Surat News : સુરતના અમરોલી વિસ્તારમાં રસ્તા પરના ખાડાઓને કારણે એક કરુણ અકસ્માત સર્જાયો હતો, જેમાં 35 વર્ષીય એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બાઇક પર જઈ રહેલા ત્રણ યુવકની બાઇક ખાડાને કારણે સ્લિપ થઈ ગઈ અને તેઓ રોડ પર પટકાયા હતા. એ જ સમયે પાછળથી પૂરઝડપે આવતા એક કન્ટેનરનાં પૈડાં યુવકના માથા ઉપરથી ફરી વળતાં તેનું કરુણ મોત થયું હતું,
જ્યારે અન્ય બે યુવકને ઈજાઓને પગલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. અમરોલી પોલીસે કન્ટેનરચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.મળતી માહિતી પ્રમાણે, સુરતના એજણ વિસ્તારમાં 35 વર્ષીય શંભુનાથ બાલેશ્વર યાદવ પરિવાર સાથે રહેતો હતો અને લાદી સ્ટાઇલનું મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. હાલ શંભુનાથ વિકાસભાઈ જાંબુકિયા સાથે ઓલપાડના માસમાં ગામ ખાતે કડિયાકામ કરી રહ્યો હતો. સવારે 9:00 વાગ્યે કામ પર જતો અને સાંજે 6:00 વાગ્યે પરત આવતો હતો. દરમિયાન ગઈકાલે વિકાસ સાથે શંભુનાથ કામ કરવા માટે ગયો હતો.
સાંજના સમયે વિકાસ પોતાની બાઈક પર શંભુનાથ અને અન્ય એક સોનું નામના યુવકને લઈને પરત ફરી રહ્યો હતો.ત્રણેય માસમા ગામથી જહાંગીર વરિયાવ થઈને ઘરે પરત ફરી રહ્યા હતા, એ દરમિયાન જહાંગીરપુરાથી અમરોલી તરફ આવતા ડીડી સ્પોર્ટ્સ સર્કલ પાસે પહોંચતાં અચાનક ખાડો આવતાં એમાં બાઈકનું ટાયર આવી જતાં ત્રણેય રોડ પર પટકાયા હતા. દરમિયાન પાછળથી આવતા એક કન્ટેનરનાં પૈડાં ત્રણેય પર ચડી ગયાં હતાં. એમાં શંભુનાથના માથે ટાયર ફરી મળતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા.
અકસ્માત અંગે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતાં તાત્કાલિક ટીમ પહોંચી તપાસ કરતાં શંભુનાથને ઘટનાસ્થળે મૃત જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે વિકાસને હાથ અને અન્ય ભાગ પર બીજાઓ પહોંચી હતી, જેથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં વિકાસને હાથના ભાગે ફેક્ચર થયું હોવાનું સામે આવ્યું હતું, જ્યારે અન્ય એક સોનું નામના યુવકને કોણીના ભાગે ઈજા થઈ હતી.
ઘટના અંગેની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.હાલ તો આ મામલે વિકાસ દ્વારા કન્ટેનરના ડ્રાઇવર બેચેન પાછુ યાદવ સામે અકસ્માતની ફરિયાદ નોંધાવવામાં આવી છે, જોકે આ સમગ્ર ઘટના ખાડાને કારણે બની હોવાનું સામે આવ્યું છે અને આ સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઈ જવા પામી છે. હાલ તો આ બાબતે અમરોલી પોલીસ દ્વારા અકસ્માતની ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો:સુરતમાં તાવના લીધે સાત વર્ષના બાળકનું મોત, ઇન્જેકશનના ઓવરડોઝનો આક્ષેપ
આ પણ વાંચો:સુરતમાં રોગચાળાએ ફરીથી માથુ ઊચક્યું ! ચાર વર્ષના બાળકનું ડેન્ગ્યુથી મોત
આ પણ વાંચો:સુરતના ઉધનાામાં ઊંડા ખાડામાં પડી જતા 8 વર્ષના બાળકનું મોત
