Ethanol Petrol Blending Side Effects (E20 Fuel): દેશમાં પ્રદૂષણ ઘટાડવા અને ઈંધણની આયાત ઓછી કરવા માટે પેટ્રોલમાં ઇથેનોલ (Ethanol) ભેળવવાની પ્રક્રિયા તેજીથી ચાલી રહી છે, પરંતુ તેની સીધી નકારાત્મક અસર હવે વાહનોના એન્જિન પર જોવા મળી રહી છે. દિલ્હીના સૌથી મોટા કાર રિપેરિંગ માર્કેટ ‘પાલિકા ભવન’ ના મિકેનિક્સ અને નિષ્ણાતોના મતે, પેટ્રોલમાં ઇથેનોલની માત્રા વધવાને કારણે વાહનોની ફ્યુઅલ ટેન્ક, સેન્સર અને એન્જિનના મહત્વના ભાગો ઝડપથી બગડી રહ્યા છે. ખાસ કરીને જૂની ગાડીઓ જે માત્ર સામાન્યપેટ્રોલ કે E10 (10% ઇથેનોલ) માટે બનેલી છે, તેમાં E20 (20% ઇથેનોલ -Ethanol) ઇંધણ નાખવાથી ભારે નુકસાન થઈ રહ્યું છે.
એન્જિનમાં ભેજ, કાટ અને કાળી ફૂગની સમસ્યા વધી
મિકેનિક્સના જણાવ્યા અનુસાર, ઇથેનોલમાં (Ethanol) પાણી અથવા ભેજ સોષવાની ક્ષમતા હોય છે. આ ભેજના કારણે ફ્યુઅલ ટેન્કની અંદર કાળી ફૂગ અથવા લીલ જામી જાય છે, જેનાથી ફ્યુઅલ પંપ, સેન્સર અને ઇન્જેક્ટર જેવા કિંમતી પાર્ટ્સમાં કાટ લાગી જાય છે. જે ફ્યુઅલ પંપ પહેલા 8 થી 10 વર્ષ ચાલતા હતા, તે હવે માત્ર 1 વર્ષમાં જ નકામા થઈ રહ્યા છે. આ સિવાય ઇથેનોલના કારણે એન્જિનના રબર અને પ્લાસ્ટિકના પાર્ટ્સ (ગૅસ્કેટ અને સીલ) ઓગળીને જલ્દી ખરાબ થઈ જાય છે. પ્રીમિયમ કારો (BMW, મર્સિડીઝ) થી લઈને સામાન્ય બાઇકો પણ ચાલુ રોડે અચાનક બંધ થઈ જવાની ફરિયાદો વધી છે.
બાઇક અને કારના માઈલેજમાં 5 થી 7% નો Geno ઘટાડો
એક્સપર્ટ્સના મતે, E20 ઇંધણના કારણે વાહનોના માઈલેજમાં 5 થી 7% નો ઘટાડો નોંધાયો છે અને વાહનનો પિકઅપ તેમજ થ્રોટલ રિસ્પોન્સ પણ ધીમો થયો છે. વળી, શિયાળામાં વાહનો ‘કોલ્ડ સ્ટાર્ટ’ (સવારે ચાલુ થવામાં મુશ્કેલી) ની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વાહનોની સર્વિસિંગનો વાર્ષિક ખર્ચ પણ 15 હજારથી વધીને સીધો બમણો થઈ ગયો છે. દેશમાં E85 (85% ઇથેનોલ) ફ્યુઅલ લોન્ચ થઈ ચૂક્યું છે અને ભવિષ્યમાં 100% ઇથેનોલ લાવવાની તૈયારી છે, ત્યારે આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે. ઓટોમોટિવ એક્સપર્ટ ટુટૂ ધવન જૂની કારના માલિકોને સલાહ આપે છે કે વાહનને લાંબો સમય ઊભું ન રાખવું અને પેટ્રોલમાં 0.5% ટુ-ટી (2T) ઓઇલ નાખવું હિતાવહ છે.
