Putin attacked Ukraine: રશિયાના પુતિનને સમજવા એક કોયડો બની ગયો છે. પુતિન વર્ષ 2000માં 47 વર્ષની વયે રશિયાના રાષ્ટ્રપતિ બન્યા હતા. રાષ્ટ્રપતિ બન્યા બાદ તેઓ રશિયાની ઓળખને યુરોપ સાથે જોડીને જોતા હતા. પુતિન રશિયાને નાટોમાં સામેલ કરવા પણ માગતા હતા. યુરોપની શાંતિમાં પુતિન અગ્રેસર હતા. તો પછી શું થયું કે પુતિને યુક્રેન પર હુમલો કર્યો. આ વાત એક કોયડો છે. તો આવો જાણીએ શું છે સમગ્ર મામલો…
25 સપ્ટેમ્બર, 2001ના રોજ પુતિને જર્મનીની સંસદને સંબોધિત કરતા કહ્યું હતું કે રશિયા એક મિત્રવત યુરોપિયન દેશ છે. રશિયન રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં કહ્યું કે યુરોપમાં સ્થિરતા અને શાંતિ તેમના દેશનો મુખ્ય ઉદ્દેશ્ય છે. પુતિને જર્મન સંસદમાં કહ્યું હતું કે લોકતાંત્રિક અધિકારો અને સ્વતંત્રતા એ રશિયાની નીતિનું લક્ષ્ય છે. જ્યારે પુતિન આમ કહી રહ્યા હતા ત્યારે જર્મન સંસદો ઊભા થઈને તાળીઓ પાડી રહ્યા હતા અને એન્જેલા મર્કેલ પણ એમાં સામેલ હતાં. ત્યારે મર્કેલ સાંસદ હતા.
પેરિસમાં ન્યૂયૉર્ક ટાઈમ્સના મુખ્ય સંવાદદાતા રોજર કોહેને તેમના અહેવાલમાં લખ્યું છે કે પુતિન એ બર્લિન શહેરમાં સંબોધી રહ્યા હતા જે લાંબા સમયથી પશ્ચિમ અને સોવિયત સંઘ વચ્ચે વિભાજનનું પ્રતીક રહ્યું છે, પરંતુ આવું પહેલી વાર નથી થયું કે જ્યારે પુતિને રશિયાને યુરોપિયન સંસ્કૃતિ સાથે જોડ્યું હોય અને સમૃદ્ધ યુરોપની વાત કરી હોય.
જ્યૉર્જ રૉબર્ટસન યુકેના ભૂતપૂર્વ સંરક્ષણમંત્રી છે અને 1999 અને 2003 વચ્ચે નાટોના સેક્રેટરી-જનરલ હતા. તેમણે નવેમ્બર 2021માં કહ્યું હતું કે પુતિન શરૂઆતમાં રશિયાને નાટોમાં સામેલ કરવા ઈચ્છતા હતા, પરંતુ તેઓ તેમાં સામેલ થવાની સામાન્ય પ્રક્રિયાને અપનાવવા માગતા ન હતા. જ્યૉર્જ રૉબર્ટસને કહ્યું, “પુતિન સમૃદ્ધ, સ્થિર અને સંપન્ન પશ્ચિમનો ભાગ બનવા માગતા હતા.” જ્યૉર્જ રૉબર્ટસને પુતિન સાથેની પ્રારંભિક મુલાકાતને યાદ કરતાં કહ્યું છે, “પુતિને કહ્યું, તમે અમને નાટોમાં જોડાવા માટે ક્યારે આમંત્રિત કરશો? મેં જવાબ આપ્યો, અમે નાટોમાં જોડાવા માટે લોકોને આમંત્રિત કરતા નથી. તેમાં જોડાવા માગતા લોકો અરજી કરે છે. તેના જવાબમાં પુતિને કહ્યું હતું કે, હું તેમાં જોડાવા માટે અરજી કરવાવાળા દેશોમાં નથી.” જ્યૉર્જ રૉબર્ટસને સીએનએનના ભૂતપૂર્વ પત્રકાર માઈકલ કોસિન્સકીના ‘વન ડિસિઝન પોડકાસ્ટ’માં આ વાત કહી હતી.
