Russia Kamchatka Heavy Snowfall: રશિયાના પૂર્વીય પ્રદેશ કામચાટકામાં કુદરતે એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે કે છેલ્લા 30 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. આખું શહેર જાણે બરફના સફેદ સમુદ્રમાં દફન થઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પહાડ જેવા ઉંચા બરફના ઢગલાઓ વચ્ચે લોકો ઘરની બહાર નીકળવા માટે ટનલ (બોગદા) ખોદવા મજબૂર બન્યા છે.

ચોથા માળ સુધી બરફના પહાડ!
Russiaના કામચાટકામાં આશરે 13 ફૂટ (4 મીટર) જેટલો ભારે બરફ જમા થતા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દ્રશ્યો જોઈને દુનિયા સ્તબ્ધ થઈ ગઈ છે. અહીં બિલ્ડિંગના ચોથા માળ સુધી બરફ પહોંચી ગયો હોવાથી બાળકો બારીમાંથી સીધો બરફના ઢગલા પર કૂદકો મારીને સ્કીઈંગની મજા માણી રહ્યા છે. રસ્તા પર પાર્ક કરેલી કાર અને વાહનો બરફના ઉંચા ટાવરો નીચે સંપૂર્ણપણે ગાયબ થઈ ગયા છે, જ્યારે -21°C સુધી પહોંચેલા તાપમાન અને હાડ થીજવતી ઠંડીએ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.

શહેરમાં ઈમર્જન્સી: 2 લોકોના મોત
ભારે હિમવર્ષા માત્ર મનોરંજન નથી, પણ જીવલેણ સાબિત થઈ રહી છે. બિલ્ડિંગની છત પરથી બરફના તોતિંગ સ્લેબ પડવાને કારણે અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે. આ પરિસ્થિતિને જોતા મેયરે શહેરમાં ઈમર્જન્સી જાહેર કરી છે અને છત પરથી બરફ સાફ ન કરનારી કંપનીઓ સામે લાલ આંખ કરી છે.
બચાવ કામગીરી: બરફ ચીરીને પહોંચી રહી છે મદદ
Russiaના ઈમર્જન્સી મંત્રાલયે જાહેર કરેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બચાવકર્મીઓ બરફના ડુંગરો કાપીને ઘરોમાં ફસાયેલા વૃદ્ધો સુધી પહોંચી રહ્યા છે. હાલમાં તમામ શાળાઓ અને જાહેર પરિવહન ઠપ છે. વીજળી ગુલ થવાથી અને સપ્લાય ચેઈન ખોરવાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
આ પણ વાંચો: રશિયા ભણવા ગયેલો યુવક યુક્રેન સાથે યુધ્ધમાં ઉતર્યા પછી ગૂમ, પરિવાર ચિંતિત
આ પણ વાંચો: અમેરિકા સાથેના મોટા સંરક્ષણ સોદા પછી, રશિયાએ પણ ભારતને આપી ઓફર
આ પણ વાંચો: ભારત-રશિયા સમિટ પહેલા એસ. જયશંકર મોસ્કોમાં પુતિનને મળ્યા
