Lifestyle: ગૃહિણી હોય કે એકલા રહેતા બેચલર્સ…સૌના કિચન રુટિનમાં ક્યારેક તો પરોઠા બનાવવાનું આવતુ જ હશે! પરંતુ જો પરોઠા સોફ્ટ ન બને તો જમવાનો આનંદ વિલાઇ જાય છે! અહિં તમને અમે રુ જેવા નરમ સોફ્ટ પરોઠા બનાવવાની રેસિપી ટ્રિક્સ (Soft Paratha Recipe Tricks) જણાવીશું.
ભારતીય પરંપરાગત થાળી (Indian Thali)માં રોટલી કે પરોઠા વિના ચાલતુ નથી હોતુ! રોટલી, પૂરી, થેપલાં, નાન, પરોઠા વગેરે વિના તો થાળી અધૂરી લાગે છે. ચાહે ઉત્તર ભારત હોય કે દક્ષિણ ભારત, પંજાબી ખાણું હોય કે પછી ગુજરાતી…શાક કે દાળ સાથે એનો નાતો હંમેશાનો છે! સમગ્ર ભારતમાં કેટલાય પ્રકારના પરોઠા જોવા મળે છે અને ઘણા લોકોના ઘરમાં લંચ અને ડિનર (Lunch or Dinner), બંનેમાંથી એક સમયે તો પરોઠા અવશ્ય બનતા જોવા મળે છે!
તમારા પરોઠા કડક અને સૂકા બને છે?
આજકાલ, ભાગદોડભરી દિનચર્યામાં રસોડા (Kitchen)નું કામ પણ ઘણું ટેન્શન વાળું બની જાય છે. સવારમાં ઉઠતા વેંત, બાળકોનું દૂધ અને ટિફિન (Lunch Box), ઑફિસ જતા લોકો માટે ગરમ ચા-કૉફી અને નાસ્તો (Tea-Coffee, Breakfast) બનાવવો ઉપરાંત, આખો દિવસ લંચ અને ડિનર તૈયાર કરવું એ તમામ કાર્ય સરળ નથી. વિશેષ કરીને, જ્યારે પરોઠા બનાવવાની વાત હોય, ત્યારે તો ગૃહિણીઓને એ ઘણી કુશળતા માંગી લેતુ કાર્ય પ્રતીત થાય છે.
કેટલાક લોકો ગમે તેટલું ધ્યાન રાખે તો પણ એમના પરોઠા કડક અને સૂકા (Dry) બનતા હોય છે. ગમે તેટલું સારું શાક હોય પણ જો પરોઠામાં મજા ન હોય તો ખાવાનો મૂડ બગડી જાય છે! આવા પરોઠા ખાવામાં જરા પણ ટેસ્ટી લાગતા નથી અને બાળકો કે વડીલ-વૃદ્ધોને તો એને ચાવવામાં અનહદ મુશ્કેલી પડે છે. બાળકોને જો લંચ બોક્સમાં પરોઠા ભરીને આપીએ તો પણ એ ખાય ત્યાં સુધીમાં તો કડક બની જાય છે અને બાળકો ખાધા વિના ટિફિન અકબંધ પાછું લાવે છે!
આજે અહિં અમે તમને એવી ખાસ 3 ટ્રિક્સ દર્શાવવા જઇ રહ્યાં છીએ જેથી તમારા પરોઠા આખો દિવસ મુલાયમ રહેશે અને ખાવામાં ઓર ટેસ્ટી (Tasty) લાગશે. તો ચાલો જાણીએ સોફ્ટ પરોઠા બનાવવાની સામગ્રી અને વિધિ અંગે…
શી રીતે બનાવશો સોફ્ટ પરોઠા (Soft Paratha)?
પરોઠા બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
2 કપ ઘઉંનો લોટ
2-3 ચમચી નવશેકું દૂધ
સ્વાદાનુસાર મીઠું
મોણ માટે 4 ચમચી ઘી કે તેલ
શેકવા માટે ઘી અથવા તેલ
પાણી આવશ્યકતા અનુસાર
બાફેલી શાકભાજી/છીણેલું પનીર (વૈકલ્પિક)
પ્રથમ ટ્રિક

