અમરેલી અને જામનગરમાં હાર્ટએટેકથી થયા યુવાનના મોત
યુવાનોમાં વધ્યું હાર્ટએટેકનું પ્રમાણ
અમરેલી અને જામનગરમાં હાર્ટએટેકથી યુવાનોના મોત નિપજ્યા. એક યુવાનને હોસ્પિટલ નજીક જ હાર્ટએટેક આવ્યો જ્યારે અન્ય એક યુવાનનું સમારંભ દરમ્યાન હાર્ટએટેક આવતા મૃત્યુ થયું. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટએટેકના કિસ્સાનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને યુવાનો હાર્ટએટેકના શિકાર બની રહ્યા છે. આજકાલ યુવાનોને કસરત કરતા, ગરબા રમતા હાર્ટએટેક આવી રહ્યા છે. ત્યારે એવું તારણ કાઢવામાં આવે છે કે વધુ પડતા શ્રમના કારણે તેમને હાર્ટએટેક આવ્યો હોઈ શકે. જ્યારે અમરેલી અને જામનગરના કિસ્સામાં યુવાનો કોઈ પણ પ્રકારના શ્રમ કરતા ના હોવા છતાં હાર્ટએટેકનો શિકાર બન્યા અને મૃત્યુ પામ્યા.
અમરેલીના રાજુલામાં 23 વર્ષનો યુવાન નવરાત્રી પર્વનો આનંદ લેવા રામાપીરના આખ્યાનના સમારંભમાં ભાગ લીધો હતો. જ્યાં મોડી રાતે આખ્યાન દરમ્યાન દિનેશ શિયાળ નામના યુવકને હાર્ટએટેક આવતા લોકોમાં ભાગદોડ મચી. 23 વર્ષનો દિનેસ નામનો યુવાન આખ્યાનમાં બેઠો હતો અને હાર્ટએટેકનો ભોગ બન્યો.
જામનગરમાં પણ એક યુવકનું હાર્ટએટેકથી મૃત્યુ થયુ હોવાની વિગતો સામે આવી છે. જામનગરમાં 24 વર્ષીય યુવાનને હોસ્પિટલ નજીક જ હાર્ટએટેક આવ્યો અને મૃત્યુ પામ્યો. રવિ લુણા નામનો આ યુવાન ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. રવિ તાવ અને શરદીની દવા હોસ્પિટલ ગયો હતો. જ્યાં અચાનક તેને છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ ગયો. જ્યાં સારવાર દરમ્યાન 24 વર્ષીય યુવક રવિનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું.
અમરેલીમાં અન્ય એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ છકડો ચલાવતો હોય છે અને ચાલુ સવારીએ જ ચાલકને હાર્ટએટેક આવે છે અને ત્યાં જ મૃત્યુ પામે છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં દેખાય છે કે છકડો ચાલક અચાનક ઢળી પડે છે જ્યારે છકડા પર સવાર લોકોનો આબાદ બચાવ થાય છે. આ ઘટના અમરેલી જિલ્લાના બાબરા તાલુકાની છે. જ્યાં લુણકી ગામથી બાબરા શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ સર્કલ તરફ જતો એક છકડા ચાલક ચાલુ સવારીએ જ હાર્ટએટેકનો શિકાર બનતા મૃત્યુ પામે છે.
યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધી રહ્યું છે તે બાબત તબીબ જગત માટે પણ એક ચિંતાનો વિષય બની છે. ડોક્ટર અને નિષ્ણાત ટીમ આ મામલે વધુ તપાસ કરી રહી છે. જો કે લોકોને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા પણ અપીલ કરવામાં આવી છે.