Sabarkantha News: વડાલી તાલુકા પંચાયત કચેરી ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. સરકારી કાર્યાલયોમાં કોઈપણ પ્રકારની ઉજવણી પર સ્પષ્ટ પ્રતિબંધ હોવા છતાં, તાલુકા પંચાયતના પ્રમુખ ચેતનાબેન પરમારે ભાજપના જિલ્લા ઉપપ્રમુખ રવિન્દ્રભાઈ બારોટનો જન્મદિવસ પોતાની કેબિનમાં કેક કાપીને ઉજવ્યો હતો.
આ ઘટનાનો ખુલાસો સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ થતાં થયો, જેના કારણે તેમની કામગીરી અને નિર્ણય શક્તિ પર ગંભીર સવાલો ઉભા થયા છે.આ ઘટના ચેતનાબેન પરમાર દ્વારા રાજકીય આકાઓને ખુશ કરવાના પ્રયાસ અને સરકારી નિયમોના સરેઆમ ઉલ્લંઘન તરીકે જોવામાં આવી રહી છે. જાહેર સેવક તરીકે, સરકારી કાર્યાલયની ગરિમા જાળવવી અને નિયમોનું પાલન કરવાની જવાબદારી તેમની હતી, પરંતુ આવા કૃત્યથી તેમણે પોતાની જવાબદારી પ્રત્યે બેદરકારી દર્શાવી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટામાં ચેતનાબેન પરમાર અને રવિન્દ્રભાઈ બારોટ કેક કાપતા જોવા મળ્યા, જેના કારણે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે.આ મામલે ચેતનાબેન પરમારે પોતાનો બચાવ કરતાં જણાવ્યું કે, રવિન્દ્રભાઈ બારોટ ચેક વિતરણ માટે આવ્યા હતા અને તે દિવસે તેમનો જન્મદિવસ હોવાથી કેક કાપીને ઉજવણી કરવામાં આવી.
જોકે, આ ખુલાસો વધુ સવાલો ઉભા કરે છે. શું ચેક વિતરણ અને જન્મદિવસની ઉજવણી એક જ સરકારી કેબિનમાં કરવી અનિવાર્ય હતી? શું સરકારી કામકાજના સમયે આવા અંગત કાર્યક્રમો યોજવાની છૂટ છે? અને સૌથી મહત્ત્વનું, શું તેમને સરકારી ઓફિસમાં આવા આયોજનો પરના પ્રતિબંધની જાણ નહોતી?
આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે. વડાલીના નાગરિકો અને વિરોધી પક્ષો દ્વારા આ મામલે તપાસની માગ ઉઠી છે. એક વરિષ્ઠ નાગરિકે જણાવ્યું, “જો જનપ્રતિનિધિઓ જ નિયમોનું ઉલ્લંઘન કરે, તો સામાન્ય નાગરિકો પાસેથી નિયમપાલનની અપેક્ષા કેવી રીતે રાખી શકાય?” વધુમાં, આ ઘટના સરકારી કચેરીઓમાં રાજકીય દબાણ અને દુરુપયોગનો મુદ્દો પણ ઉઠાવે છે. આ ઘટના સ્પષ્ટપણે સત્તાનો દુરુપયોગ અને નિયમો પ્રત્યેની બેદરકારી દર્શાવે છે.
જાહેર જનતાની સુવિધા અને પારદર્શિતા માટે બનાવેલા નિયમોનું પાલન પોતે જ જનપ્રતિનિધિઓ દ્વારા ન થાય તો, વહીવટી વ્યવસ્થા પર લોકોનો વિશ્વાસ ડગમગી શકે છે. આ મામલે ઉચ્ચ સ્તરે તપાસ થાય અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી માગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે.
ધ્રુવ માલી. ઇડર, સાબરકાંઠા
આ પણ વાંચો:ત્રણ કલાક, ત્રણ નેતાઓ અને ત્રણ બેઠકો… CM યોગીની દિલ્હી મુલાકાત અંગે શું ચર્ચા છે?
આ પણ વાંચો:બબ્બર ખાલસાના આતંકવાદી બટાલાને ભારત લાવવાની તૈયારી, ખાલિસ્તાની નેટવર્ક સામે કાર્યવાહી કરવાની યોજના…
