Amreli News/ સાયબર ગુનેગારો સાવધાન! ‘સરપ્રાઈઝ ગિફ્ટ’ના નામે છેતરપિંડી કરનાર નાઇજીરીયન મહિલાને 7 વર્ષની કેદ

અમરેલી સાયબર ક્રાઇમ પોલીસે ઇન્સ્ટાગ્રામ પર છેતરપિંડી (Cyber Fraud) આચરનાર નાઇજીરીયન મહિલાને હરિયાણાથી પકડી 7 વર્ષની જેલ અપાવી છે. હર્ષ સંઘવીએ પોલીસની કામગીરીને બિરદાવી.

Top Stories Gujarat Others
Cyber Fraud

Amreli Cyber Fraud Case: ગુજરાતમાં સાયબર ક્રાઇમ આચરનારા તત્વો માટે અમરેલીની કોર્ટે એક સીમાચિહ્નરૂપ દાખલો બેસાડ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવીને લંડનથી કિંમતી ગિફ્ટ મોકલવાના બહાને લાખો રૂપિયા ખંખેરતી નાઇજીરીયન મહિલા (Nigerian woman) ને અદાલતે 7 વર્ષની જેલની સજા ફટકારી છે. રાજ્યમાં સાયબર ફ્રોડના કેસમાં આ એક ઐતિહાસિક ચુકાદો માનવામાં આવી રહ્યો છે.

શું હતો Cyber Fraudનો સમગ્ર મામલો?

જૂન 2023માં ફરિયાદી પિયુષ થુંમરનો ઇન્સ્ટાગ્રામ પર એક નાઇજીરીયન મહિલાએ વિદેશી યુવતી તરીકે ઓળખ આપીને સંપર્ક કર્યો હતો. આ ઠગ દ્વારા લંડનથી કિંમતી ગિફ્ટ મોકલવાની લાલચ આપીને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. ત્યારબાદ ‘Skye Elite Logistics’ નામની નકલી કુરિયર સર્વિસના નામે ઈમેઈલ કરી, કસ્ટમ ડ્યુટી અને ઇન્કમ ટેક્સ ભરવાના બહાને ફરિયાદી પાસેથી કુલ રૂ. 14,09,000 પડાવી લેવામાં આવ્યા હતા.

Cyber Fraud

ગુજરાત પોલીસનું ‘ગુરુગ્રામ’ કનેક્શન અને ધરપકડ

અમરેલી સાયબર ક્રાઇમ પોલીસે ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ અને ગૂગલ લોગિન વિગતોના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસમાં બહાર આવ્યું કે આરોપી મહિલા હરિયાણાના ગુરુગ્રામમાં નકલી પાસપોર્ટ પર બ્રોડબેન્ડ કનેક્શન વાપરી આ કૌભાંડ ચલાવતી હતી. પોલીસે ગુરુગ્રામથી તેની ધરપકડ કરી 6 મોબાઈલ, 1 લેપટોપ અને 2 બોગસ પાસપોર્ટ જપ્ત કર્યા હતા.

કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

અમરેલીની નામદાર કોર્ટે સરકારી વકીલ દ્વારા રજૂ કરાયેલા 11 સાક્ષીઓ અને 142 દસ્તાવેજી પુરાવાઓને ગ્રાહ્ય રાખીને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપીને IPC 420, 467, 468 અને આઈ.ટી. એક્ટ હેઠળ દોષિત ઠેરવી 7 વર્ષની કેદ અને દંડની સજા ફટકારી છે. આ મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, આ ચુકાદો સાયબર ગુનેગારો (Cyber Fraud) માટે કડક ચેતવણી સમાન છે અને ગુનેગાર ભલે ગમે તેટલો શાણો હોય, તે ગુજરાત પોલીસથી બચી શકશે નહીં.


આ પણ વાંચો:સાઇબર ઠગોની નવી ફ્રોડ સ્ટાઇલઃ ‘પાન કાર્ડ 2.0’  ડાઉનલોડ કરો

આ પણ વાંચો:સાઇબર ફ્રોડના રૂપિયા પરત મળતા દંપતીએ કર્યું દાન

આ પણ વાંચો:નિવૃત્ત બેન્ક મેનેજર સાઇબર ફ્રોડનો ભોગ બન્યા, રૂ. 1.40 કરોડની છેતરપિંડી