પુતિને 5 માર્ચ, 2000ના રોજ કહ્યું હતું કે, “રશિયા યુરોપની સંસ્કૃતિનો ભાગ છે. હું પોતે મારા દેશની યુરોપથી અલગ કલ્પના કરી શકતો નથી. આપણે ઘણી વાર આને સભ્ય દુનિયા કહીએ છીએ. પુતિને કહ્યું હતું કે, “રશિયા તેના ભાગીદારો સાથે સમાન અને ન્યાયી સંબંધો ઇચ્છે છે. મુખ્ય સમસ્યા જેના પર પહેલાથી સંમત છીએ એ સામાન્ય હિતોથી અલગ થવાની છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સુરક્ષા મુદ્દાઓ પર ધ્યાન આપવું તે મહત્ત્વપૂર્ણ છે.” “અમે સમાન સહયોગ અને ભાગીદારી માટે તૈયાર છીએ. અમે નાટો સાથે સહકારની વાત કરી શકીએ છીએ, પરંતુ આ ત્યારે જ શક્ય બનશે જ્યારે રશિયાને સમાન ભાગીદાર તરીકે રાખવામાં આવશે. તમે જાણો છો કે અમે પૂર્વમાં નાટોના વિસ્તરણનો વિરોધ કરતા રહ્યા છીએ.”
જૂન 2001માં, જર્મન સંસદમાં ભાષણ આપ્યાના થોડા મહિના પહેલાં પુતિન તત્કાલીન યુએસ પ્રમુખ જ્યૉર્જ ડબલ્યૂ બુશને મળ્યા હતા. આ બેઠક બાદ બુશે પુતિન વિશે કહ્યું હતું કે, “મેં પુતિનની આંખોમાં જોયું તો તેઓ સંવેદનશીલ લાગ્યા. મને તે નીડર અને વિશ્વાસપાત્ર લાગ્યો.” 16 જૂન, 2001ના રોજ, પુતિન અને બુશે તેમની બેઠક બાદ સ્લોવેનિયામાં સંયુક્ત પત્રકારપરિષદ યોજી હતી. એ પ્રેસ-કૉન્ફરન્સમાં બુશે પુતિન વિશે કહ્યું કે, “પુતિન પોતાના દેશને લઈને ખૂબ જ પ્રતિબદ્ધ છે. તે પોતાના દેશના હિત માટે જાગ્રત રહે છે. હું નિખાલસ વાતચીત બદલ તેમની પ્રશંસા કરું છું. જો મને પુતિન પર વિશ્વાસ ન હોત તો મેં તેમને બિલકુલ આમંત્રણ ન આપ્યું હોત. રશિયા અને અમેરિકાએ શીતયુદ્ધની માનસિકતામાંથી બહાર નીકળવું જોઈએ અને સંબંધોને નવેસરથી મજબૂત કરવા જોઈએ.”
2022નું વર્ષ પુતિન સામે સમગ્ર પશ્ચિમની એકતા તરીકે જોવામાં આવશે અથવા તો પુતિનને સમગ્ર પશ્ચિમની ધમકીથી બેફિકર તરીકે જોવામાં આવશે. ઉત્તર ઍટલાન્ટિક સંધિ સંગઠન એટલે કે નાટોની રચના બીજા વિશ્વયુદ્ધ પછી 1949માં થઈ હતી. અમેરિકા, કૅનેડા અને અન્ય પશ્ચિમી દેશોએ મળીને તેને બનાવ્યું હતું. તેમણે તેને સોવિયત યુનિયનથી રક્ષણ માટે બનાવ્યું હતું. ત્યારે વિશ્વ દ્વિધ્રુવી હતું. એક મહાસત્તા અમેરિકા અને બીજું સોવિયેત સંઘ. શરૂઆતમાં નાટોના 12 સભ્ય દેશો હતા. નાટોની રચના પછી એવી જાહેરાત કરવામાં આવી હતી કે જો ઉત્તર અમેરિકા અથવા યુરોપના આમાંથી કોઈ એક દેશ પર હુમલો થશે તો આ સંગઠન સાથે સંકળાયેલા તમામ દેશો તેને પોતાના પરનો હુમલો ગણશે. નાટોમાં સામેલ દરેક દેશ એકબીજાને મદદ કરશે. પરંતુ ડિસેમ્બર 1991માં સોવિયત યુનિયનના પતન પછી ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ. નાટોની રચના જે કારણે કરવામાં આવી હતી તે સોવિયેત સંઘનું વિઘટન થઈ ગયું હતું. વિશ્વ એકધ્રુવીય બની ગયું હતું.
