મુંબઈઃ દેશમાં જ્યારે પણ ધનસંપત્તિની વાત આવે છે ત્યારે તરત જ અંબાણી કુટુંબનું નામ સૌથી આગળ કહેવાય છે. તેમા પણ મુંબઈમાં તેમણે 1,500 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલું એન્ટિલીયા તો વૈભવનું શિખર માનવામાં આવે છે. પણ જો તમે માનતા હોવ કે દેશમાં સૌથી મોંઘા ફ્લેટના માલિક અંબાણી છે તો તે વાત ખોટી છે. નીતા અંબાણીની નજીકના મિત્ર લીના તિવારીએ મુંબઈના પોશ વિસ્તારમાં દેશનો સૌથી મોંઘો ફ્લેટ ખરીદીને બધાને ચોંકાવી દીધા છે. આ ફ્લેટ કુલ રૂ. 703 કરોડમાં ખરીદ્યો છે.
આ બધુ સાંભળી કોઈને પણ થાય કે આ લીના તિવારી છે કોણ, તે કરે છે શું તે આટલો મોંઘો ફ્લેટ ખરીદ્યો. તે એવી તે કઈ કંપનીના માલિક છે કે તે આ પ્રકારનો ફ્લેટ ખરીદી શકી. લીના તિવારી કંઈ જેવી તેવી શખ્સિયત નથી. તે ફાર્માસ્યુટિકલ કંપની USVની ચેરપર્સન છે. તેમની કંપની ગ્લાયકોમેટ (ડાયાબિટીસ) ઇકોસ્પ્રિન (લોહી પાતળુ કરનાર) અને રોઝ (કોલેસ્ટોરેલ ઘટાડતી દવા) જેવી દવાઓ બનાવવા જાણીતી છે.
લીના તિવારીની ગણતરીની દેશની સૌથી ધનિક મહિલાઓમાં થાય છે. તે નીતા અંબાણીની પણ નજીક મનાય છે. જો કે આશ્ચર્યની વાત એ છે કે અબજો રૂપિયા હોવા છતાં પણ તે લાઇમલાઇટથી દૂર છે. લીના તિવારી અને તેમના પતિ તથા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પ્રશાંત તિવારી પણ લો-પ્રોફાઇલ રહેવા માટે જાણીતા છે.
લીના તિવારીએ મુંબઈના પોશ વરલી વિસ્તારમાં બે વૈભવી સમુદ્ર તરફના ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ખરીદ્યા છે. આ સોદો 639 કરોડ રૂપિયામાં થયો છે. આ દેશમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો રહેણાંક મિલકતનો સોદો છે. આ સોદામાં 63.9 કરોડ રૂપિયાથી વધુની સ્ટેમ્પ ડ્યુટી અને GSTનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, ફ્લેટની કુલ કિંમત લગભગ 703 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ ફ્લેટ વર્લીમાં અરબી સમુદ્રની સામે આવેલા 40 માળના સુપર પ્રીમિયમ ટાવરના 32મા થી 35મા માળે ખરીદવામાં આવ્યો છે. આ ફ્લેટનો વિસ્તાર 22,572 ચોરસ ફૂટ છે. ફ્લેટની પ્રતિ ચોરસ ફૂટ કિંમત 2.83 લાખ રૂપિયાથી વધુ છે.
ફોર્બ્સ અનુસાર, લીના તિવારીની વર્તમાન કુલ સંપત્તિ $3.9 બિલિયન એટલે કે લગભગ રૂ. 32,500 કરોડ છે. નાણાકીય વર્ષ 2024 માં તેનું કુલ ટર્નઓવર રૂ. 4,840 કરોડ થવાનો અંદાજ છે. તેનો ગ્લાયકોમેટ ભારતીય ફાર્માસ્યુટિકલ બજારમાં બીજા ક્રમનો સૌથી મોટો બ્રાન્ડ છે, જેણે છેલ્લા 12 મહિનામાં રૂ. 806 કરોડના વેચાણ નોંધાવ્યું છે.
આ પણ વાંચો: મુકેશ અંબાણીએ દુબઈમાં ખરીદ્યું અત્યાર સુધીનું સૌથી મોંઘુ ઘર, જાણો કિંમત અને ખાસિયત
આ પણ વાંચો: વિશ્વનું સૌથી મોંઘું લાઇટર, કિંમત એટલી કે તમે એક મોટું ઘર ખરીદશો
આ પણ વાંચો: સોનું આટલું મોંઘુ કેમ થઈ રહ્યું છે? ટ્રમ્પના ટેરિફની સોના પર જોવા મળી સીધી અસર
