શ્રીલંકા ફરવા જવા માટે ઉત્સુક ભારતીય પ્રવાસીઆેની સફર ટૂંક સમયમાં જ સરળ થઈ જશે. પર્યટકોને શ્રીલંકા જવા માટે વીઝાથી મુક્તિ મળવાની પ્રબળ સંભાવના છે.
શ્રીલંકાના પર્યટન મંત્રી અમારતુંગેએ એમ કહ્યું છે કે, અમારી સરકાર ભારત અને ચીન જેવા દેશોનાં પર્યટકોને વીઝા વગર જ શ્રીલંકાનો પ્રવાસ કરવાની છૂટ આપશે.
આ અંગે સરકારમાં અત્યારે ગંભીર વિચારણા ચાલી રહી છે અને શ્રીલંકા સરકાર ટૂંક સમયમાં જ કદાચ તેની સત્તાવાર જાહેરાત કરે તેવી શકયતા છે.
શ્રીલંકાના વડાપ્રધાન વિક્રમસિંઘેએ એક પેનલની રચના કરી છે અને ભારત તથા ચીન જેવા દેશોના પર્યટકોને વીઝા વગર જ લંકામાં પ્રવેશ આપવાની સરળતા ચકાસવા કહ્યું છે.

શ્રીલંકામાં પર્યટનને પ્રાેત્સાહન આપવાની નીતિ મુજબ લંકાની સરકાર ભારતીય પર્યટકોને આ સુવિધા પહેલાં આપવા માગે છે.
ભારત અને ચીન બાદ યુરોપીયન દેશો તથા મધ્ય એશિયાના દેશોને પણ આ સુવિધા આપવાની વિચારણા લંકા સરકાર કરી રહી છે.
મંત્રીએ એવી માહિતી આપી છે કે, આવી વીઝા વગર પ્રવેશની છૂટ આેકટોબર-નવેમ્બર અને માર્ચ-એપ્રિલમાં આપવામાં આવે તેવી સંભાવના છે.
શ્રીલંકા અત્યારે પર્યટન સ્થળ તરીકે આખા વિશ્વમાં જાણીતું છે અને ભારતને આ નવી સુવિધા મળ્યા બાદ પર્યટકોનો ધસારો વધશે તેમ શ્રીલંકા માને છે.
