@રીના બ્રહ્મભટ્ટ, કટાર લેખક
કોઈપણ સરકાર તેના મંત્રીમંડળને ફરી એકવાર ગંજીફાના પાનાં જેમ ચીપી નકામા પત્તા એક પછી એક સાઈડમાં કરતા જાય કંઈક તેમજ મોદી સરકારે પણ કેટલાય સિનિયર નેતાઓને હટાવ્યા છે. જેમાં આ પહેલમાં ક્યાંક આવનાર ચૂંટણીઓ ની રાજનીતિક મજબૂરી તો ક્યાંક મંત્રીઓની કામગીરીથી નાખુશ થઇ પ્રકાશ જાવડેકર જેવા મોસ્ટ સિનિયર ને પણ હટાવી દીધા છે. મોદી સરકારમાં નવા 43 જેટલા મંત્રીઓએ શપથ લીધા છે. જે કદાચ અત્યાર સુધીના મંત્રીમંડળનો સૌથી મોટો મંત્રીમંડળ વિસ્તાર છે. ત્યારે તેને કદાચ પોલિટિકલ પ્રેગ્મેટીઝમ અર્થાત રાજનીતિક વ્યવહારિકતા પણ કહી શકાય.
જો કે, અત્યાર સુધી મિનિમમ ગવર્મેન્ટ મેક્સીમમ ગવર્નન્સનો નારો આપનાર મોદી સરકારે નવા 36 મંત્રી સામેલ કર્યા છે. અહીં લિસ્ટ પ્રસિદ્ધ કરવાની જરૂર જણાતી નથી. પરંતુ તે બાબત ચોક્કસ છે કે, જે ફેરફારો કરાયા છે તે અર્થપૂર્ણ નીવડે કે તેનું રિઝલ્ટ લોકોને મળે તો લોકો દુઃખ અને દર્દની આ પળોમાંથી છુટકારો કે રાહત મેળવી શકે. કેમ કે, રાજનીતિ અને રાજનેતા તે આપણી જિંદગીના તેવા અનિવાર્ય તત્વો છે કે, જેમની હાજરી આપણી આસપાસ દરેક બાબતે ક્યાંકને ક્યાંક કોઈકને કોઈ રીતે વર્તાતી જ હોય છે. તેમના દરેક પગલાં , દરેક ડિસિઝન અને નિર્ણયશક્તિ આપણને તારવે પણ છે અને ડુબાડે પણ છે. બાકી ખાસ મોટાભગના લોકો તેવી એક ગેરસમજમાં હોય છે કે, રાજકારણથી આપણને શું લેવા દેવા ? આ મામલે સ્ત્રીઓ ખાસ આવી માન્યતા ધરાવે છે.
પરંતુ શું પેટ્રોલના વધતા ભાવો તમને અસર નથી કરતા? વધતી મોંઘવારી કેમ કાબુમાં નથી આવતી? કોરોના માં ક્યાં ગેર વ્યવસ્થા સર્જાઈ? શાળાઓની ફીસનો મામલો,બેન્કની વધતી એનપીએ આમ નાની-મોટી હજારો રોજિંદી બાબતો રાજકારણની જ પેદાશ હોય છે. તેથી રાજકારણ કે રાજનેતાઓને તમારી જિંદગી સાથે કોઈ લેવા-દેવા નથી તેમ ન સમજો.