અમેરિકા એકમાત્ર મહાસત્તા બાકી રહી હતી. સોવિયત સંઘના વિઘટન પછી રશિયાની રચના થઈ હતી અને રશિયા આર્થિક રીતે તૂટી ગયું હતું. 2004માં શીતયુદ્ધ પછી નાટોનું બીજું વિસ્તરણ થયું. આ વિસ્તરણમાં એસ્ટોનિયા, લિથુઆનિયા, લાતવિયા, બલ્ગેરિયા, રોમાનિયા અને સ્લોવાકિયા નાટોમાં જોડાયા. નવેમ્બર 2003માં જ્યોર્જિયામાં રોઝ રિવૉલ્યુશન થયું હતું અને તે પશ્ચિમના ખોળામાં જઈ પડ્યું. 2004માં મોટી સંખ્યામાં લોકો યુક્રેનની શેરીઓમાં વિરોધ કરવા ઊતર્યા અને તેને ઑરેન્જ રિવૉલ્યુશન નામ અપાયું. પ્રદર્શનકારી રશિયાને નકારીને પશ્ચિમ સાથે તેમનું ભવિષ્ય જોઈ રહ્યા હતા. ક્રોએશિયા અને અલ્બાનિયા પણ 2009માં નાટોમાં જોડાઈ ગયા. યુક્રેન પણ નાટોમાં જોડાવા માટે ઔપચારિક અરજી કરી ચૂક્યું છે, પરંતુ હજુ સુધી તેમાં સામેલ થયું નથી.
પુતિન માટે તે ચીડવનારી બાબત હતી. તેણે નાટોમાં તેના પડોશીઓ અથવા સોવિયત યુનિયનનો હિસ્સો રહેલા દેશોને જોડવાને અમેરિકાના વિશ્વાસઘાત તરીકે જોવાનું શરૂ કર્યું. ઘણા માને છે કે પુતિન તેમના પડોશમાં નાટો કરતાં લોકશાહી આવવાથી વધુ ડરતા હતા. જર્મનીના ભૂતપૂર્વ વિદેશમંત્રી યોશિકા ફિશરે ન્યૂયૉર્ક ટાઇમ્સને કહ્યું છે કે, “પુતિનના ડરનું કારણ નાટો નહીં પણ લોકશાહી હતી.” યુક્રેનની વર્તમાન સરકારને લાગે છે કે જો તે નાટોનું સભ્ય હોત તો રશિયાએ હુમલો ન કર્યો હોત.
ઘણા માને છે કે નાટોના વિસ્તરણને કારણે પુતિન માત્ર પશ્ચિમના વિરોધી બન્યા નથી, પરંતુ સોવિયેત યુનિયનના તૂટવાથી તેમને ખૂબ જ દુઃખ થયું હતું અને તેને એક કરવાની ઇચ્છા તેમના મનમાં ક્યાંક દબાયેલી છે. પુતિનનો જન્મ 1952માં લેનિનગ્રાદમાં થયો હતો. તે સોવિયેત અને નાઝી જર્મની વચ્ચેના યુદ્ધની છાયામાં મોટા થયા હતા.
