WhatsApp Accounts Banned / Under Review Update: મેસેજિંગ એપ વોટ્સએપે ભારત સહિત કેટલાક અન્ય દેશોમાં ઘણા યુઝર્સના એકાઉન્ટ્સ અચાનક 24 કલાક માટે રિવ્યૂમાં મૂકી દીધા છે. આ દરમિયાન એપના તમામ મેસેજિંગ અને કોલિંગ ફીચર્સ બ્લોક કરી દેવામાં આવ્યા છે, જેના કારણે સોશિયલ મીડિયા પર યુઝર્સનો ભારે રોષ જોવા મળી રહ્યો છે.
શું છે સમગ્ર ઘટના અને સ્ક્રીન પર શું સંદેશ દેખાયો?
જ્યારે પ્રભાવિત યુઝર્સે એપ ખોલી ત્યારે સ્ક્રીન પર મેસેજ લખેલો આવ્યો કે, ‘એકાઉન્ટ રિવ્યૂમાં છે. તમારી એકાઉન્ટ એક્ટિવિટી અને ડિવાઇસ ઇન્ફોની તપાસ કરવામાં આવી રહી છે જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે તે અમારી સેવાની શરતોનું પાલન કરે છે.’
આ સમસ્યા ભારતીય સમય અનુસાર સોમવારે રાત્રે લગભગ 8 વાગ્યે સામે આવી હતી. મેટા દ્વારા યુઝર્સને એકાઉન્ટ બ્લોક કરતા પહેલા કોઈપણ પ્રકારની પૂર્વ ચેતવણી કે નોટિફિકેશન આપવામાં આવ્યું ન હતું.
WhatsApp કંપનીની સત્તાવાર સ્પષ્ટતા
આ મામલે વોટ્સએપના પ્રવક્તાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ‘અમે અમારી સેવાનો ખોટો ઉપયોગ કરનારાઓથી આગળ રહેવા માટે હંમેશા કામ કરીએ છીએ અને અન્ય યુઝર્સને સુરક્ષિત રાખવા માટે એકાઉન્ટ્સને બેન કરીએ છીએ. જોકે, ક્યારેક-ક્યારેક અમારાથી ભૂલ પણ થઈ જાય છે અને જ્યારે આવું થાય છે, ત્યારે અમે તેને જેટલી જલદી બની શકે તેટલી ઠીક કરવાનો પ્રયાસ કરીએ છીએ.’
યુઝર્સની પરેશાની અને સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા
કોઈ પણ કારણ વગર એકાઉન્ટ બ્લોક થવાથી પરેશાન યુઝર્સે X (અગાઉનું ટ્વિટર) અને અન્ય પ્લેટફોર્મ્સ પર પોતાની મુશ્કેલીઓ શેર કરી છે. ઘણા યુઝર્સે જણાવ્યું કે તેમનું આખું પ્રોફેશનલ અને પર્સનલ કામ વોટ્સએપ પર જ નિર્ભર હોવાથી તેમને અચાનક મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
જો તમારી સ્ક્રીન પર 24 કલાકનો સમીક્ષા મેસેજ દેખાઈ રહ્યો છે, તો તમારે કંપની તરફથી તપાસ પૂરી થવાની રાહ જોવી પડશે. આ ઉપરાંત, તમે સ્ક્રીન પર દેખાઈ રહેલા અપીલ બટન અથવા વોટ્સએપ સપોર્ટ પેજ પર જઈને તમારો પક્ષ રજૂ કરી શકો છો. જો નિયમોનું ઉલ્લંઘન થયું ન હોય, તો એકાઉન્ટ 24 કલાકમાં આપમેળે રિસ્ટોર થઈ જશે.
