Cockroach Janta Party Row: તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રેન્ડ થયેલી અને લાખો ફોલોઅર્સ મેળવનારી ઓનલાઈન કટાક્ષ ચળવળ ‘કોકરોચ જનતા પાર્ટી'(Cockroach Janta Party) ના એક્સ (ટ્વિટર) હેન્ડલને કેન્દ્ર સરકાર દ્વારા બ્લોક કરી દેવાયું છે. આ સરકારી આદેશ વિરુદ્ધ પ્લેટફોર્મના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. ડિજિટલ સેન્સોરશિપ અને અભિવ્યક્તિની આઝાદી સાથે જોડાયેલા આ મહત્વપૂર્ણ મામલાની સુનાવણી આ સપ્તાહે થવાની સંભાવના છે.
સરકાર દ્વારા આઈટી એક્ટ હેઠળ કેમ લેવાયા એક્શન?
મળતી માહિતી મુજબ, 21 May ના રોજ કેન્દ્ર સરકારના આદેશ બાદ કોકરોચ જનતા પાર્ટીનું સત્તાવાર એક્સ હેન્ડલ ભારતભરમાં પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપીને ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) ના ઇનપુટ્સના આધારે કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
સરકારે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000 ની કલમ 69(A) હેઠળ આ એકાઉન્ટ બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. આ કલમ સરકારને દેશની સંપ્રભુતા, અખંડિતતા, સુરક્ષા અને જાહેર વ્યવસ્થા જાળવવા માટે કોઈપણ ઓનલાઈન સામગ્રી કે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રોક લગાવવાની સત્તા આપે છે. જોકે, ભૌગોલિક પ્રતિબંધોના કારણે ભારત બહારના લોકેશન પરથી હજુ પણ આ એકાઉન્ટ એક્સેસ કરી શકાય છે.
CJI ની કઈ ટિપ્પણીથી શરૂ થઈ કોકરોચ જનતા પાર્ટી?
આ આખી સોશિયલ મીડિયા મૂવમેન્ટ સુપ્રીમ કોર્ટની એક સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) સૂર્યકાન્ત દ્વારા કરવામાં આવેલી એક મૌખિક ટિપ્પણી બાદ શરૂ થઈ હતી. એક કેસની સુનાવણી દરમિયાન સિસ્ટમ પર સવાલ ઉઠાવનારાઓ સામે નારાજગી વ્યક્ત કરતા કથિત રીતે સીજેઆઇએ કહ્યું હતું કે, સમાજમાં કેટલાક પરોપજીવીઓ છે જે સિસ્ટમ પર હુમલો કરે છે. કેટલાક યુવાનો વંદા (કોકરોચ) જેવા છે, જેમને વ્યવસાયમાં રોજગાર કે યોગ્ય સ્થાન મળતું નથી અને તેઓ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કે આરટીઆઈ એક્ટિવિસ્ટ બની જાય છે.
આ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચ્યો હતો. વિવાદ વધતા ચીફ જસ્ટિસે સત્તાવાર સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, “મેં દેશના બેરોજગાર યુવાનોની ટીકા કરી છે તે વાત તદ્દન ખોટી છે. મેં માત્ર એવા લોકોની ટીકા કરી હતી જેઓ નકલી અને બોગસ ડિગ્રીના આધારે કાયદાકીય વ્યવસાય, મીડિયા કે સોશિયલ મીડિયામાં ઘૂસી ગયા છે અને પરોપજીવીની જેમ કામ કરે છે. મને ભારતના યુવાનોની પ્રતિભા પર પૂરો ગર્વ છે.”
એકાઉન્ટ બ્લોક થતાં સ્થાપકની વધી ચિંતા(Cockroach Janta Party)
બોસ્ટન (અમેરિકા) માં રહેતા 30 વર્ષીય અભિજીત દીપકે ચીફ જસ્ટિસની ‘કોકરોચ'(Cockroach Janta Party) વાળી ટિપ્પણી પર કટાક્ષ કરતું એક ડિજિટલ પોસ્ટર બનાવ્યું હતું અને યુવાનો માટે એક ઓનલાઈન મેમ્બરશિપ ફોર્મ જાહેર કર્યું હતું. જોતજોતામાં આ પ્લેટફોર્મ વાયરલ થઈ ગયું અને ઇન્સ્ટાગ્રામ પર તેના 16 મિલિયનથી વધુ ફોલોઅર્સ થઈ ગયા હતા.
અભિજીતે મીડિયાને જણાવ્યું કે, આ ઓનલાઈન(Cockroach Janta Party) ટ્રેન્ડ વાયરલ થયા બાદ તેને ઇન્ટરનેટ પર સતત ધમકીઓ મળી રહી છે. તે પોતે વિદેશમાં છે પરંતુ ભારતમાં રહેતા તેના પરિવારની સુરક્ષાને લઈને તે ખૂબ જ ચિંતિત છે. હવે આ એકાઉન્ટ સસ્પેન્શન વિરૂદ્ધ તે દિલ્હી હાઈકોર્ટમાં કાયદાકીય લડત લડી રહ્યો છે.
આ પણ વાંચો:સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનાર ‘કોકરોચ જનતા પાર્ટી’ નું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કેમ બ્લોક થયું?
આ પણ વાંચો:વાયરલ ‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપકનું ઇન્સ્ટા હેક, ભારતમાં ઓફિશિયલ X હેન્ડલ પણ બંધ કરાયું
આ પણ વાંચો:‘કોકરોચ જનતા પાર્ટી’થી કેમ ચિંતિત થઈ સુરક્ષા એજન્સીઓ? તપાસમાં સામે આવ્યું ગુજરાત કનેક્શન

