Rajkot News: હનુમાનજીની મૂર્તિના ટ્રેડમાર્કને લઈને જબરદસ્ત વિવાદ છેડાયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના આ કૃત્ય સામે હિંદુ સાધુ સંતો અને સનાતન ધર્મના અનુયાયીઓએ આહલેક જગાવી છે. આના પગલે સ્વામિનારાયણ સંપ્રદાય પર જ્યોતિર્નાથ બાપુએ આકરા પ્રહાર કર્યા છે. આ અંગે જ્યોતિર્નાથ બાપુએ જણાવ્યું હતું કે ભગવાનના ટ્રેડમાર્ક છે તેવું તો જીવનમાં પહેલી વખત સાંભળ્યું છે. મૂર્તિઓના કંઈ ટ્રેડમાર્ક હોતા હશે. આ નવી પ્રથા કેમ શરૂ કરવામાં આવી, તેની પાછળનું કારણ શું છે.
તેમણે જણાવ્યું હતું કે હિંદુઓમાં કેટલાય દેવીદેવતા છે. આજે હનુમાનજીની મૂર્તિનો ટ્રેડમાર્ક કર્યો છે અને જો તેનો પ્રબળ વિરોધ નહી થાય તો આવતીકાલે તે ભગવાન શિવજીની મૂર્તિનો ટ્રેડમાર્ક અમલમાં લાવશે. આ તો રીતસરના મૂરખ બનાવવાના ધંધા ચાલી નીકળ્યા છે. તમે સનાતન ધર્મના લોકોને મૂર્ખ બનાવવાની વાતો કરો છો. સનાતન ધર્મના દેવીદેવતાઓના ઉપયોગના મુદ્દે પણ તેમણે સવાલ ઉઠાવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે વારંવાર આ પ્રકારના વિવાદો સર્જવા જાણે સ્વામિનારાયણ સંપ્રદાયને આદત બની ગઈ છે. બીજો કોઈપણ સંપ્રદાયની તુલનાએ તે વધારે પ્રમાણમાં વિવાદમાં રહે છે. તે સંપ્રદાય પોતે પણ સનાતની સંપ્રદાય છે તો પછી તે બીજા સંપ્રદાયની આસ્થા પર શું કામ કરે છે. તે પોતાના સંપ્રદાયનો પ્રચાર કરે, પ્રસાર કરે બીજા કોઈ સંપ્રદાયે વાંધો ઉઠાવ્યો નથી. બીજા કોઈ સંપ્રદાયનો વ્યક્તિ સ્વામિનારાયણ સંપ્રદાય વિશે વિપરીત ટિપ્પણી કરતો નથી.
સ્વામિનારાયણ સંપ્રદાયને અગાઉ પણ ઘણી ચેતવણી આપવામાં આવી છે. તેમના પુસ્તકોમાં હિન્દુ દેવી દેવતાઓ અંગે લખેલી ખોટી વાતોને લઈને પુસ્તકોમાં કેસ પણ કર્યો છે. આમ છતાં પણ આ સંપ્રદાય છે તે સુધરવાનું નામ જ લેતો નથી. દરરોજે દિવસ પડેને કોઈને કોઈ નવો વિવાદ ઊભો કરી દે છે. કલ્પનામાં પણ ન હોય તેવો વિવાદ તે સર્જે છે.
