ભારતીય ટીમના આધારભૂત બેટ્સમેન ચેતેશ્વર પૂજારા શ્રીલંકા સામે ગુરૂવારે પોતાના કરિયરની 50મી મેચ રમી રહ્યો છે. પોતાની 50મી મેચમાં પૂજરાએ શાનાદાર રમતનું પ્રદર્શન કરતાં 4000ના ક્લબમાં એન્ટ્રી લીધી છે. શ્રીલંકા સામેની આ મેચમાં 34 રન ફટકારતાં જ તેમના 4000 રન પૂર્ણ થયા છે.
ચેતેશ્વર પૂજારાએ 50 ટેસ્ટ મેચોમાં 84 ઇનિંગ રમી આ ઉપલબ્ધિ મેળવી છે. નોંધનીય છે કે, રાહુલ દ્રવિડે પણ 84 ઇનિંગમાં જ ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 4000 રન પૂર્ણ કર્યા હતા. 4000 રન પૂર્ણ કરતાની સાથે જ તેમણે સદી પણ ફટકારી છે. શ્રીલંકા વિરુદ્ધ આ તેમની સતત ત્રીજી સદી છે અને આ સાથે જ તેઓ 50મી ટેસ્ટ મેચમાં સદી ફટકારનારા સાતમા ભારતીય બેટ્સમેન બન્યા છે અને આમ કરનાર દુનિયાના 36મા બેટ્સમેન બન્યા છે.
49 મેચ રમી ચૂકેલ ભારતીય ખેલાડીઓમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં હવે પૂજારાથી આગળ માત્ર ત્રણ ભારતીય દિગ્ગજ ખેલાડીઓ છે અને આ ત્રણેય ક્રિકેટમાંથી સંન્યાસ લઇ ચૂક્યા છે. પહેલા નંબરે છે વીરેન્દ્ર સહેવાગ, જેમણે 49 ટેસ્ટ મેચમાં 81 ઇનિંગમાં 51.54ના સરેરાશ સાથે 4020 રન ફટકાર્યા છે. બીજા નંબરે છે રાહુલ દ્રવિડ, જેમણે 49 ટેસ્ટ મેચમાં 86 ઇનિંગમાં 52.55 સરારેશ સાથે 4046 રન બનાવ્યા છે અને ત્રીજા નંબરે છે સુનીલ ગાવસ્કર. તેમણે 49 ટેસ્ટ મેચમાં 91 ઇનિંગમાં 56.11 સરેરાશ સાથે 4713 રન બનાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભારત તરફથી 50મી ટેસ્ટ મેચ રમી રહેલા પૂજારાએ કોલંબો ટેસ્ટમાં પોતાના કરિયરની 13મી ટેસ્ટ સદી પણ પૂરી કરી છે. આ સાથે પૂજારાએ 13 સદી અને 16 અર્ધ સદીની સાથે પોતાના 4000થી પણ વધુ રન પૂરા કર્યા છે.
પૂજારાને રાહુલ દ્રવિડના ઉત્તરાધિકારી માનવામાં છે, કારણ કે પૂજારા પણ એક એવા બેટ્સમેન છે જેમની વિકેટ લેવા માટે વિરોધી ટીમના બોલર્સ આતુર રહે છે.
