Mehsana News/ અમદાવાદમાં રહીને ખેલ પાડતી લૂંટેરી દુલ્હનની ટોળકી, એક યુવતી ચાર યુવક સાથે ફેરા ફરી, લગ્ન પછી રોકડ અને દાગીના લઈ ફરાર

મહેસાણા સહિત અન્ય જિલ્લાના મળીને કુલ 5 કેસ બન્યા છે.

Gujarat

Mehsana News : અમદાવાદમાં રહીને યુવકોને છેતરતી લૂંટેરી દુલ્હનની ટોળકીના કિસ્સા સામે આવ્યા છે. જેમાં ગત 18 જુલાઈ, 2025ના રોજ મહેસાણાના વિજાપુર તાલુકાના ફુદેડા ગામે લૂંટેરી દુલ્હનનો ભોગ બનેલા ખેડૂતે લાડોલ પોલીસમાં લૂંટેરી દુલ્હન સહિત આખી ગેંગ સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં હવે અન્ય પીડિતો પણ સામે આવી રહ્યા છે. મહેસાણા સહિત અન્ય જિલ્લાના મળીને કુલ 5 કેસ બન્યા છે.

પીડિત પરિવાર પાસેથી મળતી પ્રમાણે, આ ગેંગ અમદાવાદમાં બોલાવી ખોટા પરિવારને બતાવી પોતાનો ખેલ પાડતી હતી. ભોગ બનેલા પાંચમાંથી ચાર યુવક સાથે એક જ યુવતીએ સોનિયા નામ ધારણ કરીને લગ્ન કર્યા હતાં. આ કાંડ માટે યુવતીએ આધારકાર્ડ પણ નકલી બનાવ્યું હતું. આજ ગેંગની રિંકુ નામની યુવતી પણ લગ્ન કરી ત્રીજા દિવસે ફરાર થઈ ગઈ હતી. આ ગેંગમાં અન્ય ત્રણ યુવતી પણ સંડોવાયેલી છે. જોકે, કેટલાક પરિવાર આબરૂ જવાની બીકે ફરિયાદ ન કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે.

મહેસાણાના વિજાપુર તાલુકાના ફુદેડા ગામે 43 વર્ષીય પરિણીત યુવક તેની માતા સાથે રહે છે અને ખેતી કરીને ગુજરાન ચલાવે છે. 2003માં સામાજિક કારણોસર યુવકના પ્રથમ લગ્નજીવનનો અંત આવ્યો હતો. બાદમાં માતાની દેખરેખ માટે તેણે બીજા લગ્ન કરવાનો નિર્ણય લીધો. આજથી પાંચ મહિના પહેલા યુવકના કાકાની મુલાકાત ઘેઘૂ ગામની ગંગાબેન નામની મહિલા સાથે થઈ હતી, જેમાં તેઓએ ભત્રીજાના લગ્ન કરાવવા હોવાની વાત કરી હતી. આ સમયે ગંગાબેને અમદાવાદની સોનિયા નામની યુવતી સાથે લગ્ન કરાવવાની વાત કરી હતી.

ત્યારબાદ ગંગાબેને અમદાવાદના જશોદાનગરમાં યુવક અને તેના પરિવારની મુલાકાત સોનિયા અને જશીબેન સાથે કરાવી હતી. બાદમાં પરિવારને સોનિયા પસંદ આવતા લગ્ન માટે જશીબેન અને ગંગાબેને રૂ. 2.50 લાખની માગણી કરી હતી. જેમાં યુવકે પ્રથમ હપ્તા પેટે રૂ. 21 હજાર ચૂકવ્યા હતા.

9 મે, 2025ના રોજ લગ્ન કરી યુવતીને યુવકના ગામમાં લાવવામાં આવી હતી. થોડા દિવસ બાદ જશીબેન અને ગંગાબેન ફુદેડા ગામે આવ્યાં હતાં અને સોનિયાના ભાઈના અકસ્માતનું બહાનું બનાવીને તેને અમદાવાદ લઈ ગયા હતા. ત્યારબાદ સોનિયા પરત ન ફરતા યુવકે સંપર્ક કરવાના પ્રયાસો કર્યા પણ સંપર્ક થયો ન હતો. આ સાથે જ તપાસ કરતા તમામ લોકો ફરાર થઈ ગયાની જાણ થતાં યુવકે આ મામલે લાડોલ પોલીસ મથકમાં ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.સાબરકાંઠાના તલોદ તાલુકાના એક ગામમાં રહેતા પટેલ પરિવારમાં પોતાના દીકરા માટે માતા-પિતા યુવતી શોધતા હતા.

