Ahmedabad News : ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે મહત્વની આગાહી (Gujarat Rain Forecast)કરી છે. રાજ્યમાં લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન, સિયર ઝોન અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ (Gujarat Rain Forecast)ની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ છોટા ઉદેપુર, વલસાડ, ડાંગ, દમણ, તાપી અને નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વડોદરા અને નર્મદા જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનું પ્રમાણ તુલનાત્મક રીતે ઓછું રહેવાની આગાહી છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ વરસાદ 19 ટકા વધુ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 25 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે દરિયામાં પણ પવનની સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
અંબાલાલ પટેલની પણ મોટી આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની આગાહી (Gujarat Rain Alert)કરી છે. તેમના જણાવ્યા મુજબ 17થી 19 ઓગસ્ટ દરમિયાન વરસાદી ઝાપટાં પડી શકે છે. ત્યારબાદ 20થી 22 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર અને પશ્ચિમ ઘાટમાં વરસાદ રહેવાની શક્યતા છે.
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 23 ઓગસ્ટ બાદ વરસાદનું જોર વધશે અને 24થી 28 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ (Heavy Rain)પડવાની શક્યતા છે.
ઓગસ્ટના અંત સુધી વરસાદી માહોલ
અંબાલાલ પટેલે (Ambalal Patel Forecast)ઓગસ્ટના અંતમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. 31 ઓગસ્ટે વરસાદ પડી શકે છે. ત્યારબાદ 6 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.
ગણેશ ચતુર્થી દરમિયાન પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. જ્યારે 19 સપ્ટેમ્બર બાદ ફરી વરસાદનું જોર વધવાની શક્યતા છે.
નવરાત્રી દરમિયાન પણ વરસાદની શક્યતા
આગામી સમયમાં પણ વરસાદી માહોલ ચાલુ રહેવાની શક્યતા છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 11થી 20 ઓક્ટોબર દરમિયાન વરસાદી ઝાપટાં પડી શકે છે અને નવરાત્રી દરમિયાન પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો : ગુજરાતમાં મેઘમહેર યથાવત, 4 વરસાદી સિસ્ટમ સક્રિય
આ પણ વાંચો : દેશના 19 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, દિલ્હી-NCR સહિત અનેક વિસ્તારોમાં વાવાઝોડાની ચેતવણી
આ પણ વાંચો : ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામશે, 6 વરસાદી સિસ્ટમ સક્રિય; અનેક જિલ્લામાં યલો એલર્ટ