ખેર આ તો બહુ સામાન્ય બાબત છે. પરંતુ અસલ મુદ્દો તે છે કે, મોદીજીએ ખાસ તો જે મંત્રીઓ નક્કારા સાબિત થયા કે, તેમની સાથે કામમાં તાલ થી તાલ નથી મિલાવી શક્યા તેમને જ સાઈડ લાઈન કર્યા છે. કહેવાય છે કે, આ સમીક્ષા જૂનમાં જ થઇ હતી. અને ખાસ કરીને 5 મોટા મંત્રીઓ તરફ ખાસ ફોક્સ કરાયુ હતું.. જેમાં 1. સ્વાસ્થ્ય મંત્રાલયના હર્ષવર્ધન ( કોવિડ મહામારી દરમ્યાન સ્વાસ્થ્ય મન્ત્રાલયનું નબળું નેતૃત્વ કરવા બદલ ) 2. રમેશ પોખરિયાલ (શિક્ષા મંત્રી ) 3. રવિશકંર પ્રસાદ 4. પ્રકાશ જાવડેકર અને 5 .સંતોષ ગંગવાર જેવા મંત્રીઓને હટાવતા દેશભરમાં ખાસ્સી તેવી ચર્ચાઓ થઇ છે. તે સિવાયના પણ ઘણા મંત્રીઓ મોદીજીના નિશાન બન્યા છે.
મંત્રીમંડળ ના ગંજીફા પાછળ યુપીમાં આવનાર ઈલેક્શન પણ એક કારણ હોઈ શકે છે.. પરંતુ લોકો રાજનીતિક મુદ્દાઓને બદલે તેમને જે મુદ્દાઓ સ્પર્શે તેમાં રસ લેવાનું પસંદ કરે તે બહુ સામાન્ય બાબત છે. વળી આ વખતે ઓબીસી થી લઇ જે પ્રકારે જ્ઞાતિવાદને ધોરણે આ વહેંચણીને મહત્વ અપાયું છે તે જોતા મોદીજી 2014 માં જે સોશ્યલ એન્જીનીયરીંગ નો પ્રયોગ શરુ કર્યો હતો તેને મજબૂત કરવાની કોશિશ કરવામાં આવી છે. અને આ મેટર થોડી વધુ ચર્ચા માંગતી છે પરંતુ જગ્યાના અભાવે અહીં તે શક્ય નથી.
પરંતુ મોદીજીએ આ વખતે એક ટર્નિંગ પોઇન્ટ તે લીધો છે કે, તેમના મંત્રીમંડળમાં દર ત્રીજી વ્યક્તિ પ્રોફેશનલ, ઉદ્યમી કે બ્યુરોક્રેટ્સ છે. જે બહુ સમજી વિચારીને લેવાયેલું પગલું છે. અન્યથા અત્યાર સુધી એજ્યુકેશન કે આવી એક્સપર્ટાઇઝેશન ને મહત્વ અપાયું નથી. ત્યારે હવે જોવાનું તે રહે છે કે, આ પ્રયોગ થી લોકોને કેટલો ફાયદો થાય છે. આ નિષ્ણાતોનું જ્ઞાન કેટલું લોકોની સમસ્યા હલ કરવા કામ લાગે છે. આ લોકો પાસે કોઈ ખાસ વિઝન છે? કે કેમ ? બાકી ઇતિહાસ ગવાહ છે કે, અભણ થી લઇ ક્રિમિનલ નેતાગીરીએ સંસદ જેવી પવિત્ર જગ્યાને અભડાવી છે, અને આ લોકો એક સારા મુત્સદી રાજનેતા પણ સાબિત થઇ રાજનીતિની પીચ પર સારું કાઠું કાઢી ચુક્યા છે.
ત્યારે આ પહેલ એક ઐતિહાસિક દિશા બને તો રાજનીતિમાં એક નવો ચીલો શરુ થશે. બાકી કોરોના કાળમાં લોકોની સહન શક્તિની પરીક્ષા લેવાઈ ગઈ છે, જે જમીની હકીકત છે. લોકો સ્વાસ્થ્યથી શિક્ષણ અને બેરોજગારી થી મોંઘવારી સુધી બેહાલ બન્યા છે. ત્યારે હવે મોદીજી ની આ ગંજીફા ચીપવાની કવાયત શું લોકોની બેહાલી તેમના આ મિનિસ્ટર્સ દૂર કરી શકશે તે જોવાનું છે ??