દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં લોકાર્પણને હવે માત્ર 49 દિવસ જેટલો સમય બાકી છે. આ પ્રતિમાનુ કામ હાલ ખૂબ જ ધમધોકાર ચાલી રહ્યુ છે.
સરદાર સરોવર નર્મદા ડેમ જેનુ ભૂમિપુજન પ્રથમ વડાપ્રધાન નહેરુએ કર્યુ હતું. જ્યારે લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યુ હતું. 562 રજવાડાઓને એક કરનાર લોખંડીપુરુષ સરદાર પટેલની 182 મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામકાજ હવે પૂર્ણતાના આરે પહોંચ્યુ છે. હાલમાં 85 ટકા કામગીરી થઈ ચુકી છે. સ્ટેચ્યુના છાતીના ભાગ સુધીનુ કામકાજ હાલ પૂર્ણ કરી દેવામાં આવ્યુ છે.
આગામી 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેનુ લોકાર્પણ થનાર છે. આ લોકાર્પણ પ્રસંગે અન્ય દેશોના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનો હાજર રહી શકે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામકાજ આગામી 20 દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવશે તેવુ સ્થાનિક અધિકારીઓનું કહેવુ છે. 31 ઓક્ટોબર 2013 ના રોજ ખાતમુહુર્ત થયા બાદ 3 ડિસેમ્બર 2013 થી કામકાજ શરુ કરવામાં આવ્યુ હતું.
જેમાં કોન્ક્રીટનુ કામકાજ 3 મહિના પહેલા જ સમાપ્ત થયુ હતું. સરદાર પટેલની આ પ્રતિમા નર્મદા જિલ્લામાં સરદાર સરોવરથી 3.1 કિલોમીટર દૂર સાધુ ટેકરી પર બની રહી છે, જેમાં લગભગ 6800 મેટ્રીક ટન કોન્ક્રીટ વાપરવામાં આવ્યુ છે. 5700 મેટ્રીક ટન જાડા-પાતળા સળિયા વપરાયા છે. હવે જેના પર શરીરના ઢાંચામાં ફ્રેમિંગ કરી 1900 મેટ્રીક ટન કાંસાથી સ્ટેચ્યુ તૈયાર થઈ રહ્યુ છે.
દરરોજ 15000 પ્રવાસીઓ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે અને મ્યુઝિયમ, નૌકાવિહાર સહિતની અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે. સાથે જ ભારત આવતા વિદેશીઓ પણ આ પ્રતિમાની મુલાકાત લઈ શકે તે માટે અલગથી વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે.
