પાટણના સંખારી ખાતે 2018માં ઓક્સિજનનો પ્લાન્ટ કાર્યરત થયો હતો.પહેલા 20નો સ્ટાફ હતો પરંતુ કામગીરી વધતા વધુ 15 માણસો વધારી 35 મજૂરો સતત 22 કલાક કામ કરી રહ્યા છે. ઓક્સિજન ભરવા સમયે લિકવીડના કારણે વેયરરાઇઝર મશીનમાં બરફ જામી જતા બે કલાક મશીન બંધ કરવું પડે છે. ઓક્સિજનના ભાવમાં પહેલા કરતા 50 ટકા ભાવનો વધારો થયો છે.
પ્લાન્ટમાંથી પહેલા ફક્ત 200 બાટલાઓ વિતરણ થતાં છેલ્લા 25 દિવસમાં જ પાટણ અને સિદ્ધપુર સિવિલ તેમજ શહેરની 30 ખાનગી, ધાનેરાની 7, રાધનપુરની 7 સહીત 50 જેટલી હોસ્પિટલમાં રોજ 950 થી 1000 તેમજ રજિસ્ટ્રેશન વગરના ખાનગી વાહનોમાં આવતા ઓક્સિજનના બાટલાઓ પણ ભરી આપતા અંદાજે રોજના 1200 જેટલા બાટલાઓ ભરી દર્દીઓ માટે અપાઈ રહ્યા છે. બેડના અભાવે રજીસ્ટ્રેશન વગરના ખાનગી હોસ્પિટલો અને ઘરોમાં સારવાર લેતા દર્દીઓને ઓક્સિજનની તાત્કાલિક જરૂરીયાત ઉભી થતા દર્દીઓના સગાઓ ઓક્સિજનના બાટલાઓ સાથે ભરવા માટે પ્લાન્ટ ખાતે આવતા હોય કોઈ ઘટના ના બને માટે સુરક્ષાના ભાગ રૂપે પોલીસે પ્લાન્ટનો ગેટ બંધ રાખી પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. હોસ્પિટલોમાં ઓક્સિજનના બાટલાઓ ભરાયા બાદ ખાનગી વાહનોમાં વારાફરથી ઓક્સિજનના બાટલા ભરી અપાય છે.
ઓક્સિજન પ્લાન્ટમાં રોજ 1200 બોટલ ભરી દર્દીઓ માટે અપાઈ રહ્યાં છે
પ્લાન્ટમાં ઓક્સિજનની ટાંકીઓમાં રોજના 1200 બાટલાઓ ભરાવવાની કેપિસિટી છે.તેમની બન્ને ટાંકીમાં એક સપ્તાહમાં પહેલા એક જ 16 ટન ઓક્સિજનની ગાડી આવતી પરંતુ માંગ વધતા હવે દોઢ દિવસે એક ગાડી મંગાવવી પડે છે.આ મહિનામાં 20 ગાડીઓની જરૂરીયાત પડી છે. પ્લાન્ટમાં 20 બાટલાઓ એક સાથે ફીલિંગ કરવામાં 40 મિનિટ લાગે છે.તેવા બે મશીન છે.
પ્લાન્ટમાં મેનેજમેન્ટ અધિકારીઓને સોંપાયું
જિલ્લા ઓક્સિજનનો કાળો બજાર ન થાય, સપ્લાય સમયસર મળે અને યોગ્ય વ્યવસ્થા ગોઠવાય માટે કલેકટર દ્વારા 2 પાળીમાં અલગ અલગ કલાસ વન અધિકારી અને ડીવાયએસપીને પ્લાન્ટની દેખરેખ કામગીરી સોંપી છે.તમામ દર્દીઓના ડેટા મેળવી હોસ્પિટલોમાં જથ્થાની જરૂરીયાત પ્રમાણે એડવાન્સ 4 દિવસનો સ્ટોક મળી રહે તે રીતે ઓક્સિજનનો જથ્થો જામનગર રિલાયન્સ કંપનીમાંથી નોંધાવીને મંગાવાઈ રહ્યો છે તેવું ઇન્ચાર્જ અધિકારીએ જણાવ્યું હતું.
