Chhota Udepur News : છોટાઉદેપુર (Chhota Udepur)જિલ્લાના કવાંટ તાલુકાના રાયસિંગપુરા ગામે જંગલી જાનવરના હુમલા (Wild Animal Attack)ની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જંગલી જાનવર મહિલાના ઘર પાસેથી તેને દૂર સુધી ખેંચી ગયો હતો ક્યાં તેને ગંભીર જાઓ પહોંચાડતા મહિલાનું કરુણ મોત (Woman Death)નીપજ્યું છે. હુમલો એટલો ભયાનક હતો કે મહિલાના માથાનો ભાગ ધડથી અલગ થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં દીપડાના હુમલા (Leopard Attack)ની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે સમગ્ર ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે ગ્રામજનોએ જંગલી જાનવરને તાત્કાલિક પકડવા અને મૃતકના પરિવારને યોગ્ય વળતર આપવા માંગ ઉઠાવી છે.
રાયસિંગપુરા ગામે રહેતી વૃદ્ધ મહિલા જંગલી જાનવરના હુમલા (Wild Animal Attack)નો ભોગ બની
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રાયસિંગપુરા ગામે રહેતી વૃદ્ધ મહિલા નાયક રાહલીબેન જંગલી જાનવરનો ભોગ બની છે..અચાનક જંગલી જાનવરે તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલો એટલો વિકરાળ હતો કે મહિલાના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને માથાનો ભાગ ધડથી અલગ થઈ ગયો હતો. ઘટનાસ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ કવાંટ પોલીસ અને વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા. મૃતદેહનો પંચનામો કરી પોસ્ટમોર્ટમ માટે કવાંટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી મળેલા નિશાન અને ઇજાઓના આધારે દીપડાએ હુમલો કર્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે વન વિભાગ દ્વારા પુરાવાઓના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ હુમલો કરનાર જંગલી પ્રાણી અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવશે.
આ વિસ્તારમાં અગાઉ પણ જંગલી જાનવરોની અવરજવર અને હુમલાની ઘટનાઓ સામે આવી ચૂકી હોવાથી ગ્રામજનોમાં ભારે ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે વારંવાર રજૂઆતો છતાં વન વિભાગ (Forest Department) દ્વારા કાયમી અને અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે હવે માનવજીવન જોખમમાં મુકાઈ રહ્યું છે.
ગ્રામજનોએ વન વિભાગને તાત્કાલિક અસરથી પાંજરું ગોઠવી જંગલી જાનવરને પકડવાની માંગ કરી છે. સાથે જ રાત્રિના સમયે જંગલ વિસ્તાર અને ગામની સીમમાં પેટ્રોલિંગ વધારવા તેમજ લોકોને સુરક્ષા મળે તે માટે જરૂરી પગલાં ભરવાની પણ માંગ કરી છે.
મૃતકના પરિવારજનોએ સરકાર અને વન વિભાગ પાસે આર્થિક સહાય અને યોગ્ય વળતર આપવાની માંગ કરી છે. ગ્રામજનોએ પણ પરિવારને તાત્કાલિક સહાય આપવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.
આ ઘટનાએ સમગ્ર કવાંટ પંથકને શોકમાં ગરકાવ કરી દીધો છે. એક તરફ પરિવાર પોતાના સ્વજનને ગુમાવ્યાના આઘાતમાં છે, તો બીજી તરફ ગામના લોકોમા દીપડા જેવા જંગલી જાનવરના ભયને કારણે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે સૌની નજર વન વિભાગની કાર્યવાહી પર મંડાઈ છે કે ક્યારે જંગલી જાનવરને પકડીને વિસ્તારના લોકોને ભયમુક્ત કરવામાં આવશે.
