હિંમતનગર (Himmatnagar) તાલુકાના રાયગઢ ગામમાં પ્રતાપ સાગર તળાવની તળેટીમાં આવેલ સ્વયંભૂ પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રિ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે શિવરાત્રિ અને શ્રાવણ માસ દરમિયાન અહીં વિવિધ શિવલિંગ અને અનોખી ધાર્મિક રચનાઓ તૈયાર કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે ખાસ રીતે 25 ફૂટ ઊંચી મહાકાલની વિશાળ પ્રતિમા અને કુદરતી ગુફા જેવી અદ્ભુત રચના તૈયાર કરવામાં આવી હતી, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.
બે મહિનાની મહેનત બાદ મહાકાલની પ્રતિમા તૈયાર
ગામના યુવાનો અને સ્થાનિક કારિગરોએ છેલ્લા બે મહિનાની મહેનત બાદ મહાકાલની પ્રતિમા તૈયાર કરી હતી. આ પ્રતિમા મહાશિવરાત્રિના વહેલી સવારથી જ દર્શન માટે ખુલ્લી મુકવામાં આવી હતી, જેથી ભક્તો વહેલી સવારથી જ મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા.
મંદિર પ્રાંગણમાં કુદરતી ગુફા જેવું વાતાવરણ ઉભું કરવા માટે આશરે ૨૩ હજાર કિલો પીઓપી, 25 થી 30 મીટર કન્તાન, બાંબુ-વાંસ, માટી અને વિવિધ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ગુફામાં ભગવાન વિષ્ણુના દશાવતાર તેમજ વિવિધ દેવી-દેવતાઓની પ્રતિમાઓ મૂકવામાં આવી હતી, જેથી ભક્તોને એક જ જગ્યાએ અનેક દેવતાઓના દર્શન કરવાનો લાભ મળ્યો હતો.

ભગવાન શિવના વિવિધ સ્વરૂપો ચણાના લોટમાંથી તૈયાર કરવામાં આવ્યા
વિશેષ વાત એ હતી કે ભગવાન શિવના વિવિધ સ્વરૂપો ચણાના લોટમાંથી તૈયાર કરવામાં આવ્યા હતા, જે ભક્તોમાં વિશેષ કૌતૂહલનું કેન્દ્ર બન્યા હતા. દર વર્ષે નારિયેળ, રુદ્રાક્ષ, ભસ્મ, ઘી, બાબા બર્ફાની અને અમરનાથ જેવી થીમ તૈયાર કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે મહાકાલની વિશાળ પ્રતિમા અને ગુફા થીમ ખાસ ચર્ચાનો વિષય બની હતી.
હિંમતનગર (Himmatnagar) મહાકાલની પ્રતિમા પર આકર્ષક લાઈટ શોનું આયોજન
રાત્રિ દરમિયાન મંદિરે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ મહાકાલની પ્રતિમા પર આકર્ષક લાઈટ શોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ભક્તોની સુવિધા માટે વૈજનાથ યુવક મંડળ અને ગ્રામજનોએ ફલાહારની વ્યવસ્થા પણ કરી હતી.વૈજનાથ મહાદેવ મંદિર વર્ષભર ભક્તોની ભીડથી ભરેલું રહે છે, પરંતુ મહાશિવરાત્રિ નિમિત્તે અહીં ખાસ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ વર્ષે અલગ પ્રકારની મહાકાલ પ્રતિમા, ગુફા અને દેવી-દેવતાઓના દર્શનના કારણે ભક્તોને અનોખો આધ્યાત્મિક અનુભવ મળ્યો હતો.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
