આતંકીઓ/ લખનઉ બાદ કોલકાતામાં પણ ઝડપાયા જેએમબીના 3 આતંકવાદીઓ

આ શકમંદોને બપોરે દક્ષિણ કોલકાતાના હરિદેવપુરથી ધરપકડ કરવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું. કોલકાતા પોલીસની વિશેષ ટાસ્ક ફોર્સે નક્કર માહિતીના આધારે તેમને પકડવામાં સફળતા મેળવી છે.

Top Stories India

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં અલ કાયદાના 2 આતંકવાદીઓની ધરપકડ બાદ પશ્ચિમ બંગાળના કોલકાતામાં પણ 3 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. કોલકાતા પોલીસની વિશેષ ટાસ્ક ફોર્સે રવિવારે જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (જેએમબી) સાથે જોડાયેલા શકમંદોની ધરપકડ કરી હતી.

આ શકમંદોને બપોરે દક્ષિણ કોલકાતાના હરિદેવપુરથી ધરપકડ કરવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું. કોલકાતા પોલીસની વિશેષ ટાસ્ક ફોર્સે નક્કર માહિતીના આધારે તેમને પકડવામાં સફળતા મેળવી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે જેએમબીના શંકાસ્પદ આતંકવાદીઓ છેલ્લા કેટલાક મહિનાઓથી અહીં ભાડાના મકાનમાં રહેતા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ઇનપુટ મળ્યા હતા. જેને લઇ આ કાર્યવાહી કરવામાં આવી છે. “અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ અને પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. તે હજી ખૂબ શરૂઆતના તબક્કામાં છે. ”

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના દુબગ્ગા રીંગરોડ પર સીતા બિહાર વિસ્તારમાં બે આતંકવાદીઓની ધરપકડ કરીને મોટી માત્રામાં વિસ્ફોટક અને પ્રેશર કૂકર બોમ્બ કબજે કર્યા છે. કમાન્ડો દ્વારા અહીંના ત્રણ મકાનોને ઘેરી લેવામાં આવ્યા છે અને શોધખોળ ચાલુ છે. એટીએસનો દાવો છે કે અલ કાયદા સાથે સંકળાયેલા આ આતંકવાદીઓ લખનઉ અને યુપીના અન્ય વિસ્તારોમાં સિરિયલ બ્લાસ્ટ કરવાની તૈયારી કરી રહ્યા હતા. એવું પણ બહાર આવી રહ્યું છે કે ભાજપના ઘણા મોટા નેતાઓ પણ તેમના નિશાન પર હતા.