Patan News: પાટણ જિલ્લાના કેન્દ્રીય વિદ્યાલયમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધોરણ 8ની વિદ્યાર્થીની પર તેના જ વર્ગના વિદ્યાર્થીઓએ બ્લેડથી ચેકા મારી તેમજ લાઇટરથી ડામ આપ્યો હતો. સતત પજવણીથી કંટાળી બાળાએ આત્મહત્યાનો પ્રયાસ કરતા શાળા તંત્ર અને શિક્ષકો પર ગંભીર સવાલો ઊભા થયા છે.
માહિતી મુજબ, પીડિત બાળાને તેના જ વર્ગના ત્રણ વિદ્યાર્થીઓએ બ્લેડના ચેકા માર્યા હતા. હાથ પર ચેકા કર્યા બાદ લાઇટરથી પણ ડામ આપવામાં આવ્યા હતા. સતત ચાલતી પજવણીથી કંટાળી બાળાએ પોતાના ઘરે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
હાલત અને સારવાર
પરિસ્થિતિ ગંભીર બનતાં પરિવારજનોએ બાળાને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. હાલ તેણી સારવાર હેઠળ છે.
સગીરાના પિતાએ શાળા સંચાલકો અને શિક્ષકો પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે.
CCTV ફૂટેજ માંગતા આચાર્યએ પાસવર્ડ ન હોવાનું કહી દીધું.
એક શિક્ષકે કહ્યું હતું કે “કોઈને કહેશે તો LC આપી દેશું,” એવી ધમકી આપવામાં આવી હતી.
ઘટનાને અંજામ આપનાર ત્રણ વિદ્યાર્થીઓ સામે ગોલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પિતાએ પોલીસને જણાવ્યું કે લાંબા સમયથી પુત્રીને પજવવામાં આવી રહી હતી, પરંતુ શાળા તંત્રએ યોગ્ય પગલાં લીધા ન હતા.
આ બનાવથી સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે. નાગરિકો અને વાલીઓએ માંગણી કરી છે કે દોષિત વિદ્યાર્થીઓ તથા જવાબદાર શિક્ષકો સામે કડક પગલાં લેવાય. નહીંતર વિદ્યાલયનો ઘેરાવો કરવાની ચેતવણી આપવામાં આવી છે.
પાટણના કેન્દ્રીય વિદ્યાલયમાં બનેલી આ ઘટના માત્ર એક વિદ્યાર્થીની જ નહીં, પરંતુ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાને પ્રશ્નાંકિત કરે છે. પીડિતાને ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં લેવાવા અનિવાર્ય છે.
આ પણ વાંચો:સુરતમાં તાવના લીધે સાત વર્ષના બાળકનું મોત, ઇન્જેકશનના ઓવરડોઝનો આક્ષેપ
આ પણ વાંચો:સુરતમાં રોગચાળાએ ફરીથી માથુ ઊચક્યું ! ચાર વર્ષના બાળકનું ડેન્ગ્યુથી મોત
આ પણ વાંચો:સુરતના ઉધનાામાં ઊંડા ખાડામાં પડી જતા 8 વર્ષના બાળકનું મોત