રશિયાના લોકો માટે તે દેશભક્તિવાળી લડાઈ હતી. આ યુદ્ધમાં પુતિનના પિતા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને એક મોટા ભાઈ માર્યા ગયા હતા. લેનિનગ્રાદ શહેર મહિનાઓ સુધી જર્મન નિયંત્રણ હેઠળ હતું. પુતિનના દાદા સ્ટાલિનના રસોઈયા તરીકે કામ કરતા હતા. પુતિનના પરિવારે નાઝીવાદ સામેની લડાઈમાં રેડ આર્મી માટે ઘણું બલિદાન આપ્યું હતું.
જેએનયુના ઍસોસિયેટ પ્રોફેસર રાજનકુમાર કહે છે, “પુતિન માર્ક્સવાદી નથી. તેમણે રશિયા અને જર્મનીમાં કેન્દ્રીય અને નિયોજિત અર્થવ્યવસ્થાનું ભવિષ્ય જોયું હતું. 1985થી 1990 સુધી પુતિન સોવિયેત યુનિયનની એજન્સી કેજીબીના એજન્ટ હતા. પુતિને સોવિયેત સંઘનો નાશ થતો જોયો હતો.” “સોવિયેત યુનિયનના વિઘટન બાદ રશિયાની કમાન બોરિસ યેલત્સિનના હાથમાં આવી. સામ્યવાદી યુગ પછી એટલે કે 1990ના દાયકામાં રશિયાનું નેતૃત્વ બોરિસ યેલત્સિનના હાથમાં હતું. તેઓ રશિયાના પ્રથમ ચૂંટાયેલા નેતા હતા.” “બોરિસ યેલત્સિન જે રીતે પશ્ચિમમાંથી આર્થિક મદદ લઈ રહ્યા હતા તે પુતિનને પસંદ નહોતું. સોવિયત યુનિયનની યાદોને રશિયનો ભૂલી શક્યા ન હતા. તેની છબી તેમનામાં દ્રઢપણે જીવિત હતી.”
રાજનકુમાર કહે છે કે, પુતિન છેલ્લાં 22 વર્ષથી રશિયાની સત્તા સંભાળી રહ્યા છે. આ સમય દરમિયાન અમેરિકામાં પાંચ રાષ્ટ્રપતિ બદલાઈ ગયા. ચીન ઘણું આગળ નીકળી ગયું છે. અમેરિકાએ ઇરાક અને અફઘાનિસ્તાનમાં હુમલો કર્યો અને તેના પરિણામો ભોગવવા પડ્યા. ટેક્નૉલૉજી આખી દુનિયામાં વિસ્તરી, પરંતુ પુતિન હજુ પણ એક રહસ્ય બનીને રહ્યા છે.”
આ વર્ષે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં પુતિને યુક્રેન પર હુમલો કર્યો અને તેની અસર આખી દુનિયા પર પડી. યુરોપમાં સ્વીડન અને ફિનલૅન્ડ દરેક પરિસ્થિતિમાં તટસ્થ રહેવા માટે જાણીતા હતા પરંતુ હવે તેમણે પણ નાટોમાં જોડાવા માટે અરજી કરી છે. જર્મનીએ પણ તેનું સંરક્ષણ બજેટ વધારવાની જાહેરાત કરી છે. યુરોપિયન યુનિયને રશિયા પરની તેમની ઊર્જા નિર્ભરતાને મોટા પાયે ઘટાડવાની જાહેરાત કરી હતી અને તેના કારણે સામાન્ય લોકોને ઘણી મુશ્કેલી પડી રહી છે. જે યુરોપીયન ઉદ્યોગો રશિયન ગૅસ પર નિર્ભર હતા.. તેમણે બહાર તેમનું સેટઅપ કરવું પડ્યું. અત્યારે યુરોપ ગમે તેમ કરીને પણ પોતાની ઊર્જા જરૂરિયાતોને પૂરી કરી રહ્યું છે પરંતુ આવનારા સમયમાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.
