Gujarat Rajya Sabha Election 2026: ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં ખાલી પડી રહેલી રાજ્યસભાની બેઠકો માટે ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા વચ્ચે ગુજરાતમાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતની ચાર બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા મેદાનમાં ઉતારવામાં આવેલા ચારેય ઉમેદવારો સત્તાવાર રીતે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. વિપક્ષી પાર્ટીઓ પાસે પૂરતું સંખ્યાબળ ન હોવાથી હવે આગામી 18 જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણી ગુજરાતમાં યોજવાની જરૂર જ નહીં પડે. ચૂંટણી પંચ દ્વારા કાનૂની પ્રક્રિયા પૂર્ણ થતાં જ ચારેય ઉમેદવારોને વિજેતા જાહેર કરી દેવાયા છે.
કોંગ્રેસ અને આપ મેદાન છોડવા મજબૂર બન્યા
ગુજરાત વિધાનસભામાં હાલમાં ભારતીય જનતા પાર્ટી પાસે 161 જેટલું પ્રચંડ અને ઐતિહાસિક સંખ્યાબળ છે. તેની સામે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ પાસે માત્ર 12 અને આમ આદમી પાર્ટી (AAP) પાસે ૫ જેટલું જ સંખ્યાબળ હોવાથી એક પણ વિપક્ષી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતારવાની હિંમત કરી ન હતી. વિપક્ષ તરફથી કોઈ ફોર્મ જ ન ભરાતાં ચૂંટણી પંચે આજે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખે ભાજપના ચારેય ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કર્યા છે.
જૂન મહિના પછી Rajya Sabhaમાં ગુજરાત કોંગ્રેસ ‘શૂન્ય’
આ ચૂંટણી પરિણામ સાથે જ ગુજરાત કોંગ્રેસના નામે એક નકારાત્મક રેકોર્ડ નોંધાયો છે. ગુજરાતમાંથી રાજ્યસભાના કોંગ્રેસના એકમાત્ર સાંસદ અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ આગામી 21 જૂનના રોજ પૂરો થઈ રહ્યો છે. આ ચાર બેઠકો ભાજપના ખાતામાં જતાં, જૂન મહિના પછી દેશની સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિત્વ સાવ શૂન્ય (Zero) થઈ જશે.
કોણ છે રાજ્યસભાના બિનહરીફ ચૂંટાયેલા ભાજપના ચારેય અગ્રણીઓ?
રાજુ શુક્લા (બ્રાહ્મણ સમાજ): તેઓ કડી-કલોલ ભાજપના પાયાના સનિષ્ઠ કાર્યકર છે અને હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના સંગઠન પ્રભારી તરીકે સફળ જવાબદારી સંભાળી રહ્યા છે.
મુકેશ રાઠવા (આદિવાસી સમાજ): છોટાઉદેપુર જિલ્લાના કવાંટના વતની એવા મુકેશભાઈ ભાજપ મહામંત્રી અને ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે સંગઠનમાં લાંબો અનુભવ ધરાવે છે.
માનસિંહ પરમાર (રાજપૂત સમાજ): પ્રદેશ સંગઠનમાં મજબૂત પકડ ધરાવતા માનસિંહભાઈ હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ તરીકે કાર્યરત છે.
જીતેન્દ્ર કણઝારીયા (સતવારા સમાજ): દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના અગ્રણી નેતા છે. તેઓ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન અને ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય સ્વ. મેઘજીભાઈ કણઝારિયાના પુત્ર છે (જેમનું ૨૦૨૧માં કોરોનામાં નિધન થયું હતું).
કેવો રહ્યો રાજ્યસભા ચૂંટણી2026નો સંપૂર્ણ કાર્યક્રમ?
ચૂંટણી જાહેરનામું (Notification): 1 જૂન 2026
નામાંકન (Nomination) પત્ર ભરવાની છેલ્લી તારીખ: 8 જૂન 2026
નામપત્રોની ઝીણવટભરી ચકાસણી (Scrutiny): 9 જૂન 2026
નામ ખેંચવાની છેલ્લી તારીખ: 11 જૂન 2026 (આજે જ ચારેય બિનહરીફ જાહેર)
મતદાન અને પરિણામની નિયત તારીખ: 18 જૂન 2026 (હવે મતદાન નહીં થાય)
આ પણ વાંચો: 18મી જૂને 10 રાજ્યોની 24 બેઠકોની રાજ્યસભા ચૂંટણી, ગુજરાતમાં ચાર બેઠકો માટે થશે ચૂંટણી
આ પણ વાંચો: ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક માટે ભાજપના ઉમેદવારોને લઈને રાજકીય ચહલપહલ તેજ
આ પણ વાંચો: રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકારણ તેજ, અંજલિબેન રૂપાણીના નામની ચર્ચા
