- પોંડીચેરીમાં પતન સાથે દક્ષિણ ભારતમાં કોંગ્રેસનો ગઢ સાવ ધરાશાયી થયો
- સૌથી જૂના પક્ષ પાસે હવે પોતાના માત્ર ત્રણ અને એક ભાગીદારીવાળુ રાજ્ય
પક્ષપલ્ટાના કારણે થોડા સમય પહેલા જેડીએસ અને કોંગ્રેસની ભાગીદારીવાળી કર્ણાટકની સરકારનું પતન થયું હતું તે જ રીતે દક્ષિણના જ બીજા રાજ્ય – ભલે નાનકડું કેન્દ્રશાસિત રાજ્ય હોય પરંતુ પોંડીચેરીમાં ડીએમકેના ટેકાથી ચાલતા કોંગ્રેસી શાસનનો અંત આવ્યો છે જે પ્રદેશની ચૂંટણી મે માસમાં જ યોજાઈ રહી છે અને માર્ચમાં જેની સત્તાવાર જાહેરાતની શક્યતા છે તે પોંડીચેરીના કોંગ્રેસી મુખ્યમંત્રી અને કેન્દ્રમાં પણ મનમોહનસિંહની સરકાર સમયે પ્રધાનપદ ભોગવી ચૂકેલા નારાયણસામીને વિશ્વાસનો મત ગુમાવતા રાજીનામું આપવું પડ્યું છે.

પોંડીચેરી વિધાનસભામાં ૩૦ ચૂંટાયેલા અને નોમીનેટેડ ધારાસભ્યોની સંખ્યા છે. હવે આ સરકાર ડીએમકેના ટેકાથી ચાલતી હતી. કોંગ્રેસના ૧૫ અને ડીએમકેના ૩ અને ૧ અપક્ષ મળી ૧૯ સભ્યો હતા. તો સામે પક્ષે ૧૪ સભ્યો હતાં જેમાં અન્ના ડીએમકે તેમજ નવરચિત એન.આર. કોંગ્રેસ સામેલ હતી. પાંચ દિવસ પહેલા બે પ્રધાનો સહિત કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી અને ડીએમકેના એક ધારાસભ્ય પણ એ જ માર્ગે ગયા હતા.
આમ ત્યાં કોંગ્રેસ અને તેના સાથી પક્ષોનું સંખ્યાબળ ઘટીને માત્ર ૧૨ સભ્યોનું થયું જ્યારે પક્ષપલ્ટુઓનો સરવાળો ૭ થયો જેઓ વિધાનસભા પણ છોડી ચૂક્યા હતા. સામે પક્ષે વિપક્ષની સંખ્યા ૧૪ થઈ, વિશ્વાસના મત તો નારાયણ સામીએ મૂક્યો પણ તેના ૧૨ ધારાસભ્યો હાજર હતા જેમાં કોંગ્રેસના ૯, ડીએમકેના ૨ અને ૧ અપક્ષનો સમાવેશ થાય છે. તે મળી કુલ ૧૨ની સંખ્યા થ અને તેથી તેમણે વિશ્વાસનો મત હારી જાય છે અને ખુદ સ્પીકરે જાહેરાત કરી કે નારાયણ સામી સરકાર બહુમતીમાં નથી તેથી તેમણે રાજીનામું ધરી દીધું. હવે ચૂંટણી સુધી વૈકલ્પિક વ્યવસ્થા શું થાય છે તે જોવાનું રહે છે.

આમ કોંગ્રેસના હાથમાંથી વધુ એક રાજ્ય સરકી ગયું. એક વર્ષના ગાળામાં મધ્યપ્રદેશ પછી બીજું રાજ્ય કોંગ્રેસને ગુમાવવાનો વારો આવ્યો. બંને રાજ્યોમાં સત્તા ગુમાવવાનું કારણ પક્ષપલ્ટો છે. મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા જૂથના ધારાસભ્યોએ પક્ષપલ્ટો કરતાં કમલનાથની આગેવાની હેઠળ કોંગ્રેસની સરકારને વિદાય લેવી પડી. ભાજપની સરકાર રચાઈ અને પેટાચૂંટણીમાં મોટાભાગના પક્ષપલ્ટુએ વિજયી બનતા મધ્યપ્રદેશની સરકાર ટકી પણ રહી. જ્યારે કર્ણાટકમાં પણ દોઢેક વર્ષ પહેલા જ જેડી (એસ) અને કોંગ્રેસની ભાગીદારીવાળી જેડી (એસ)ના નેતા અને પૂર્વ વડાપ્રધાન દેવગૌડાના પુત્ર કુમાર સ્વામીની આગેવાની હેઠળની સરકારનું પક્ષપલ્ટાના કારણે જ પતન થયું હતું અને યેદિયુરપ્પાની આગેવાની હેઠળ ભાજપે સરકાર રચી અને પક્ષપલ્ટો કરનારા પૈકી મોટાભાગના ધારાસભ્યો જીતતા આ સરકાર ટકી પણ રહી છે. ટૂંકમાં પક્ષપલ્ટો કોંગ્રેસને નડી ગયો છે તો ભાજપને ફળ્યો છે.

