Amreli Stray Dog Attack: રખડતા શ્વાનનો ત્રાસ હવે શહેરો પૂરતો સીમિત નથી રહ્યો, ગ્રામ્ય વિસ્તારો અને ખેતરોમાં પણ તે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ખાન ખીજડિયા ગામમાંથી એક હચમચાવી દે તેવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં ખેતરમાં કામ કરતા એક શ્રમિક પરિવારની 7 વર્ષની માસૂમ દીકરીને 3 હિંસક શ્વાનોએ ફાડી ખાતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. પોતાની લાડકવાયીનો મૃતદેહ જોઈને શ્રમિક પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.

Amreli : માસૂમ પર કાળ બનીને ત્રાટક્યા શ્વાન
પ્રાપ્ત વિગતો અનુસાર, ખાન ખીજડિયા ગામમાં મૂળજીભાઈ હિરપરાના ખેતરમાં પ્રકાશભાઈ નામનો શ્રમિક પરિવાર મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. બનાવના દિવસે પરિવારના સભ્યો ખેતરમાં તલ વાઢવાનું કામ કરી રહ્યા હતા. આ સમયે તેમની 7 વર્ષની દીકરી અંજના ખેતરમાં રમી રહી હતી.
અચાનક ત્યાં 3 જેટલા હિંસક શ્વાનો ધસી આવ્યા હતા અને માસૂમ બાળકી પર જીવલેણ હુમલો કરી દીધો હતો. શ્વાનોએ અંજનાના ગળા અને કમરના ભાગે ગંભીર બચકાં ભર્યા હતા. બાળકીની ચીસો સાંભળીને પરિવારજનો તેને બચાવવા દોડે તે પહેલાં જ, અત્યંત ગંભીર ઈજાઓને કારણે આ 7 વર્ષની દીકરીએ ઘટનાસ્થળે જ પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા.

મોટી બહેન પર પણ થયો હતો હુમલો
આ ઘટનામાં સૌથી ચોંકાવનારી અને દુઃખદ બાબત એ છે કે, આ શ્વાનોનો શિકાર આ જ પરિવાર અગાઉ પણ બની ચૂક્યો છે. આજથી માત્ર 10 દિવસ પહેલાં આ જ હિંસક શ્વાનોએ પ્રકાશભાઈની મોટી દીકરી જામબાઈ (ઉંમર 10 વર્ષ) પર પણ હુમલો કર્યો હતો. તે વખતે તેને ગંભીર ઈજાઓ પહોંચતા જૂનાગઢની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મોટી દીકરી માંડ માંડ સારવાર લઈને ઘરે પરત ફરી હતી, ત્યાં જ કૂતરાઓએ નાની દીકરીનો ભોગ લઈ લેતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

ખેડૂતો અને સ્થાનિકોમાં વ્યાપક રોષ
આ ગોઝારી ઘટના બાદ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે વડિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ ગયા હતા.
ખેતરના માલિકે ભારે હૈયે જણાવ્યું હતું કે, આ પરિવાર છેલ્લા ત્રણ વર્ષથી અમારે ત્યાં કામ કરે છે. અગાઉ મોટી દીકરીને શ્વાનોએ ઇજા પહોંચાડી અને હવે નાની દીકરીનો જીવ લઈ લીધો. જો આવું જ ચાલતું રહેશે તો પશુઓ અને મનુષ્યો માટે ખેતરમાં કામ કરવું પણ મુશ્કેલ બની જશે.
આ ઘટનાને પગલે ગ્રામજનો અને ખેડૂતોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ હિંસક શ્વાનોને પકડીને અન્ય સ્થળે ખસેડવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ અન્ય પરિવારનું બાળક આનો ભોગ ન બને.
આ પણ વાંચો: જૂનાગઢમાં રખડતા શ્વાનોનો આતંક, 7 વર્ષના નાના બાળક પર 5 શ્વાનોએ કર્યો હુમલો
આ પણ વાંચો:રખડતાં શ્વાનનો આતંક ખૂબ વધ્યો, બચવાના પ્રયાસ કરતી વખતે નીપજ્યું મોત
આ પણ વાંચો:રાજકોટના શાપરમાં 5 શ્વાને હુમલો કરતા 7 વર્ષના બાળકનું મોત
