Udhayanidhi Stalin Sanatan Dharma Controversy: તમિલનાડુના રાજકારણમાં સનાતન ધર્મને લઈને ફરી એકવાર મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. DMK નેતા ઉદયનિધિ સ્ટાલિને તમિલનાડુ વિધાનસભામાં સંબોધન કરતા ફરી એકવાર સનાતન ધર્મ પર નિશાન સાધ્યું છે. તેમણે ગૃહમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “જે ધર્મે લોકોને વિભાજિત કર્યા છે, તેવા સનાતન ધર્મનો નાશ થવો જોઈએ.” તેમના આ નિવેદન બાદ ગૃહની અંદર અને બહાર ભારે હોબાળો શરૂ થઈ ગયો છે.
અત્રે નોંધનીય છે કે, ભૂતકાળમાં પણ ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની સરખામણી ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી બીમારીઓ સાથે કરીને તેને જડમૂળથી ખતમ કરવાની વાત કરી હતી. આ મામલો છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો, છતાં ફરી એકવાર તેમણે સમાન પ્રકારની ટિપ્પણી કરી છે.
Udhayanidhi ને ગણાવ્યા તમિલનાડુના ‘રાહુલ ગાંધી’
ઉદયનિધિના આ નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)એ આકરા પ્રહારો કર્યા છે. ભાજપના પ્રવક્તા સીઆર કેશવને આ ટિપ્પણીને ‘ઝેરી’ અને ‘વિભાજનકારી’ ગણાવી છે. તેમણે ઉદયનિધિ સ્ટાલિનને તમિલનાડુના ‘રાહુલ ગાંધી’ ગણાવતા આક્ષેપ કર્યો કે, તેઓ દેશમાં નફરત ફેલાવવાનું અને ભાગલા પાડવાનું રાજકારણ રમી રહ્યા છે. કેશવને વધુમાં કહ્યું કે, જેવી રીતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પવિત્ર ‘સેંગોલ’ અને અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો બહિષ્કાર કરીને સન્માન નહોતું જાળવ્યું, બરાબર એ જ રીતે ઉદયનિધિ પણ હિન્દુઓની આસ્થા પર સતત પ્રહારો કરી રહ્યા છે.
DMK ની વિચારધારા પર ઉઠ્યા ગંભીર સવાલો
ભાજપે માત્ર ઉદયનિધિ જ નહીં, પરંતુ સમગ્ર DMK સરકારની કાર્યપદ્ધતિ પર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે. સીઆર કેશવને કેટલાક દાખલા આપતા જણાવ્યું કે તમિલનાડુના મુખ્યમંત્રી ક્યારેય રાજ્યની જનતાને દિવાળી જેવા પવિત્ર તહેવારની શુભકામનાઓ પાઠવતા નથી. આ ઉપરાંત તેમની પાર્ટી દ્વારા ‘કાર્તિગઈ દીપમ’ જેવા મોટા ધાર્મિક ઉત્સવનો પણ સખત વિરોધ કરવામાં આવ્યો હતો. તેમણે યાદ અપાવ્યું કે તમિલનાડુ સરકારના રાજકીય પ્રતીકમાં જ મંદિરનું ‘ગોપુરમ’ આવેલું છે, જે આ રાજ્યની મૂળ ઓળખ છે. આવી સ્થિતિમાં લોકો પોતાની આસ્થાનું વારંવાર થતું અપમાન લાંબો સમય સહન નહીં કરે અને આવનારા સમયમાં આનો જડબાતોડ જવાબ આપશે.
અગાઉ હાઈકોર્ટ પણ લગાવી ચૂકી છે ફટકાર
ઉદયનિધિ સ્ટાલિનના આવા નિવેદનો અગાઉ પણ કાયદાકીય કસોટી પર ચડી ચૂક્યા છે. આ વર્ષે 20 જાન્યુઆરીના રોજ મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે સ્પષ્ટ નોંધ્યું હતું કે ઉદયનિધિના ભાષણો ‘હેટ સ્પીચ’ (Hate Speech) ની વ્યાખ્યામાં આવે છે. કોર્ટે ત્યારે પણ કહ્યું હતું કે ‘સનાતન ઓઝિપ્પુ’ (સનાતનનો નાશ) જેવા શબ્દોનો ઉપયોગ ધાર્મિક લાગણીઓને સીધી રીતે ઠેસ પહોંચાડે છે. આમ છતાં, વારંવાર થતી આવી ટિપ્પણીઓને કારણે ઉદયનિધિ સ્ટાલિન સતત રાજકીય અને કાયદાકીય વિવાદોના કેન્દ્રમાં રહ્યા છે.
આ પણ વાંચો: એક્ટર વિજય બન્યા તમિલનાડુના નવા CM, TVK સરકારનો ભવ્ય શપથવિધિ સમારોહ
આ પણ વાંચો: તમિલનાડુમાં વિજયનો રાજ્યાભિષેક નક્કી! VCK ના સમર્થન સાથે જાદુઈ આંકડો પાર
આ પણ વાંચો: તમિલનાડુમાં નવી સરકાર પર સસ્પેન્સ! VCKએ વિજયની TVK સામે મૂકી મોટી શરત
