Amreli News : અમરેલીના બાબરા તાલુકાના ફુલઝર ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે. લગ્ન પ્રસંગમાં ઘોડીને ટ્રેક્ટર અડી જવાના કારણે બબાલ થઈ હતી. જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત જ્યારે 9 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ બાબરા તાલુકાના ફુલઝર ગામમાં બે અલગ અલગ જ્ઞાતિના શખસો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એકનું મોત થયું છે. જ્યારે 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જે તમામ ઈજાગ્રસ્તોને ગોંડલ અને બાબરાની અલગ-અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
જૂથ અથડામણની ઘટનાને પગલે SP સંજય ખરાત, DYSP ચિરાગ દેસાઈ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફુલઝર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. જોકે, હાલ પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવીને સ્થિતિ ઉપર કંટ્રોલ મેળવ્યો છે.
જિલ્લા પોલીસ વડા સંજય ખરાતનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, બે જ્ઞાતિ વચ્ચે મારમારીની ઘટના બની છે. જેમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. લગ્ન પ્રસંગમાં ઘોડીને ટ્રેકટર અડી જવાના કારણે આ મારામારી થયાની માહિતી મળી રહી છે. પોલીસ કાર્યવાહી તપાસ ચાલી રહી છે.
