World News: હોર્મુઝ જહાજ પર હુમલો (Hormuz)ની ઘટના સામે આવી છે. ઓમાનના દરિયાકાંઠે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા એક વ્યાપારી જહાજ પર અજાણ્યા અસ્ત્રથી હુમલો થયો હતો. આ હુમલામાં જહાજ પરના 11 ભારતીય નાવિકો સહિત કુલ 12 ક્રૂ મેમ્બર ઘાયલ થયા છે.
ભારતના વિદેશ મંત્રાલયે (MEA) આ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરી છે. મંત્રાલયે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર થતા હુમલાઓ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.
Hormuzમાં જહાજ પર હુમલો અને ક્રૂની વિગતો
વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર પનામાનો ધ્વજ ધરાવતું વ્યાપારી જહાજ MT ઓન પીસ (IMO 9893204) હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન તેના પર અસ્ત્ર (મિસાઈલ/ડ્રોન) વડે હુમલો કરાયો હતો.
મળતી માહિતી મુજબ જે જહાજમાં હુમલો થયો તેમાં 17 ભારતીય નાગરિકો સહિત કુલ 19 ક્રૂ સભ્યો હતા. હુમલામાં કુલ 12 સભ્યો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં 11 ભારતીય નાવિકો ઘાયલ (Indian sailors injured) છે.
રેસ્ક્યૂ ઓપરેશન અને સારવાર
ઘટના બાદ તરત ઓમાની સત્તાવાળાઓની મદદથી તમામ ઘાયલ નાવિકોને જહાજમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તેમને સારવાર માટે ઓમાનના ખાસાબ (Khasab) ખસેડાયા છે, જ્યાં હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. ભારતે તાત્કાલિક મદદ અને સહયોગ આપવા બદલ ઓમાન સરકારનો આભાર માન્યો છે.
ભારતનો સંદેશ અને વ્યાપારી જહાજો
વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે પ્રદેશમાં વ્યાપારી જહાજો (merchant ships) અને નાવિકોને નિશાન બનાવવાની ઘટનાઓ ભારત માટે અત્યંત ગંભીર ચિંતાનો વિષય છે.
ભારતે અપીલ કરી છે કે વ્યાપારી જહાજો, નાવિકો અને નાગરિક માળખાગત સુવિધાઓ પરના હુમલા તાત્કાલિક બંધ થવા જોઈએ. પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો દ્વારા નેવિગેશન અને વેપાર વહેલી તકે સલામત રીતે પુનઃસ્થાપિત થવો જરૂરી છે, એમ ભારતે જણાવ્યું છે.
હોર્મુઝ સ્ટ્રેટનું મહત્વ
હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક દરિયાઈ વેપાર અને ક્રૂડ ઓઈલની હેરફેર માટેનો સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ગણાય છે. આ વિસ્તારમાં શિપિંગ સેવાઓમાં વિક્ષેપ પડે તો માત્ર પ્રાદેશિક સુરક્ષા જ નહીં, પરંતુ વિશ્વના આંતરરાષ્ટ્રીય વેપાર અને ઉર્જા સપ્લાય ચેઈન (energy supply chain) પર પણ વિપરીત અસર પડી શકે છે.
આ પણ વાંચો:હોર્મુઝમાં 7 ટેન્કરો પર હુમલો! મધ્ય પૂર્વમાં ફરી યુદ્ધના ભણકારા
આ પણ વાંચો:હોર્મુઝ સ્ટ્રેટમાં ઓઈલ ટેન્કર પર હુમલો: 21 ભારતીય નાવિકો સુરક્ષિત
