Gandhinagar News/ “વિકાસ સપ્તાહ” અંતર્ગત આવતી કાલે CMની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના યુવા રોજગાર લક્ષી સમારંભનું આયોજન…

વર્ષ 2022માં રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા રોજગારીની તકો પ્રદાન કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે આવેલું છે…જે રાજ્ય સરકારની રોજગારવાંચ્છુ યુવાઓને…

Gujarat Gandhinagar

Gandhinagar News: “વિકાસ સપ્તાહ” અંતર્ગત આવતી કાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના ‘યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તીકરણ’ સમારંભનું આયોજન કરવામાં આવેલ છે.

જે અંતર્ગત, 57 હજારથી વધુ યુવાનોને રોજગાર એનાયતપત્ર તથા 25 હજારથી વધુ તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર્સ (POLs)નું વિતરણ કરાશે.

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કુલ 7,712 ભરતીમેળાઓ તથા અન્ય સહાયક પ્રવૃતિઓ થકી 13.99 લાખ કરતા વધુને રોજગારી આપવામાં આવી છે.

રાજ્યમાં તા. 7 થી 15 ઓક્ટોબર, 2025 દરમિયાન “વિકાસ સપ્તાહ”ની ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના 24 વર્ષ પૂર્ણ થયા છે. આ 24 વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેની વિકાસગાથા જન જનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં તા. 7 થી 15 ઓક્ટોબર, 2025 દરમિયાન “વિકાસ સપ્તાહ” (Vikas Spatah) ઉજવાઈ રહ્યો છે.

જે અંતર્ગત તા. 8 ઓકટોબર, 2025ના રોજ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં અને શ્રમ-રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ટાઉન હોલ, ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો ‘યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તીકરણ’ સમારંભ યોજાશે. આ કાર્યક્રમની જિલ્લા કક્ષાની ઉજવણી 32 જિલ્લા મથક પર પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. રાજ્યની રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા સપ્ટેમ્બર-2025 સુધીમાં રોજગાર ભરતી મેળા મારફતે 50 હજાર રોજગારવાંચ્છુઓને રોજગારી આપવાના લક્ષ્યાંક સામે છેલ્લા છ મહિનામાં 658 ભરતીમેળાઓ થકી 2,908 નોકરીદાતાઓ દ્વારા પસંદગી પામેલા 57,502 ઉમેદવારોને રોજગાર એનાયત પત્રોનું વિતરણ કરવામાં આવશે.

આ ઉપરાંત ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)ના તાલીમાર્થીઓનો ડ્રોપ આઉટ દર ઘટાડવાના ભાગરૂપે નવિન પહેલ થકી 25 હજારથી વધુ તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર્સ (POLs)નું વિતરણ કરવામાં આવશે. વધુમાં ITIની ઉભરતી ક્ષિતિજો અને વિકાસની નૂતન પરિભાષાને સાકાર કરવા ઔદ્યોગિક એકમો સાથે MoUs દ્વારા સહભાગિતા વધારવાના ભાગરૂપે 100 થી વધુ એકમો સાથે MoUs કરવામાં આવશે. જેથી આગામી સમયમાં 150 જેટલી ITIમાં 20 હજાર જેટલા તાલીમાર્થીઓની તાલીમ ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થશે.

રોજગારીની તકો પ્રદાન કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત@2047 ના સ્વપ્નને સાકાર કરવામાં યુવાઓની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે. જેમાં ગુજરાત પણ યુવાનોને રોજગારી આપીને વિકસિત ગુજરાતની નેમ સાથે આ અભિયાનમાં અગ્રેસર બનીને સહભાગી થઈ રહ્યું છે. જે અંતર્ગત રાજ્યની રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષ એટલે કે વર્ષ 2020-21 થી 2024-25 સુધીમાં કુલ 7,712 ભરતીમેળાઓ તથા અન્ય સહાયક પ્રવૃતિઓ થકી અંદાજે 13.99 લાખ કરતા વધુ યુવાઓને રોજગારી આપવામાં આવી છે.

રાજ્યની રોજગાર વિનિમય કચેરી થકી કરવામાં આવતી અસરકારક કામગીરીના પરિણામે કેન્દ્ર સરકારના સર્વે મુજબ ભારતના 3.2 ટકા બેરોજગારી દર (Unemployment Ratio)ની સરખામણીએ ગુજરાતનો બેરોજગારી દર માત્ર 1.1 ટકા જ છે. જે રાજ્ય સરકારની રોજગારવાંચ્છુ યુવાઓને રોજગારી પૂરી પાડવા પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવે છે.

વધુમાં, ભારત સરકાર દ્વારા માર્ચ-2023માં પ્રસિદ્ધ થયેલા ‘એમ્પ્લોયમેન્ટ એક્ષ્ચેન્જીસ સ્ટેટીસ્ટીકસ-2023’ મુજબ વર્ષ 2022માં રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા રોજગારીની તકો પ્રદાન કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે આવેલું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Patan News/પાટણ રાધનપુર કંડલા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 3થી વધુ લોકોના મોત, 10થી વધુ ઇજાગ્રસ્ત

આ પણ વાંચો: Gujarat News/ગુજરાતના દૂધાળા પશુઓમાં વ્યંધત્વ ઘટાડીને દૂધ ઉત્પાદન વધારવા “ફર્ટિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ” અમલમાં મૂકાયો

આ પણ વાંચો: ગુજરાતમાં ‘વિકાસ સપ્તાહ’ નો પ્રારંભ…આજે ૭ ઓક્ટોબરે ‘યુવા સશક્તિકરણ દિવસ’ની ઉજવણી…