Tech & Auto News : ભારતમાં નિર્માણ પામેલી ઈલેક્ટ્રિક કારો (Indian EVs)ની ગ્લોબલ ડિમાન્ડમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન યુરોપિયન દેશો ભારતીય ઇલેક્ટ્રિક વાહનો (EVs) માટે સૌથી મોટા ગ્રાહક તરીકે ઉભરી આવ્યા છે, જેમાં સ્પેન નિકાસની દ્રષ્ટિએ મોખરે રહ્યું છે.
હવે ભારતીય ઓટોમોબાઈલ (Indian Automobile)ઈન્ડસ્ટ્રીનું કૌશલ્ય માત્ર દેશના સ્થાનિક બજાર સુધી મર્યાદિત નથી રહ્યું. દેશી કંપનીઓ દ્વારા તૈયાર કરાતી ઈલેક્ટ્રિક કારોને ગ્લોબલ માર્કેટમાં અદભુત પ્રતિસાદ સાંપડી રહ્યો છે. વિદેશી ગ્રાહકો ભારતીય વહીકલ્સની ક્વોલિટી અને ટેકનોલોજી પર ભરોસો મૂકી રહ્યા છે.
Indian EVs : એક્સપોર્ટ કમાણીમાં મલ્ટિ-ફોલ્ડ ગ્રોથ
વાણિજ્ય મંત્રાલયના લેટેસ્ટ ડેટા અનુસાર, એપ્રિલથી જૂન 2026 ના ત્રણ મહિનામાં ભારતમાંથી EV એક્સપોર્ટ (Export)ની આવક વધીને 36.9 કરોડ ડૉલર નોંધાઈ છે. આશ્ચર્યજનક વાત એ છે કે વિતેલા વર્ષના સમાન ગાળામાં આ આંકડો માત્ર 2.22 કરોડ ડૉલર જ હતો. એટલે કે માત્ર 12 મહિનાના સમયગાળામાં વિદેશી કમાણીમાં અનેક ગણો મોટો રેકોર્ડ ગ્રોથ જોવા મળ્યો છે.
વાહનોના વોલ્યુમમાં જોરદાર ઉછાળો
નાણાકીય આંકડાઓની સાથે સાથે નિકાસ કરાયેલા કુલ વાહનોની સંખ્યામાં પણ મોટો ફાળો નોંધાયો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ભારતે 10,802 યુનિટ્સ ઈલેક્ટ્રિક કાર વિદેશી બજારોમાં ડિલિવર કરી છે. જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન ભારતથી માત્ર 1,309 ઇલેક્ટ્રિક વાહનો મોકલવામાં આવ્યા હતા.
સ્પેને બાજી મારી,ભારતીય EV નો સૌથી મોટો બાયર બન્યો
યુરોપિયન કન્ટ્રીઝમાં સ્પેન ભારતીય ઈલેક્ટ્રિક વાહનોનો સૌથી મોટો ખરીદદાર દેશ સાબિત થયો છે. ભારતે એકલા સ્પેનને જ 14.64 કરોડ ડૉલરની કિંમતની 4,007 ઈલેક્ટ્રિક કાર્સ એક્સપોર્ટ કરી છે, જે ભારતના કુલ EV એક્સપોર્ટના લગભગ 40% જેટલો જંગી હિસ્સો ધરાવે છે. મૂલ્ય અને વોલ્યુમ બંને કેટેગરીમાં સ્પેન પહેલા ક્રમે છે.
બ્રિટિશ માર્કેટમાં મજબૂત પકડ
યુનાઈટેડ કિંગડમ (UK) ભારતીય EVs માટે બીજું સૌથી મોટું ડેસ્ટિનેશન બન્યું છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં બ્રિટનને 7.87 કરોડ ડૉલરની કિંમત ધરાવતી 2,646 ઈલેક્ટ્રિક કાર મોકલવામાં આવી છે. નોંધનીય છે કે ગયા વર્ષે બ્રિટનમાં ભારત તરફથી નહિવત નિકાસ થઈ હતી, પરંતુ આ વખતે યુરોપના આ અગ્રણી માર્કેટમાં ભારતીય પ્રોડક્ટ્સે મજબૂત પગપેસારો કર્યો છે.
જર્મની અને નોર્વે સહિતના અન્ય યુરોપિયન દેશોમાં ક્રેઝ
ભારતીય EVs ની લોકપ્રિયતા સ્પેન કે યુકે પૂરતી સીમિત નથી. જર્મનીએ 2.51 કરોડ ડૉલર, નોર્વેએ 2.11 કરોડ ડૉલર અને ડેનમાર્કે 2.10 કરોડ ડૉલરની ઈલેક્ટ્રિક કાર્સ આયાત કરી છે. આ ઉપરાંત બેલ્જિયમ, નેધરલેન્ડ્સ, ગ્રીસ, ઈટલી, સ્વીડન અને પોલેન્ડ જેવા અન્ય યુરોપીય બજારોમાં પણ ભારતીય બ્રાન્ડ્સની માગ ઝડપથી વધી રહી છે.
એશિયા-પેસિફિક અને લેટિન અમેરિકામાં પણ ભારતીય વાહનોનો ધમધમાટ
યુરોપ સિવાય ભારતે એશિયા-પેસિફિક ક્ષેત્રમાં પણ પોતાનું નેટવર્ક મજબૂત કર્યું છે. ટેકનોલોજીની દ્રષ્ટિએ અદ્યતન એવા જાપાનને 1.34 કરોડ ડૉલરની ઈલેક્ટ્રિક કાર એક્સપોર્ટ કરાઈ છે. આ સિવાય ઈઝરાયેલ, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર, તાઈવાન, દક્ષિણ કોરિયા અને પાડોશી દેશ નેપાળ સુધી ભારતીય કારો પહોંચી છે. લેટિન અમેરિકાના બ્રાઝિલ, કોલંબિયા, ચિલી અને કોસ્ટા રિકા જેવા દેશોમાં પણ ભારતીય ઓટો પ્રોડક્ટ્સનો સપ્લાય થયો છે.
ગ્લોબલ EV મેન્યુફેક્ચરિંગ હબ બનવા તરફ ભારતનું મજબૂત કદમ
આ તમામ વિગતો પૂરવાર કરે છે કે ભારત હવે વૈશ્વિક સ્તરે ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનનું એક મુખ્ય કેન્દ્ર (Global Manufacturing Hub) બની રહ્યું છે. યુરોપ જેવા અત્યંત કડક ગુણવત્તા અને સેફ્ટીના ધોરણો ધરાવતા માર્કેટમાં ભારતીય EVs ની સતત વધતી માંગ દેશના ઓટોમોબાઈલ ક્ષેત્રની ક્ષમતા, સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મકતા પર મહોર લગાવે છે.
આ પણ વાંચો :AI ડીપફેક પર સરકારનો મોટો પ્રહાર! 36 કલાક નહીં, હવે માત્ર 3 કલાકમાં કન્ટેન્ટ હટાવવું પડશે
આ પણ વાંચો :ભારતમાં વૉટ્સએપ એકાઉન્ટ અચાનક બ્લોક; જાણો કંપનીએ શું આપી સ્પષ્ટતા
આ પણ વાંચો :Instagramએ 10 વર્ષ બાદ બદલ્યો Wordmark Logo, જાણો નવા ડિઝાઇનમાં શું છે ખાસ