યુક્રેન પરના હુમલાના વિરોધમાં અમેરિકાએ તેના સહયોગી દેશો સાથે મળીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયાની નિંદા કરતો ઠરાવ ઘણી વખત રજૂ કર્યો હતો, પરંતુ કેટલાય મહત્ત્વપૂર્ણ દેશોનું સમર્થન મળ્યું ન હતું. ભારત અને ઈઝરાયલ સહિત પર્સિયન ગલ્ફમાં અમેરિકાના ઘણા સહયોગીઓએ સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધ મતદાનમાં ભાગ લીધો ન હતો. મતદાનથી અળગા રહેવાને એ રીતે જોવામાં આવ્યું કે તેમનાં હિતો અલગ છે.
એવું કહેવામાં આવ્યું હતું કે આ દેશોએ તેમની અર્થવ્યવસ્થા અને સુરક્ષાની ચિંતાઓને પ્રાથમિકતા આપી છે. યુક્રેન પર હુમલા પહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પુતિન સાથે ‘જોડીદારીની કોઈ સીમા નહી’ એવી મિત્રતા જાહેર કરી હતી. પરંતુ ચીને રશિયાને પરમાણુ હથિયારોના ઉપયોગ અંગે સતર્ક કર્યું હતું. અમેરિકાની ઈજારાશાહી સામે ચીનનો રશિયા સાથે લાંબા સમયથી સહયોગ છે, પરંતુ અમેરિકા સાથે તેનો કારોબાર પણ અબજો ડૉલરનો છે. ઘણા નિષ્ણાતો માને છે કે રશિયાને ખ્યાલ નહોતો કે યુક્રેન સાથે તેનું યુદ્ધ આટલા લાંબા સમય સુધી ચાલશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયા પોતે પણ હવે આ યુદ્ધમાં ફસાઈ ગયું છે.
યુક્રેન પર થયેલા હુમલામાં રશિયાને પણ ભારે નુકસાન થયું છે. માત્ર લશ્કરી નુકસાન જ નહીં પરંતુ રશિયાની અર્થવ્યવસ્થા પણ અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. ઍટલાન્ટિક કાઉન્સિલ યુક્રેન ઍલર્ટ સર્વિસના એડિટર પીટર ડિકિન્સને લખ્યું છે કે, “યુક્રેન પર પુતિનનો હુમલો એ બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપનો સૌથી મોટો મુકાબલો છે. પુતિનની યોજના એવી હતી કે થોડા દિવસોમાં તે યુક્રેનને સાવ ઘૂંટણિયે ટેકવી દેશે. પરંતુ યુદ્ધ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું.” “10 મહિના થઈ ગયા અને યુક્રેન ડગ્યું નથી. પુતિનના સૈનિકોને યુક્રેનના ઘણા શહેરોમાંથી પાછા ફરવું પડ્યું. મોટી સંખ્યામાં રશિયન સૈનિકો માર્યા ગયા છે.” “રશિયાની આંતરરાષ્ટ્રીય છબી પણ ઘણી બગડી છે. યુક્રેનના લાખો સામાન્ય લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. રશિયાની મહાસત્તાની છબી પણ શંકાના દાયરામાં આવી ગઈ છે. તમે ગમે તે સ્વરૂપે જુઓ, પુતિન 2022ના નિષ્ફળ રાષ્ટ્રપતિ દેખાશે.”
આમ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમિર પુતિન એક કોયડા સમાન બની ગયા છે. અગાઉ યુરોપની શાંતિની વાત કરનાર પુતિને જ યુરોપની શાંતિ ડહોળી છે. પુતિનને સમજવા ઘણા અઘરા થઈ ગયા છે. આ બાબતે આપનું મંતવ્ય જણાવશો.
આ પણ વાંચો: બિહાર/નીતિશ કુમારનું મોટું નિવેદન – મરવાનું મંજૂર પણ ભાજપ સાથે જવાનું નહીં, લાલુને ફસાવ્યા
