india news/ મધ્યપ્રદેશમાં જળપ્રલય જેવી સ્થિતિ! ડેમ તૂટ્યો, ઘરો-રસ્તાઓ પાણીમાં, આજે 26 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

India Monsoon: 26 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, MPમાં પૂરથી પુલ-રેલવે ટ્રેક ડૂબ્યા; જાણો ક્યાં પડશે વરસાદ

Top Stories India
India Monsoon

India Monsoon: મધ્યપ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. સતના જિલ્લાના અનેક વિસ્તારો અને ચિત્રકૂટમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. સતત વરસી રહેલા વરસાદને કારણે નદીઓ-નાળા ગાંડીતૂર બન્યા છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. ચિત્રકૂટમાં મંદાકિની નદી લગભગ 30 ફૂટની ઊંચાઈએ વહી રહી છે.

ડેમ તૂટતાં અનેક વિસ્તારોમાં પાણી ઘૂસ્યાં

ગોર્ગી ડેમ તૂટવાના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યું છે. બીરસિંહપુરના અનેક વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાઈ ગયું છે. ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીને નુકસાન થયું છે અને અનેક વાહનો પણ પાણીમાં ડૂબી ગયા છે.

India Monsoon

નાગૌદ, બીરસિંહપુર, મજગવન અને સતના સહિતના વિસ્તારોમાં નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે. નાગૌદ પોલીસ સ્ટેશન અને સિંઘપુર ચોકડી નજીકના પેટ્રોલ પંપ સુધી પણ પાણી પહોંચી ગયું છે. કોટવાલી ચોકથી કલેક્ટર કચેરી સુધીનો માર્ગ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.

માટીનું ઘર ધરાશાયી, બે પશુઓના મોત

કોતર, કોઠી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર બની છે. કોઠી વિસ્તારમાં એક માટીનું ઘર ધરાશાયી થતાં બે પશુઓના મોત થયા છે. ભારે પાણી ભરાવાને કારણે અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર જોખમી બની ગયો છે.

ચિત્રકૂટમાં રામઘાટ પુલ ધોવાયો

ચિત્રકૂટમાં ભારે વરસાદની સૌથી મોટી અસર જોવા મળી છે. મંદાકિની નદીમાં પાણીનું સ્તર સતત વધતાં આશરે 300 મીટર લાંબો રામઘાટ પુલ ધોવાઈ ગયો છે. ઘાટની આસપાસ આવેલી અનેક દુકાનો પણ પાણીમાં ડૂબી ગઈ છે.
India Monsoon

સતી અનુસૂયા આશ્રમ સહિત અનેક ધાર્મિક સ્થળો તરફ જતા માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા ભક્તોને ઘાટ અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા અપીલ કરવામાં આવી છે.

SDRF અને હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ ઓપરેશન

પૂરની ગંભીર સ્થિતિને જોતા SDRFની ટીમો બચાવ કામગીરીમાં લાગી છે. પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે. અનેક લોકોને ઘરની છત પરથી એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.
India Monsoon

રેલવે ટ્રેક પર પણ પાણી ફરી વળ્યું છે. સિગ્નલ લીલું હોવા છતાં ચિત્રકૂટ નજીક બે ટ્રેનો ફસાઈ ગઈ હતી. મુંબઈ-હાવડા રેલવે લાઇન પર પણ પૂરનું પાણી અસરકારક બન્યું છે.

આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે મધ્યપ્રદેશના રેવા વિભાગ સહિત અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને કેટલીક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરી છે. વાવાઝોડા સાથે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતી પરિભ્રમણ અને સક્રિય ચોમાસાના પ્રવાહને કારણે વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે. વહીવટીતંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે.

દેશના 26 રાજ્યો માટે ભારે વરસાદનું એલર્ટ

દેશમાં ચોમાસું વધુ સક્રિય બન્યું છે. ભારતીય હવામાન વિભાગે આજે, 30 ઓગસ્ટે, દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપી છે.

આ ચેતવણીમાં ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર, આસામ, ત્રિપુરા, નાગાલેન્ડ, સિક્કિમ, કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તેલંગાણાનો સમાવેશ થાય છે.

ભારે વરસાદની આગાહીને પગલે ખાસ કરીને નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને જરૂર પડે ત્યારે સુરક્ષિત સ્થળે ખસી જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.


આ પણ વાંચો: ગંડક નદીનું જળસ્તર વધતા બિહારમાં પૂરનો ખતરો, અમિત શાહે CM સમ્રાટ ચૌધરી સાથે કરી ટેલિફોનિક ચર્ચા

આ પણ વાંચો: નેપાળમાં પૂર બાદ બિહાર-યુપી હાઈ ઍલર્ટ પર, CM સમ્રાટ ચૌધરીએ હેલિકોપ્ટરના માધ્યમથી કર્યું હવાઈ નિરીક્ષણ

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદ ખેંચાતા ચિંતા વધી, ગરમી-ઉકળાટ યથાવત; 4 દિવસમાં વીજ માંગ 3259 મેગાવોટ વધી