મહાગ્રંથ રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકી એક વાલીયા લૂંટારામાંથી ઋષિ બન્યા અને અદભૂત ગ્રંથની રચના કરી. પણ ઘણાં ઓછા લોકોને ખબર છે કે વાલ્મિકીએ રામાયણની રચના કરી તે પહેલાં કોઈએ રામાયણની રચના કરી હતી. પણ તેને દરિયામાં ફેંકી દેવામાં આવી હતી.
મહર્ષિ વાલ્મિકી ઋષિ પ્રચેતાના પુત્ર હતા પણ તેમને એક ભીલડી અપહરણ કરીને પોતાની સાથે લઈ ગઈ હતી. આ કારણે તેનું પાલનપોષણ ભીલોની વચ્ચે થયું હતું અને તે ઋષિ પુત્ર હોવા છતાં એક લૂંટારું બની ગયા હતા. એક દિવસ તેમનો ભેટો નારદજી સાથે થયો તેમણે તેને સમજાવ્યું કે તું જે પાપ કર્મ કરે છે તેમાં તારા પરિવારજનો ભાગીદાર થશે..

ત્યારે વાલીયો લૂંટારો ઘરે ગયો અને ઘરના વ્યક્તિઓને પૂછ્યું કે તે જે લૂંટફાટ કરીને પરિવારજનોનું પેટ ભરે છે તો પરિવારજનો તેમાં ભાગીદાર થશે. ત્યારે પરિવારજનોએ ના પાડી દીધી. કહ્યું કે એ તમારા કર્મ છે તમે જ ભોગવો. અમે તમને લૂંટ કરવા માટે ક્યાં કહીએ છીએ. તમે જાતે જ કરો છો. આ જવાબ સાંભળીને વાલીયા લૂંટારાની આંખ ઉઘડી ગઈ. તે બધું જ છો઼ડીને તપ કરવા ચાલી નિકળ્યાં. નારદજીએ તેમને રાહ બતાવી. તેમની અંદરના ઋષિના સંસ્કાર જાગી ઉઠ્યા. તે કઠોર તપ કર્યું. વાલીયા માંથી વાલ્મિકી ઋષિ બની ગયા. તેમણે પહેલવહેલી સંસ્કૃત ભાષામાં રામાયણની રચના કરી.

જ્યારે રામાયણની રચના થઈ ગઈ ત્યારે વાલ્મિકી ઋષિ પોતાની રચનાને લઈને ભાવવિભોર થતાં આનંદમાં ડૂબી ગયા હતા. તેમને આનંદ મગ્ન હતા. દરમિયાન સવાર સવારમાં તે ફરવા નિકળી પડ્યા. ભ્રમણ દરમિયાન તેમની નજર એક પહાડી પર આવેલી શીલા પર પડી. તે પહાડની શીલાઓ પર રામાયણના શ્લોક લખેલા હતા. એ વાંચીને વાલ્મિકી દંગ રહી ગયા. આટલા સરસ શ્લોક અહિંયા કોણે લખ્યાં છે.
વાલ્મિકી દુઃખી થઈ ગયા કે આ તો અદભૂત રચના છે. આટલી સરસ રામાયણ વાંચ્યા પછી મારી રામાયણ કોણ વાંચશે. હકીકતમાં એ પહાડી પર આવેલી શીલાઓ પર શ્લોકના રચયિતા ખુદ રામભક્ત હનુમાનજી હતા.

ભક્ત હનુમાનજી દ્વારા લખવામાં આવેલી રામાયણને હનુમદ રામાયણ નામથી ઓળખવામાં આવે છે. હનુમાનજીએ આ રામાયણની રચના ત્યારે કરી હતી જ્યારે રાવણ પર વિજય મેળવીને ભગવાન રામ અયોધ્યા પર રાજ કરતા હતા. રામજીની આજ્ઞા મેળવીને હનુમાનજી તપસ્યા કરવા માટે હિમાલય ચાલ્યા ગયા હતા. ત્યાં તે ભગવાન શિવજીની આરાધના કરી રહ્યાં હતા. દરમિયાન દરરોજ રામાયણની કથાનો શ્લોક પોતાના નખથી પહાડી પર આવેલી શીલા પર હાથથી કોતરતા હતા. જો કે વાલ્મિકી આ વિશે કશું જાણતા નહોતા. તે આ રામાયણના રચયૈતાને શોધવા લાગ્યા. દરમિયાન હનુમાનજી આવી પહોંચ્યા. તેમણે જ્યારે મહર્ષિ વાલ્મિકીને ઉદાસ જોયા તો પૂછ્યું કે તમારી ઉદાસીનું શું કારણ છે મહર્ષિ… ત્યારે વાલ્મિકીએ જણાવ્યું કે શીલા પર કોતરાયેલી રામાયણ એટલી સુંદર છે કે એ વાંચ્યા પછી મારી રામાયણ કોણ વાંચશે…

મહર્ષિની મનોદશા સમજતાં હનુમાનજી હસવા લાગ્યા અને એ સમયે શીલાઓ કે જેના પર રામાયણ કોતરવામાં આવી હતી તેને ઉઠાવી ઉઠાવીને સમુદ્રમાં ફેંકવા લાગ્યા. તેમણે વાલ્મિકીજીને કહ્યું કે તમારી રામાયણને મૂળ રામાયણ માનવામાં આવશે. કહેવાય છે કે વાલ્મિકી જ બીજા જનમમાં તુલસીદાસ બન્યાં. તેમણે રામચરિત માનસની રચના કરી. તેની રચનામાં હનુમાનજીએ તેમની મદદ કરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
