Himalaya Glacier Melting: હિમાલયને પૃથ્વીનો ત્રીજો ધ્રુવ કહેવામાં આવે છે. આ વિશાળ પર્વતમાળામાં રહેલા ગ્લેશિયર અને બરફનો જથ્થો ભારત સહિત સમગ્ર એશિયાના પાણીના ચક્ર માટે અત્યંત મહત્વનો છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગ અને માનવીય પ્રવૃત્તિઓને કારણે હિમાલયના ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યા હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હિમાલય પીગળશે તો શું થશે?
નિષ્ણાતોના મતે જો હિમાલયના ગ્લેશિયરમાં મોટા પાયે ઘટાડો થશે તો તેની સીધી અસર ભારતની અનેક મોટી નદીઓ પર પડી શકે છે. ગંગા, યમુના અને બ્રહ્મપુત્રા જેવી નદીઓનું પાણી હિમાલયના બરફ અને ગ્લેશિયર સાથે જોડાયેલું છે. તેથી ગ્લેશિયરનો જથ્થો સતત ઘટતો જશે તો ભવિષ્યમાં પાણીની ઉપલબ્ધતા સામે ગંભીર પડકાર ઊભો થઈ શકે છે. તેની અસર માત્ર પીવાના પાણી પૂરતી સીમિત નહીં રહે. ખેતી માટે જરૂરી સિંચાઈનું પાણી, જળવિદ્યુત ઉત્પાદન અને સમગ્ર પર્યાવરણનું સંતુલન પણ પ્રભાવિત થઈ શકે છે. પાણીની અછતથી માનવજીવન ઉપરાંત પ્રાણીઓ અને પક્ષીઓના અસ્તિત્વ સામે પણ જોખમ ઊભું થઈ શકે છે.

ગ્લેશિયર પીગળવાથી અચાનક પૂરનું જોખમ
હિમાલયના(Himalaya) ગ્લેશિયર ઝડપથી પીગળે ત્યારે શરૂઆતમાં નદીઓમાં પાણીનું પ્રમાણ વધી શકે છે. તેના કારણે અચાનક પૂર અને ભૂસ્ખલન જેવી કુદરતી આફતોનું જોખમ વધી શકે છે. નેપાળમાં તાજેતરમાં બનેલી વિનાશક પૂર જેવી ઘટનાઓએ પણ હિમાલય વિસ્તારમાં કુદરતી જોખમો સામે ચિંતા વધારી છે.
વૈજ્ઞાનિકો કરી રહ્યા છે સતત નજર
હિમાલયમાં(Himalaya) થઈ રહેલા પરિવર્તનોને સમજવા માટે ભારત સહિત વિશ્વના વૈજ્ઞાનિકો સતત સંશોધન કરી રહ્યા છે. સેટેલાઇટ, ડ્રોન, રડાર અને અન્ય આધુનિક ટેકનોલોજીની મદદથી ગ્લેશિયર અને પર્વતીય વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે.
પર્યાવરણ બચાવવું હવે સૌથી મોટો પડકાર
હિમાલય(Himalaya) માત્ર એક પર્વતમાળા નથી, પરંતુ એશિયાના કરોડો લોકોના જીવન સાથે જોડાયેલું કુદરતી તંત્ર છે. તેથી ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા સાથે હિમાલય વિસ્તારમાં પર્યાવરણની સુરક્ષા અને કુદરતી આફતો સામે મજબૂત તૈયારી કરવી હવે અત્યંત જરૂરી બની ગઈ છે.
આ પણ વાંચો:નેપાળમાં હિમાલયનું મહાસંકટ; ગ્લેશિયર તૂટવાથી સર્જાયું ભીષણ પૂર, 160થી વધુ લોકોના મોત
આ પણ વાંચો:હિમાલયની ઊંચાઈએ આવેલું રહસ્યમયી મંદિર, જ્યાંથી શરૂ થાય છે કાલી નદી, જાણો મહત્વ
આ પણ વાંચો:હિમાચલ પ્રદેશ અર્થાત્ ‘હિમાલયના ખોળે વસેલો પ્રદેશ’…આજે 15 એપ્રિલ…’હિમાચલ ડે’ની ઉજવણી..!
