Hormuz Strait Closed Iran US: રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ બાદ હવે ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવે વિશ્વ આખાની ચિંતા વધારી દીધી છે. ઈરાને વિશ્વના સૌથી મહત્વના તેલ માર્ગ ગણાતા ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Strait of Hormuz) ને ફરી એકવાર બંધ કરી દેતા વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થયો છે. અમેરિકા પર યુદ્ધવિરામના ઉલ્લંઘનનો આરોપ લગાવી ઈરાને લીધેલા આ આકરા નિર્ણયની સીધી અસર ભારતના સામાન્ય માણસના ખિસ્સા પર પડવાની શક્યતા છે.
શું છે Hormuz Strait અને કેમ તે આટલું મહત્વનું છે?
હોર્મુઝ સ્ટ્રેટ એ સમુદ્રમાં એક અત્યંત સાંકડો રસ્તો છે, જે ગલ્ફ દેશોને વિશ્વના બાકીના હિસ્સા સાથે જોડે છે. વિશ્વના કુલ ક્રૂડ ઓઈલ સપ્લાયનો 20% જેટલો મોટો હિસ્સો માત્ર આ એક સાંકડા માર્ગમાંથી પસાર થાય છે. જો આ રસ્તો બંધ રહે તો ગલ્ફ દેશોમાંથી તેલની નિકાસ અટકી જાય છે અને તેના પરિણામે દુનિયાભરમાં તેલની ભારે અછત સર્જાઈ શકે છે.
ભારત પર શું થશે અસર?
ભારત પોતાની તેલની જરૂરિયાતનો આશરે 85 ટકા હિસ્સો આયાત કરે છે, જેનો મોટો ભાગ ગલ્ફ દેશોમાંથી હોર્મુઝ સ્ટ્રેટ થઈને ભારત પહોંચે છે. જો આ માર્ગ લાંબો સમય બંધ રહે તો દેશમાં ક્રૂડ ઓઈલના ભાવ વધતા પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં મોટો ઉછાળો આવી શકે છે. તેલ મોંઘુ થવાને કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં પણ વધારો થશે, જેનાથી શાકભાજી, દૂધ અને અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મોંઘી થતા જનતા પર મોંઘવારીનો માર પડશે. આ ઉપરાંત, રાંધણ ગેસ (LPG) ના પુરવઠા પર પણ માઠી અસર પડવાની શક્યતા છે.

કેમ ઈરાને ફરી લીધો આ નિર્ણય?
અગાઉ શુક્રવારે ઈરાને આ માર્ગ ખોલવાની જાહેરાત કરી હતી, જેનાથી દુનિયાએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ શનિવારે ફરી ઈરાને આ માર્ગ બંધ કરી દીધો. ઈરાનનો આક્ષેપ છે કે અમેરિકા તેના બંદરોની નાકાબંધી કરી રહ્યું છે અને યુદ્ધવિરામની શરતોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ઈરાની લશ્કરી કમાન્ડે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી અમેરિકા તેની જીદ નહીં છોડે, ત્યાં સુધી આ મહત્વનો જળમાર્ગ બંધ રહેશે.
વાટાઘાટોથી આશાનું કિરણ?
જોકે, આ સંકટ વચ્ચે પણ અમેરિકા અને ઈરાન વચ્ચે પડદા પાછળ વાટાઘાટો ચાલુ હોવાના અહેવાલો છે. જો ઈરાન ચોક્કસ શરતો સાથે સંમત થાય, તો આ લડાઈનો અંત આવી શકે છે અને ફરીથી તેલનો પુરવઠો રાબેતા મુજબ શરૂ થઈ શકે છે. પરંતુ હાલની સ્થિતિ જોતા ભારત સહિતના આયાતકાર દેશો માટે આગામી દિવસો પડકારજનક સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો :ટ્રમ્પનો મોટો દાવો, ભારત-પાકિસ્તાન સહિત 8 યુદ્ધો રોક્યા,ઈરાન સાથે શાંતિ કરાર નજીક?
આ પણ વાંચો :અમેરિકાના દબાણ છતાં રશિયા ભારતને આપશે ‘અનલિમિટેડ’ તેલ, જાણો સંરક્ષણ ક્ષેત્રની મોટી ડીલ
આ પણ વાંચો :ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, હોર્મુઝ સ્ટ્રેટ કાયમી ધોરણે ખોલ્યું; દુનિયાભરમાં તેલના ભાવ ઘટશે
