Nepal News: ભારતના પડોશી દેશ નેપાળમાં ગુરુવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા (Nepal Earthquake) હતા. ભારતીય સમય અનુસાર સવારે 4:30 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 નોંધાઈ હતી. વહેલી સવારે આવેલા આંચકાઓને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને ઊંઘી રહેલા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)ના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 73 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. જોકે, અત્યાર સુધી આ ભૂકંપના કારણે કોઈ મોટા જાનમાલના નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
Nepal Earthquake: હિમાલયન બેલ્ટમાં વારંવાર અનુભવાય છે ભૂકંપના આંચકા
નેપાળ હિમાલયન બેલ્ટમાં આવેલો હોવાથી અહીં ભૂસ્તરશાસ્ત્રીય ગતિવિધિઓને કારણે અવારનવાર ભૂકંપના આંચકા (Himalayan Earthquake) અનુભવાય છે. આ અગાઉ 1 નવેમ્બરના રોજ જાપાનમાં પણ 6.0ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જોકે, તેમાં મોટી દુર્ઘટના ટળી હતી.
ટેક્ટોનિક પ્લેટોની હિલચાલથી સર્જાય છે ભૂકંપ
વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર, પૃથ્વીના પેટાળમાં આવેલી ટેક્ટોનિક પ્લેટો (Tectonic Plates) સતત ગતિશીલ રહે છે. આ પ્લેટો એકબીજા સાથે અથડાય અથવા ઘર્ષણ થાય ત્યારે ઊર્જા એકત્રિત થાય છે. આ ઊર્જા અચાનક મુક્ત થતાં પૃથ્વીની સપાટી પર કંપન અનુભવાય છે, જેને ભૂકંપ કહેવામાં આવે છે.
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા વધવાની સાથે નુકસાનની સંભાવના પણ વધી શકે છે. 4.5 કે તેથી વધુ તીવ્રતાના ભૂકંપથી મકાનો અને નબળાં બાંધકામોને નુકસાન થવાની શક્યતા રહે છે, જ્યારે 7.0થી વધુ તીવ્રતાના ભૂકંપ અત્યંત વિનાશક બની શકે છે.
નેપાળમાં આવેલા ભૂકંપ બાદ સંભવિત આફ્ટરશૉક્સને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના નાગપુરમાં ભૂકંપ, NCSએ નોંધ્યા 2.6ની તીવ્રતાના આંચકા
આ પણ વાંચો: કચ્છના લખપત નજીક ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતા નોંધાઈ
આ પણ વાંચો: તાલાલામાં ફરી ભૂકંપના ત્રણ આંચકા, સતત આંચકાઓથી લોકોમાં ભયનો માહોલ