આ ત્રણેય બનાવ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પછીના છે. ગુજરાતમાં પણ ૨૦૧૯ બાદ એટલે કે ૨૦૨૦માં કોરોનાકાળમાં લોકડાઉનનો તબક્કો પૂર્ણ થયો અને અનલોકનો તબક્કો શરૂ થયો હતો. તેવે સમયે રાજ્યસભાની ત્રણ બેઠકોની ચૂંટણી સમયે કોગ્રેસના ૮ ધારાસભ્યોએ પક્ષપલ્ટો કર્યો અને કોંગ્રેસની જ હતી અને કોંગ્રેસના ફાળે જ હતી તે બીજી બેઠક કોંગ્રેસને ગુમાવવી પડી અને ભાજપની ટિકિટ પણ વિજીય નબેલા કોંગ્રેસના પાંચ પક્ષપલ્ટુ ધારાસભ્યો પણ જીત્યા. આમાના એકાદને કદાચ રાજ્યના પ્રધાનમંડળમાં પ્રધાનપદાનો શીરપાવ મળે તો પણ કોઈને આશ્ચર્ય નહિ થાય. કારણ કે ગુજરાતના પ્રધાનમંડળમાં કુંવરજીભાઈ બાવળીયા, જવાહર ચાવડા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના ત્રણ નવા અને જયેશભાઈ રાદડિયા જેવા એક જુના કોંગ્રેસી ધારાસભ્ય સત્તા ભોગવે છે. કેટલાક નિગમોમાં પણ હોદ્દા ભોગવે છે.

૨૦૧૪ બાદ કોંગ્રેસને ઘણા રાજ્યોમાં વિધાનસભાઓમાં હાર બાદ સત્તા ગુમાવવી પડી છે તો કેટલાક રાજ્યો યુપી, બિહાર સહિતના કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં લોકસભાની જેમ વિધાનસભાઓમાં પણ કોંગ્રેસ વિપક્ષનું નેતાપદ મેળવી શકે તેટલી સંખ્યામાં ધારાસભ્યો ધરાવતી નથી. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી વખતે પણ પક્ષપલ્ટો કરી ભાજપમાં જનારા ઘણા સંસદસભ્યો જીત્યા હતા. યુપી વિધાનસભા ચૂંટણીના ત્રણ માસ પહેલા જ કોંગ્રેસ છોડનારા યુપીના પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રીટા બહુગુણા જાેશી પણ ભાજપમાં ગયા અને વિધાનસભાની ગત ચૂંટણીમાં લખનૌની બેઠક પરથી ચૂંટણી પણ જીત્યા અને હાલ તેઓ યોગી આદિત્યનાથની સરકારમાં કેબિનેટ પ્રધાન છે. આમ પક્ષપલ્ટો ભાજપમાં જનારા કોંગ્રેસી ધારાસભ્યો સાંસદોને લગભગ ફળે જ છે.

દક્ષિણમાં હવે પોંડીચેરી, તમિલનાડુ, કેરળ, આંધપ્રદેશ અને તેલંગણા અને કર્ણાટક પૈકી એક પણ રાજ્યમાં કોંગ્રેસની સરકાર અસ્તિત્વમાં નથી. કેરળમાં ડાબેરી તો આંધ્ર, તેલંગણા, તમિલનાડુમાં પ્રાદેશિક પક્ષોની તો કર્ણાટકમાં ભાજપની સરકાર છે. અત્યારે કોંગ્રેસની પોતાની સ્વતંત્ર કહી શકાય તેવી સરકારહોય તો તે માત્રને માત્ર પંજાબ, રાજસ્થાન અને છત્તીસગઢમાં છે. પંજાબ અને છત્તીસગઢ નાના રાજ્યો છે તો મધ્યમ કક્ષાના રાજ્યોની વ્યાખ્યામાં આવતા રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે, પરંતુ ત્યાં કોંગ્રેસમાં ગેહલોત અને સચીન પાયલોટ વચ્ચે જે ટાંટીયાખેંચની રમત ચાલે છે તેના કારણે આ સરકાર પોતાની મુદ્ત પુરી કરશે કે નહિં તે કહી શકાય એવું નથી.

ઈશાન પૂર્વના કે પૂર્વના એકપણ રાજ્યમાં કોંગ્રેસની સરકાર નથી. દક્ષિણનો જૂનો ગઢ લગભગ ધ્વસ્ત થઈ ચૂક્યો છે. જ્યારે મધ્ય ભારતમાં માત્ર છતીસગઢ, રાજસ્થાન બચ્યું છે. જાે કે રાજસ્થાન તો ઉત્તરના રાજ્યો સાથે પણ જાેડાયેલું છે. જ્યારે ઉત્તરમાં માત્ર પંજાબમાં જ કોંગ્રેસની સત્તા છે તો પશ્ચિમના રાજ્યોમાં મહારાષ્ટ્રમાં શીવસેનાની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર અઘાડીની સરકારમાં કોંગ્રેસ ત્રીજા નંબરની ભાગીદાર છે, પણ મહારાષ્ટ્રમાં ચૂંટણી સમયે કોંગ્રેસ ચોથા સ્થાને ધકેલાઈ ગયું છે. ટૂંકમાં દેશના ૩૩ લાખથી વધુ રાજ્યો પૈકી માત્ર ત્રણ જ રાજ્યોમાં કોંગ્રેસની પોતાની અને એક જ રાજ્ય મહારાષ્ટ્રમાં તેની ભાગીદારીવાળી સરકાર છે. ૧૩૪ કરતાં વધુ વર્ષની જુની પાર્ટી માત્ર ચાર જ રાજ્યોમાં સીધી કે આડકતરી રીતે સત્તા પર હોય તે સારી વાત તો ન જ કહેવાય.
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર ,
