મે 2019 માં, સેન્ટ્રલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી) એ કહ્યું હતું કે, ગંગા નદીનું પાણી પીવા યોગ્ય નથી, જ્યારે ગયા વર્ષે ઓક્ટોબરમાં યુપી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે એમ પણ કહ્યું હતું કે નદીનું પાણી સ્નાન કરવા માટે પણ સારું નથી. પરંતુ આ વર્ષનાં માર્ચનાં અંતે, દેશભરમાં લોકડાઉનની ઘોષણા કરવામાં આવી હતી, જેના કારણે ઔદ્યોગિક એકમો સંપૂર્ણ રીતે બંધ થઈ ગયા હતા, અને તે પછી ગંગા જળની ગુણવત્તામાં અણધારી રીતે નોંધપાત્ર સુધારો થયો છે.
એક અહેવાલ મુજબ, હરિદ્વાર અને ઋષિકેશમાં ગંગા નદીની પાણીની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે. આ અંગે વૈજ્ઞાનિકો કહે છે કે ગંગા નદીનું પાણી એટલું સાફ થઈ ગયું છે કે હવે તેને ગાળ્યા વિના પી શકાય છે. લોકડાઉન દરમિયાન ઉદ્યોગો બંધ છે અને તેના કારણે કારખાનાઓનો કચરો ગંગા સુધી પહોંચવાનું બંધ થઈ ગયું છે. પર્યાવરણ વૈજ્ઞાનિક અને ગુરુકુલ કાંગડી યુનિવર્સિટીનાં ભૂતપૂર્વ પ્રોફેસર બી.ડી.જોશી કહે છે કે, હરિદ્વાર અને ઋષિકેશમાં પાણી લાંબા સમય પછી એટલું શુધ્ધ થઈ ગયું છે કે તે આચમનને પાત્ર બન્યું છે. ઉદ્યોગોનો કચરો, હોટલોની ગંદકી આ સમયે ગંગાનાં પાણીને પ્રદૂષિત કરી રહી નથી. લોકડાઉનને કારણે માનવ પ્રવૃત્તિમાં ઘટાડો થયાનાં સારા પરિણામો સામે આવ્યા છે. હરિદ્વારમાં હર કી પૌડી ઘાટ, જ્યાં દરરોજ લાખો શ્રદ્ધાળુઓ આવતા હતા, તે લોકડાઉનને કારણે બંધ છે.
હર કી પૌડી મંદિરનાં પૂજારીનું કહેવુ છે કે, ગંગા આજે સ્વચ્છ અને શુદ્ધ છે. માછલી અને અન્ય સજીવો પાણીમાં સ્પષ્ટપણે દેખાય છે. ઘાટ સંપૂર્ણ સાફ છે. અન્ય પૂજારીએ કહ્યું કે અમે ગંગાને આ રીતે સ્વચ્છ જોવાની ઇચ્છા રાખીએ છીએ, તે લોકડાઉનને કારણે થયું છે, પરંતુ ભક્તોનાં આગમન પછી પણ જો ગંગા જળ સ્વચ્છ રહે તો અમને આનંદ થશે. નિષ્ણાતોનાં મતે ગંગાની જળ ગુણવત્તામાં અગાઉની તુલનામાં 40-50 ટકાનો સુધારો થયો છે. વળી, એક સ્થાનિક નાગરિક કહે છે કે પાણીની ગુણવત્તામાં સુધારો થયો છે પરંતુ પાણીનું સ્તર ઓછું છે. એકવાર પાણીનું સ્તર વધ્યા પછી, ગંગા સંપૂર્ણપણે સ્વચ્છ દેખાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
