ટે ગંગા પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે સિક્કિમમાં પણ નોંધપાત્ર વરસાદની આગાહી કરવામાં આવી છે. આસામ અને મેઘાલયમાં સમગ્ર સપ્તાહ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. અરુણાચલ પ્રદેશમાં પણ અનેક સ્થળોએ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.
17 અને 18 ઓગસ્ટે પર્વતીય રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને ચેતવણી આપવામાં આવી છે. ભારે વરસાદના કારણે પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનનું જોખમ પણ વધી શકે છે. પશ્ચિમ હિમાલય વિસ્તારમાં સપ્તાહના મોટાભાગના દિવસોમાં વરસાદનું જોર યથાવત રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગે વરસાદ અને વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર તથા લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ
આ પણ વાંચો: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, ઉત્તર-પૂર્વમાં પૂર-ભૂસ્ખલનથી સ્થિતિ ગંભીર
આ પણ વાંચો: 15 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન; જાણો ક્યાં-ક્યાં પડશે ભારે વરસાદ
