સરહદી ક્ચ્છ જિલ્લામાં કોરોના બીમારી કાળો કહેર વર્તાવી રહી છે. જિલ્લામાં મુખ્યત્વે ભુજ, ગાંધીધામ અને અંજાર શહેરમાં કેસો આવી રહ્યા છે પણ સરકારને અંજાર શહેરની વેદના દેખાતી ન હોય તેવું લાગી રહ્યું છે. કોરોના બીમારીમાં અંજાર શહેર ધણીધોરી વગરનું થઈ ગયું છે લોકોના હાલ બેહાલ છે રાજકારણીઓ પાસે લોકોને અપેક્ષા રહી નથી.

આમ તો કચ્છનાં ભુજ અને ગાંધીધામ શહેરને મોટા સીટી ગણવામાં આવે છે. આ બંને શહેરોમાં કેસો વધતા રાત્રી કરફ્યુ પણ લગાવાયો છે. ઉપરાંત દિવસ દરમિયાન કડક નિયંત્રણોબ નામે મીની લોકડાઉન લગાવાયું છે. જોકે ઐતિહાસિક અંજાર શહેરમાં પણ કેસો વધી રહ્યા છે. અંજાર શહેરમાં દરરોજ 50 થી વધુ કેસો આવી રહ્યા છે. તાલુકામાં ગામે ગામ કોરોના ફેલાયેલો છે સંક્રમણ જેટ ગતિએ વધી રહ્યું છે.

તેમ છતાં અહીંના લોકોને સુવિધા મળતી નથી. અંજાર સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં કોવિડની સારવાર થાય છે. પણ બેડ ફૂલ હોય છે. મોટી હોસ્પિટલ ન હોવાથી ગાંધીધામ અથવા ભુજ આવવું પડે છે. અંજારમાં રેમડેસિવિર ઈન્જેક્શનના વિતરણ માટે કેન્દ્ર ફાળવાયું છે પણ ઈન્જેક્શનનો જથ્થો જ ઓછો આવે છે.
રેપીડ ટેસ્ટ કિટની તો બુમરાણ છે જ બીજી તરફ ઓકિસજન મળતા નથી. તેવામાં મામલતદારે નવો નિર્ણય લીધો છે. જેમાં માત્ર કલેકટરે મંજૂરી આપી હોય તેવી હોસ્પિટલને જ ઓકિસજન મળશે,અન્ય લોકોને ઓકિસજન જોઈતો હોય તો ડોક્ટરની ભલામણ ચિઠ્ઠી લખાવવી પડશે. અલબત કાળા બજારી અટકાવવા આ નિર્ણય લેવાયો છે.

આરોગ્ય સેવાઓના નામે માત્ર લાઈનો છે. કચ્છમાં ભુજ અને ગાંધીધામ બાદ અંજારમાં કેસો વધે છે. પણ સરકારે દરકાર લીધી નથી. ખુદ રાજયમંત્રી વાસણભાઇ આહીર પણ અહીંના જ ધારાસભ્ય છે. જોકે અહીંના લોકો આત્મનિર્ભર બન્યા છે. શહેરીજનોએ સ્વંયભુ રાત્રી કરફ્યુ લગાવ્યો છે. માલાશેરીના વેપારીઓ અડધો દિવસ દુકાનો ખુલ્લી રાખે છે. કોરોના અટકાવવા અહીંના લોકો જ સચેત બન્યા છે. ક્ચ્છ રાજ્ય જેટલો મોટો જિલ્લો હોવા છતાં સરકાર કચ્છને અન્ય જિલ્લાની માફક જ સાધનો અને સહાય આપે છે જે ઘણી દુઃખદ બાબત છે.
