Rajkot News: રાજકોટ ટ્રાફિક DCP પૂજા યાદવએ એક પત્રકાર પરિષદમાં 2024ના વર્ષ દરમિયાન કરવામાં આવેલી ટ્રાફિક પોલીસની કામગીરીની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમો દ્વારા જીવલેણ અને ગંભીર અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેમાં 2023 માં ગંભીર અકસ્માતના 166 કેસ સામે 2024માં 151 કેસ નોંધાય છે, જેથી તેમાં 15 કેસનો ઘટાડો નોંધાયો છે, જ્યારે 2023માં ગંભીર અકસ્માતના 219 કેસ નોંધાયા હતા, જેની સામે 2024માં ગંભીર અકસ્માતના કેસોમાં 16ના ઘટાડા સાથે 203 કેસ નોંધાયા છે. 2023માં સામાન્ય અકસ્માતના 79 કેસો સામે 2024માં 18ના ઘટાડા સાથે માત્ર 61 કેસો નોંધાયા છે 2023ની સાપેક્ષમાં 12.71 %નો ઘટાડો નોંધાયો છે.
ટ્રાફિક પોલીસ દ્વારા આગળના વર્ષોમાં દંડના ગુનામાં પણ વધારો જોવા મળ્યો છે. 2023માં બ્લૂ કાચના 13,706 કેસ સામે 2024માં 3216 કેસોના વધારા સાથે 16,922 કેસો કરી 31,77,500નો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે 2023માં મોબાઈલના 8261 કેસો સામે 2024માં 982 કેસોના વધારા સાથે 9243 કેસો કરી 22 લાખ 27 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે 2023 માં લાયસન્સના 997 કેસો સામે 2024માં 2088 કેસોના વધારા સાથે 3085 કેસો કરી 4,87,500નો દંડ ફટકારવામાં આવ્યો છે.
ત્રિપલ સવારીના 2023માં 26, 579 કેસો સામે 2024માં 20,732 કેસોના વધારા સાથે 47, 491 કેસો કરી 50,42,800 નો દંડ ફટકારવામાં આવ્યો છે, 2023 માં હેલમેટના 11,023 કેસો નોંધાયા હતા, જેની સામે 2024માં 7607 કેસોના વધારા સાથે 18,630 કેસો નોંધી 37 લાખ 94 હજારનો દંડ ફટકાર્યો હતો. 2023માં સીટ બેલ્ટના 18,591 કેસો સામે 2024માં 14,071 કેસોના વધારા સાથે 32,662 કેસો કરી 91 લાખ 73 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ આવે તે અર્થે અવેરનેસના કાર્યક્રમોમાં પણ વધારો કરીને 2023માં 76 કાર્યક્રમો સામે 2024માં 95 જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા, 2023માં 12,713 લોકોએ ભાગ લીધો હતો જ્યારે 2024માં 22,838 લોકોએ ભાગ લઈ ટ્રાફિકના નિયમો અંગે માહિતી મેળવી હતી. આ સંખ્યાઓ અને કામગીરીના પરિણામે ટ્રાફિક નિયંત્રણ અને સાવધાનીમાં સુધારો જોવા મળ્યો છે, જે શહેરમાં ટ્રાફિકના નિયમો અને સુરક્ષાની વાતોને વધુ પ્રોત્સાહિત કરે છે.
આ પણ વાંચો: નીતિન ગડકરીએ સૌથી વધુ સંખ્યામાં માર્ગ અકસ્માતો ધરાવતા ટોચના રાજ્યોને જાહેર કર્યા
આ પણ વાંચો: રાજ્યમાં વિવિધ માર્ગ અકસ્માતોમાં 6ના મોત અને 30ને ઇજા
આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતો ઘટાડવાના ખાસ એક્શન પ્લાનથી ૧૦ મહિનામાં ૯૦ માનવ જીવન બચાવવામાં સફળતા