1. મુલાયમ પરોઠા બનાવવા લોટને સરસ ગૂંથવો
પરોઠાને સોફટ બનાવવા માટે જરુરી છે કે, ઘઉંના લોટ (Wheat Flour)ને યોગ્ય રીતે ગૂંથવો! જ્યારે પણ આપણે લોટ બાંધીએ ત્યારે એમાં ગ્લૂટન બનવા લાગે છે. આનાથી જ લોટમાં ઇલાસ્ટિસિટી આવે છે જો તમે સૉફ્ટ પરોઠા ઇચ્છો છો તો આશરે 8 થી 10 મિનિટ સુધી લોટ ગૂંથવો. આમ કરવાથી લોટ સરસ નરમ બની જશે.
2. થોડું દૂધ, ઘી કે તેલ ઉમેરો
લોટ બાંધતી વખતે તમે એમાં થોડુંક નવશેકું દૂધ અને ઘી કે તેલ (Warm Milk, Ghee or Oil)નું મોણ પણ ઉમેરી શકો છો. દૂધમાં હાજર પ્રોટીન ભેજને જાળવી રાખે છે. તેલ અથવા ઘી ઉમેરવાથી લોટ ઝડપથી કઠણ થતો નથી. આ ઉપરાંત, તે ઘણા કલાકો સુધી લોટ સૂકાતો પણ નથી.
3. લોટ બાંધ્યા પછી એને ઢાંકી દો
એક વાત હંમેશાં યાદ રાખવી કે, લોટ બાંધીને તરત જ એના પરોઠા ન બનાવવા જોઇએ. એને લગભગ 20 થી 30 મિનિટનો રેસ્ટ આપવો. લોટને ભીના કોટન કપડાંથી ઢાંકી રાખવો અથવા તો કોઇ ફિટ બેસે એવા બાઉલથી ઢાંકવો. આમ કરવાથી ગ્લૂટેન સારી રીતે રિલીઝ થાય છે. આ પછી જ પરોઠા બનાવવા. આમ કરશો તો પરોઠા ચોક્કસ નરમ બનશે.
4. હળવા ગરમ પાણીથી લોટ બાંધવો
જો તમે ઠંડાની જગ્યાએ હળવા ગરમ પાણી (Warm Water)થી લોટ બાંધશો તો એમાંથી બનાવેલા પરોઠા લાંબા સમય પછી પણ નરમ રહેશે.
5. પરોઠા વણતા ધ્યાન રાખો
પરોઠાને વણતી વખતે વચ્ચે ઘી કે તેલ લગાવી વાળીને પડવાળા બનાવો. આનો ફાયદો એ પણ છે કે એ ઝડપથી શેકાઇ જાય છે.
6. તવાને ગરમ થવા દો
તવો ઠંડો હોય ત્યારે એના પર ક્યારેય પરોઠા ન નાખવા જોઇએ. પહેલા ચેક કરી લો કે તવી ગરમ છે અને પછી જ પરોઠાને શેકવાનું શરુ કરો. એ ઠંડો હોય ત્યારે એની પર પરોઠા નાખીને પછી ગરમ થવા દેશો તો તમારા પરોઠા સૂકા અને સખત બનશે.
7. પરોઠા પલટાવતી વખતે આ ભૂલ ન કરવી
પરોઠાને તવા પર સમયસર ઊલટાવવા. તેલ કે ઘી લગાવીને ગૅસને મીડિયમથી ફાસ્ટ તાપ (Fast Flame) પર રાખીને દબાવીને શેકવાથી એ સોફ્ટ રહેશે.
8. પરોઠા સ્ટોર કરવાની યોગ્ય રીત
પરોઠા બનાવ્યા પછી એને તરત જ ગરમાની અંદર અથવા હૉટ કન્ટેઇનર (Hot Container)માં મૂકવા. આમ કરવાથી પરોઠા નરમ રહેશે અને હવામાં રાખવાથી એ સૂકાઇ જવાની શક્યતા વધુ રહે છે.

બીજી ટ્રિક
પરોઠાને મુલાયમ બનાવવા માટે તમે લોટ બાંધતી વખતે કોઇ પણ શાકભાજી (Vegetables) જેવી કે બટાટા, દૂધી, પાલખ, મેથી અથવા તો પનીર મિક્સ કરી શકો છો. શાકભાજીને બાફીને ક્રશ કરીને અને બટાટા કે પનીર (Paneer)ને છીણીને ઉમેરવું. આ લોટથી બનેલા પરોઠા અત્યંત મુલાયમ બને છે અને પૌષ્ટિક પણ!

ત્રીજી ટ્રિક
પરોઠાને લાંબા સમય સુધી મુલાયમ રાખવાનો એક ઉત્તમ નુસખો છે એને શેક્યા બાદ નીચે ઉતારીને તરત જ ઘી લગાવી દેવું…આમ કરવાથી પરોઠા કડક પણ નહિં થાય અને મુલાયમ પરોઠા ખાવાનો આનંદ પણ આવશે.
આ પણ વાંચો: ડિનરમાં ભાત ખાવા કે પછી ઘઉંની રોટલી? સ્વાસ્થ્ય અને ગાઢ નિંદ્રા માટે શું યોગ્ય છે જાણો…
આ પણ વાંચો: ફૂલેલી, નરમ, પાતળી રોટલી કોને ખાવી ન ગમે? લોટ બાંધવાથી શેકવા સુધીની રોટી મેકિંગ રેસિપી ટિપ્સ..!
આ પણ વાંચો: જો તમને વાસી રોટલી ખાવાના 5 ફાયદા ખબર હોય, તો તમે પણ રાત્રે ઘણી બધી રોટલી બનાવશો!