25 વર્ષીય યુવક માટે છોકરી શોધતા-શોધતા તેનો લૂંટેરી ગેંગ સાથે ભેટો થયો હતો. આ ગેંગમાં સોનિયા નામની યુવતી અમદાવાદના કમોડ વિસ્તારમાં પોતાના મામા વિશાલભાઈના ત્યાં આવી હતી. જ્યાં પટેલ પરિવાર છોકરી જોવા ગયો હતો અને છોકરી પસંદ આવતા લૂંટેરી ગેંગના લોકોએ લગ્ન માટે અઢી લાખની માગ કરી હતી, જ્યાં પટેલ પરિવાર પૈસા આપવા તૈયાર થયો હતો.

છોકરી જોયાના 15 દિવસમાં લગ્ન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ગામના મંદિરમાં વિધિ પ્રમાણે લગ્ન કરવામાં આવ્યા હતા. બાદમાં સોનિયા નામની દુલહન 4 દિવસ પટેલ પરિવાર સાથે રહી પોતાના ભાઈને મળવા અમદાવાદ જવું છે એમ કહી નીકળી ગઈ હતી. ત્યારબાદ આ ગેંગ ફરાર થઇ ગઇ હતી. બાદમાં પરિવારે તપાસ કરતા જ્યાં છોકરી જોવા ગયા હતા, એ ઘરને તાળા લાગેલા જોવા મળ્યા હતા.મૂળ પાટણ જિલ્લામાં આવેલા જાખા ગામના અને વડોદરામાં રહેતા 35 વર્ષીય રાજેશના લગ્ન માટે પરિવાર યુવતી શોધી રહ્યો હતો.

આ દરમિયાન એમના જ સમાજના સંજય નામના યુવકે રાજકોટની સોનિયા સાથે લગ્નની વાત કરી હતી. સોનિયા યુવકના ઘરે આવી અને પોતે રાજકોટ રહેતી હોવાનું જણાવ્યું હતું. બાદમાં યુવક-યુવતી બન્નેને પસંદ આવતા લગ્ન માટે વાત આગળ કરતા લૂંટેરી દુલહન ગેંગ દ્વારા શરૂઆતમાં 50 હજાર રૂપિયા માગ્યા હતા. ત્યારબાદ એક અઠવાડિયામાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

બાદમાં યુવક-યુવતીના ફુલહાર કરવામાં આવ્યા હતા. જ્યાં યુવકના પરિવારે લૂંટેરી દુલહન સોનિયાને સોનાના દાગીના પણ લઈ આપ્યા હતા. લગ્નના ચાર દિવસ બાદ સોનિયાના બનાવટી કાકા તેને તેડવા આવ્યા અને કહ્યું હતું કે, તમે પછી સોનિયાને લઈ જજો. યુવકના પરિવારે લગ્ન માટે અઢી લાખ રૂપિયા આ ગેંગને આપ્યા હતા. સમગ્ર ઘટનામાં સોનિયા ચાર દિવસ રહ્યા બાદ દાગીના લઈ ફરાર થઇ ગઇ હતી. ત્યારબાદ યુવકના પરિવારે વડોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, આ લૂંટેરી દુલહન આજ સુધી પરત ફરી નથી.

આ સમગ્ર વિગતો દિવ્ય ભાસ્કરને યુવકની બહેને આપી હતી. વધુમાં તેણીએ જણાવ્યું હતું કે, આ બનાવ બાદ સમાજમાં અમારી બહુ બદનામી થઈ હતી. મારા ભાઈ માનસિક સંતુલન પણ ખોઈ બેઠા હતા.વિજાપુરમાં રહેતા પિતા પોતાના 24 વર્ષના પુત્રના લગ્ન માટે યુવતી શોધતા હતા. આ દરમિયાન આ પરિવારનો ભેટો લૂંટેરી દુલ્હન ગેંગ સાથે થઈ ગયો હતો. આ ગેંગના ભીખીબેન નામની મહિલા યુવકના માતા-પિતાને અમદાવાદ લઈ જઈ ખોટા એડ્રેસ વાળુ મકાન પોતાનું હોવાનું કહી લગ્ન માટે નક્કી કર્યું હતું.

