Looteri Dulhan Gujarat: ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં લગ્ન માટે જીવનસાથી શોધી રહેલા યુવકોને નિશાન બનાવી એક આંતરરાજ્ય ઠગ ટોળકી સક્રિય હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. પીડિતોના જણાવ્યા અનુસાર, દલાલો મારફતે યુવકોને ગુજરાત તેમજ અન્ય રાજ્યોની યુવતીઓ સાથે પરિચય કરાવવામાં આવે છે, લગ્ન કરાવવામાં આવે છે અને ત્યારબાદ મોટી રકમો પડાવ્યા પછી યુવતીઓ ઘર છોડીને જતી રહે છે અથવા કાયમી રીતે સંબંધ તોડી દે છે.
પીડિતોનો આક્ષેપ છે કે સમગ્ર પ્રક્રિયામાં દલાલો, નકલી સગાસંબંધીઓ અને યુવતીઓ મળીને એક સુનિયોજિત ષડયંત્ર હેઠળ કામ કરે છે. યુવકોના પરિવારને છોકરી બતાવી શરૂઆતમાં ટોકન રકમ લેવામાં આવે છે. ત્યારબાદ લગ્ન નક્કી થયા પછી 50 હજારથી લઈને દોઢ લાખ રૂપિયા કે તેથી વધુ રકમ વસૂલવામાં આવે છે. મોટાભાગના લગ્ન મંદિર અથવા કરાર આધારિત સાદાઈથી કરવામાં આવતા હોવાના પણ આક્ષેપો છે.
લગ્ન (Looteri Dulhan Gujarat) બાદ થોડા દિવસ સુધી યુવતી સામાન્ય રીતે પરિવાર સાથે રહે છે, પરંતુ બાદમાં કોઈ બહાનું બનાવી પોતાના માવતરે જતી રહે છે. ત્યારબાદ પરત આવવામાં આનાકાની કરવામાં આવે છે અથવા ઘરમાં ઝઘડા અને વિવાદ ઊભા કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં યુવકોના પરિવાર પર ખોટા આક્ષેપો કરીને દબાણ ઊભું કરવામાં આવતું હોવાનો પણ આરોપ છે.
માળિયા હાટીના તાલુકાના પિખોર ગામના એક પીડિત યુવાને જણાવ્યું કે તેમને છોકરી બતાવવાના બહાને સુરત લઈ જવામાં આવ્યા હતા. લગ્ન (Looteri Dulhan Gujarat) નક્કી થયા બાદ ટોકન સહિત કુલ 1.80 લાખ રૂપિયાથી વધુ રકમ ચૂકવવામાં આવી હતી. લગ્ન બાદ યુવતીના વર્તનમાં બદલાવ આવ્યો અને સતત વિવાદો સર્જાયા. અંતે તેઓએ પોતાની સાથે છેતરપિંડી (Looteri Dulhan Gujarat) થઈ હોવાનો આક્ષેપ કર્યો છે.
Looteri Dulhan Gujarat:લગ્નના નામે લાખોની લૂંટ!
જૂનાગઢના અન્ય એક પીડિત યુવકે જણાવ્યું કે મહારાષ્ટ્રના માલેગાંવમાં લગ્ન કરાવ્યા બાદ યુવતી લાખો રૂપિયાના દાગીના અને રોકડ સાથે ગાયબ (Looteri Dulhan Gujarat) થઈ ગઈ હતી. ત્યારબાદ દલાલોએ પણ પૈસા પરત આપ્યા નહોતા.
સામાજિક કાર્યકરોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક વર્ષોમાં આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. તેમના દાવા મુજબ, સુરત, નવસારી, કામરેજ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની પ્રવૃત્તિઓનું નેટવર્ક કાર્યરત હોઈ શકે છે. આ સમગ્ર મામલે રાજ્યના પોલીસ વડા (DGP) અને મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરીને માનવ તસ્કરી સહિતની ગંભીર કલમો હેઠળ તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
પીડિતોનું કહેવું છે કે સ્થાનિક સ્તરે પોલીસ ફરિયાદ નોંધવામાં વિલંબ થતો હોવાથી આરોપીઓ સામે સમયસર કાર્યવાહી થઈ શકતી નથી. તેથી રાજ્ય સ્તરે વિશેષ તપાસ કરીને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
નોંધનીય છે કે આ તમામ આક્ષેપો પીડિતો અને સામાજિક આગેવાનો દ્વારા કરવામાં આવ્યા છે. સંબંધિત આરોપીઓ અથવા પોલીસ તંત્રનો સત્તાવાર પક્ષ હજુ સુધી જાહેર થયો નથી.
આ પણ વાંચો:જૂનાગઢમાં ‘લૂંટેરી દુલ્હન’નો આતંક! લગ્નના નામે ₹2.10 લાખ પડાવ્યા બાદ મહારાષ્ટ્રીયન યુવતી ફરાર
