સંસદના પાંચ દિવસીય વિશેષ સત્રના ત્રીજા દિવસે લોકસભામાં રજૂ કરાયેલા મહિલા અનામત બિલ પર ચાર્ચા ચાલી રહી છે. કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીએ આજે અનામત બિલ પર પોતાના વિચારો રજુ કર્યા હતા. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર સમક્ષ પ્રસ્તાવિત બિલને જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવી ઓબીસીની મહિલાઓ માટે અનામતની વ્યવસ્થાની કરી તાત્કાલિક અમલમાં મુકવા રજુઆત કરી હતી.
રાહુલ ગાંધીએ લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનામત આપતું બિલ પર નીચલા સદનમાં ભાગ લેતા સત્તાધારી બીજેપી પર આરોપ લગાવ્યો કે આ બિલ જાતિ આધારિત વસ્તી ગણતરીથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે મહિલાઓને અનામત આપતું બિલ મહિલાઓના ઉત્થાની દિશામાં મોટું પગલું છે, આ વાત દરેક માને છે, પરંતુ મારા મતે આ બિલ અધુરુ છું. તેમાં ઓબીસી અમાનતને ઉમેરવું જોઇએ. મારા મત મુજબ આ બિલ આજથી જ લાગુ કરી દેવું જોઇએ, પરંતુ તેને આગળ વધારવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યું નથી. રાહુલ ગાંધીએ સદનમાં કહ્યું, વિપક્ષ જ્યારે પણ જાતિ આધારિત વસ્તી ગણતરીની રજુઆત કરે છે, ત્યારે બીજેપી તેને બીજી દિશામાં લઇ જવાનો પ્રયાસ કરે છે.
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે આ બિલ ઓબીસીનું અપમાન છે. મહિલા આરક્ષણ બિલને તાત્કાલિક ધોરણે અમલમાં મુકવું જોઇ અને તેના માટે વસ્તીગણતરી અને સિમાંકની જરૂર નથી.
