Vadodara News : વડોદરા (Vadodara)શહેરમાં ફરી એકવાર ગુનેગારો (Criminals)) બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે. ગુજસીટોક હેઠળ કાર્યવાહી ભોગવી ચૂકેલા કેટલાક આરોપીઓ જામીન પર જેલમુક્ત થયા બાદ સોશિયલ મીડિયા પર પોતાના પ્રભાવ અને ખૌફ દર્શાવતા વીડિયો બનાવતા હોવાના મામલે ચર્ચા જાગી છે.
માહિતી અનુસાર, ગત જુલાઈ મહિનામાં શહેર પોલીસે સૂરજ ઉર્ફે ચુઈ કહાર ગેંગ સામે ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી હતી. આ ગેંગના અનેક સાગરીતોને કાયદાની જાળમાં લેવામાં આવ્યા હતા. હવે આ જ ગેંગ સાથે જોડાયેલા કૃણાલ કહારને જામીન મળ્યા બાદ સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થયા હોવાનું સામે આવ્યું છે.
વાયરલ વીડિયોમાં આરોપીઓ પોતાની દાદાગીરી અને પ્રભાવ દર્શાવવાનો પ્રયાસ કરતા હોવાનું કહેવાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ખૌફ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની પણ ચર્ચા છે.
આ સમગ્ર મામલે પોલીસ વિભાગ પણ સતર્ક બન્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.
