World News/ ટ્રમ્પનું એલાન; નાગરિકોને મળશે 5 હજાર ડૉલર ડિવિડન્ડ, ચૂંટણી સુધી મોંઘું રહેશે ક્રૂડ ઓઇલ

અમેરિકન પ્રમુખ Donald Trump દરેક નાગરિકને ૫ હજાર ડૉલરનું ડિવિડન્ડ આપવાનું વચન આપ્યું છે. સાથે જ કહ્યું કે ઈરાન યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના ભાવ મિડટર્મ ચૂંટણી સુધી ઊંચા રહેશે.

international Top Stories World
Donald Trump

Donald Trump US Politics and Economy: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બે તાજેતરના નિવેદનોએ અમેરિકાના રાજકીય અને આર્થિક વર્તુળોમાં ચર્ચા જગાવી છે. એક તરફ ટ્રમ્પે અમેરિકાના પુખ્ત નાગરિકોને 5,000 ડોલર એટલે કે અંદાજે ₹4.2 લાખનું ડિવિડન્ડ આપવાની વાત કરી છે, તો બીજી તરફ ઈરાન સાથેના સંઘર્ષને કારણે વધેલા ક્રૂડ ઓઇલના ભાવ મિડટર્મ ચૂંટણી સુધી ઊંચા રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.

નાગરિકોને 5 હજાર ડોલર આપવાની વાત

ટ્રમ્પે(Donald Trump) અમેરિકાની આર્થિક સ્થિતિમાંથી મળતા લાભનો એક હિસ્સો નાગરિકો સુધી પહોંચાડવાની વાત કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે, દરેક પુખ્ત અમેરિકન નાગરિકને 5,000 ડોલરનું ડિવિડન્ડ આપવામાં આવી શકે છે. જોકે આ યોજના માટે એક મહત્વની રાજકીય શરત પણ જોડાયેલી છે. જો રિપબ્લિકન પાર્ટી હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ બંનેમાં ચૂંટણી જીતે છે, તો આ યોજના આગળ વધારવામાં આવશે તેવી વાત ટ્રમ્પે કરી છે. આ દરમિયાન તેમણે ગયા વર્ષે સૈન્ય કર્મચારીઓને આપવામાં આવેલી રકમનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ઈરાન યુદ્ધથી ક્રૂડના ભાવમાં ઉછાળો

બીજી તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની અસર વૈશ્વિક ક્રૂડ ઓઇલ બજાર પર જોવા મળી રહી છે. બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ત્રણ ટકાથી વધુનો વધારો નોંધાયો અને જુલાઈ બાદ પહેલી વખત કિંમત 100 ડોલર પ્રતિ બેરલની સપાટી પાર ગઈ હોવાની માહિતી સામે આવી છે. ઊંચા ક્રૂડ ભાવ અમેરિકાની અર્થવ્યવસ્થા માટે પણ પડકાર બની શકે છે, કારણ કે પેટ્રોલ-ડીઝલ સહિત ઊર્જાના ખર્ચમાં વધારો મોંઘવારી પર અસર કરી શકે છે. ક્રૂડના વધતા ભાવ અંગે ટ્રમ્પે(Donald Trump) હવે એવું માન્યું છે કે મિડટર્મ ચૂંટણી પહેલાં કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા ઓછી છે. અગાઉ ઈરાન સાથેનો સંઘર્ષ થોડા અઠવાડિયામાં સમાપ્ત થઈ જશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ હવે સંઘર્ષ લાંબો ખેંચાઈ રહ્યો છે.

ચૂંટણી બાદ પરિસ્થિતિ બદલાશે?

ટ્રમ્પના (Donald Trump) જણાવ્યા પ્રમાણે, મિડટર્મ ચૂંટણી પૂર્ણ થયા બાદ ક્રૂડના ભાવમાં ઘટાડાની શરૂઆત થઈ શકે છે. જોકે તેમણે એ પણ સંકેત આપ્યો કે ભાવ ઘટવામાં થોડો સમય લાગી શકે છે. સાથે જ તેમણે આશા વ્યક્ત કરી છે કે ચૂંટણી બાદ ઈરાન લાંબા સમય સુધી સંઘર્ષ ચાલુ રાખી શકશે નહીં અને અંતે પીછેહઠ તરફ આગળ વધશે. આ બંને નિવેદનો હવે ટ્રમ્પના આગામી રાજકીય એજન્ડા અને અમેરિકાની અર્થવ્યવસ્થા પર તેમની નીતિઓને લઈને નવી ચર્ચાને જન્મ આપી રહ્યા છે.


આ પણ વાંચો: ઝેલેન્સ્કીના વિમાન સાથે ડ્રોન અથડાવાની ખતરનાક ઘટના, નોર્વેના PMએ કરી પુષ્ટિ

આ પણ વાંચો: સિયોલના ડિફેન્સ ફોરમમાં ચીનને ફિલિપાઇન્સની આકરી ટકોર, રક્ષામંત્રીએ કહ્યું- થોડી તો શરમ કરો

આ પણ વાંચો:H-1B Visa પર ટ્રમ્પનો મોટો દાવ, 97 લાખ રૂપિયાની ફીથી ભારતીયોની ચિંતા વધી