Surat News/ સુરતમાં ઝીંગા વેપારી પાસેથી પઠાણી ઉઘરાણી, 51 લાખ સામે 85 લાખ ચૂકવી છતાં વધુ 35 લાખની માગણી

સુરતમાં (Surat) ઝીંગા ઉછેર કરનાર એક વેપારી પાસેથી વ્યાજખોર ફાયનાન્સરે પઠાણી ઉઘરાણી કરી 51 લાખ સામે 85 લાખ વસૂલ્યા હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. વધુ 35 લાખની માગણી સાથે ધમકી આપતા ફાયનાન્સર સામે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા તેની ધરપકડ કરવામાં આવી છે.

Gujarat Surat Uncategorized
Surat news

સુરતમાં (Surat) ઝીંગા ઉછેરનો ધંધો કરતા એક વેપારીને વ્યાજખોર ફાયનાન્સર દ્વારા લાંબા સમય સુધી માનસિક અને આર્થિક રીતે હેરાન કરવામાં આવ્યો હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. વેપારીએ ટૂકડે-ટૂકડે 51 લાખ રૂપિયા ઉધાર લીધા હતા, પરંતુ ચાર વર્ષ દરમિયાન વ્યાજ સહિત કુલ 85 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વધુ 35 લાખની માગણી કરી ધમકી આપવામાં આવી હતી. આખરે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા વ્યાજખોરની ધરપકડ કરવામાં આવી છે.

આ દરમિયાન વેપારીના ઘરે ઘૂસી પઠાણી ઉઘરાણી કરવામાં આવી હોવાનો વીડિયો પણ વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળે છે કે, રેકોર્ડિંગ થતું હોવા છતાં ફાયનાન્સર ધમકી આપતો રહ્યો અને જ્યારે તેને પોલીસ બોલાવવામાં આવી હોવાનું જણાવાયું ત્યારે તેણે કહ્યું કે, “પોલીસ બોલાવી છે તો હું અહીં જ બેસી જાઉં.”

કોરોના સમયમાં ધંધામાં નુકસાન બાદ વ્યાજે રૂપિયા લીધા

પાલનપુર પાટિયા વિસ્તારની દીનદયાળ સોસાયટીમાં રહેતા સુશીલ દિનેશભાઈ પટેલ ઝીંગા ઉછેર અને ખેતીનો વ્યવસાય કરે છે. વર્ષ 2020માં કોરોના લોકડાઉન દરમિયાન તેને ધંધામાં મોટું નુકસાન થયું હતું. આર્થિક મુશ્કેલીમાં ફસાયેલા સુશીલને પૈસાની જરૂર પડતાં તેના મિત્ર હિરેન સુરતીએ તેને આનંદ બાલુભાઈ ચાસિયા સાથે મળાવ્યો હતો. ચાસિયાએ માસિક 5 ટકા વ્યાજે લોન આપવાની તૈયારી દર્શાવી હતી, પરંતુ સિક્યુરિટી તરીકે જમીન અને ઘરના મૂળ દસ્તાવેજો માંગ્યા હતા.

Surat news Pathani recovery
Surat news Pathani recovery

ઘરે જઈ ધમકી આપી ઉઘરાણી શરૂ કરી

જરૂરિયાતને કારણે સુશીલે શરતો સ્વીકારી અને સમયાંતરે કુલ 51 લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ આનંદ ચાસિયા વારંવાર ફોન કરીને અને ઘરે આવી ધમકી આપી વ્યાજની ઉઘરાણી કરવા લાગ્યો હતો. સુશીલે મિત્ર પ્રદીપ નાયકે આપેલા 15 લાખ રૂપિયા સહિત કુલ 30 લાખ ચૂકવ્યા હતા, છતાં ચાસિયાએ જમીનનો સાટાખત પણ લખાવી લીધો હતો.

પૈસા ન આપ્યા તો જાનથી મારી નાંખવાની ધમકી

ગત જાન્યુઆરીમાં ચાસિયાએ ફરી વેપારીના ઘરે જઈ તેની દીકરી સાથે ઝઘડો કર્યો હતો અને એક મહિનામાં પૈસા નહીં આપો તો બંનેને જાનથી મારી નાખીશ તેવી ગંભીર ધમકી આપી હતી.

જમીન અને ઘરેણાં વેચી કુલ 85 લાખ ચૂકવ્યા

આ ધમકીથી ગભરાઈ ગયેલા સુશીલે જમીન વેચી 45 લાખ રોકડા ચૂકવ્યા અને તેની દીકરીના ખાતામાં 10 લાખ ટ્રાન્સફર કરી કુલ 55 લાખ ચૂકવ્યા હતા. આ રીતે કુલ 85 લાખ રૂપિયા ચુકવ્યા હોવા છતાં ચાસિયાએ દસ્તાવેજો પરત આપવા માટે વધુ 35 લાખની માંગણી કરી હતી.

પત્ની અને પરિવારને ગાળો આપી સુરતમાં (Surat) ઘરમાં ઘૂસી ઉઘરાણી

3 ફેબ્રુઆરીએ ચાસિયા વેપારીના ઘરે ગયો અને પત્ની તથા માતા-પિતાને ગાળો આપી ધમકી આપી હતી. ઘરમાં ઘૂસીને પઠાણી ઉઘરાણી કરતો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પોલીસ બોલાવવામાં આવી હોવાનું કહેવામાં આવતાં પણ તેણે બિનધાસ્ત રીતે ત્યાં જ રહેવાનું કહ્યું હતું.

આ મામલે વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા વ્યાજખોર આનંદ ચાસિયાને ગણતરીની કલાકોમાં પકડી લેવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.


આ પણ વાંચો:મહાશિવરાત્રિ પર હિંમતનગરના રાયગઢમાં ૨૫ ફૂટ ઊંચી મહાકાલ પ્રતિમા, ભક્તોમાં ભારે આકર્ષણ

આ પણ વાંચો:ટીવી જોવાનો આરોપ, 7 દિવસમાં પુનર્લગ્ન અને હવે હાઈકોર્ટનું સમન્સ

આ પણ વાંચો:પ્રેમ પ્રકરણનો કરૂણ અંત! અમદાવાદમાં પ્રેમીના ત્રાસથી હોટલની વેઈટર યુવતીએ જીવન ટૂંકાવ્યું