બાદમાં માત્ર 4 દિવસમાં રિંકુ નામની યુવતી સાથે યુવકના લગ્ન રીતરિવાજ પ્રમાણે કરાવ્યા હતા. લગ્ન કરાવ્યાના ત્રણ દિવસમાં દુલ્હનના પપ્પા બીમાર હોવાનું કહી આ લૂંટેરી દુલહનની ગેંગ યુવતીને પોતાની સાથે લઈ ગઈ હતી. ત્યારબાદ આ યુવતી આજદિન સુધી પરત આવી નથી. આમાં આ ગેંગ ભોગ બનનાર પરિવાર પાસેથી બે લાખથી વધુની રકમ અને દાગીના લઈ રફુચક્કર થઈ ગયા હતા.ચાણસ્મા તાલુકાના એક ગામે રહેતો પરિવાર 30 વર્ષીય યુવકના લગ્ન માટે યુવતી શોધી રહ્યો હતો. આ દરમિયાન ગામમાં રહેતા દલાલે અમદાવાદમાં રહેતા અન્ય દલાલનો સંપર્ક આ પરિવાર સાથે કરાવ્યો હતો. જ્યાં પરિવાર અમદાવાદ યુવતી જોવા ગયો હતો. બાદમાં યુવતી પોતાના નકલી પિતા અને પરિવાર સાથે યુવકના ગામમાં આવી હતી. જ્યાં તેઓઓ લગ્ન માટે હા પાડી હતી. એ દરમિયાન યુવતીની ગેંગ યુવક પાસેથી લગ્નના ખર્ચ પેટે 50,000 લીધા હતા અને એક અઠવાડિયામાં લગ્ન લેવાનું નક્કી કર્યું હતું.

લગ્ન કરવા આવેલી યુવતીનું નામ સોનિયા લેઉઆ પટેલ હતું, તેણે પોતાનું નકલી આધારકાર્ડ પણ બનાવ્યું હતું. ત્યારબાદ લગ્નના દિવસે આ સોનિયા એક રિક્ષા ચાલકને પોતાના પિતા અને એક વિકલાંગ મહિલાને પોતાની માતા બનાવી લાવી હતી. આ સાથે બે અમદાવાદના દલાલ પણ લગ્નમાં આવ્યા હતા.

લગ્ન બાદ યુવતી ત્રણ દિવસ રહી અને અમદાવાદ કામ હોવાથી તે ગઈ હતી અને પરત પણ આવી હતી. બીજી વખત ગઈ ત્યારબાદ તે પરત આવી નહોંતી જેથી પરિવાર દ્વારા શોધખોળ કરવામાં આવતા આખરે એ મળી હતી. ત્યારબાદ તેની સામે ચાણસ્મા પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. બાદમાં કોર્ટ મારફતે પરિવારે આ લૂંટેરી દુલહન સાથે યુવકના છૂટાછેડા લેવડાવ્યા હતા. આ ગેંગ દ્વારા કુલ સાડા ચાર લાખ રૂપિયાની ઠગાઈ આચરી હોવાનું પરિવારે જણાવ્યું હતું.

આ લૂંટરી દુલહન દ્વારા આવા અનેક પરિવારને ટાર્ગેટ કરી લગ્નના નામે ઠગાઈ આચરી હોવાની પુરી શક્યતા છે. ત્યારે આબરૂ જવાની બીકે ઘણા પરિવાર ફરિયાદ કરવાનું ટાળી રહ્યા છે. આ ગેંગ લગ્નના નામે લાખો રૂપિયા પડાવ્યા બાદ રફુચક્કર થઈ જાય છે. પીડિત પરિવારોને પોતાના ખોટા નામ-અડ્રેસ આપી ગુમરાહ કરે છે. હાલમાં તો મહેસાણા કોર્ટ આરોપી રાઠોડ અનિશા ઉર્ફ સોનિયાના આગોતરા જામીન કોર્ટ દ્વારા ફગાવવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાવનગરમાં ભાઈએ બહેન પર દુષ્કર્મ આચર્યુ, ગર્ભ રહેતા યુવતીનો આપઘાત

આ પણ વાંચો:ભાવનગરમાં ભૂવા પર દુષ્કર્મની ફરિયાદ, પરિવારને મારી નાખવાની ધમકી આપતો

આ પણ વાંચો:ભાવનગરમાં પરીણિતા સાથે વિધર્મીએ આચર્યુ દુષ્કર્મ