ઉત્તર પૂર્વ દિલ્હીનાં જાફરાબાદ-સીલમપુર વિસ્તારમાં મંગળવારે ફેલાયેલી હિંસામાં કુલ 18 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં દિલ્હી પોલીસનાં 11 કર્મચારી સહિત સામાન્ય નાગરિકોનો સમાવેશ પણ થાય છે. આ મામલામાં પોલીસે બે અલગ અલગ કેસ નોંધી 5 લોકોને કસ્ટડીમાં લીધા છે.

દિલ્હી પોલીસ પ્રવક્તા એસીપી અનિલ મિત્તલે મોડી સાંજે જણાવ્યું હતું કે, સાવચેતીનાં પગલાનાં ભાગરૂપે હાલમાં આ વિસ્તારમાં 5 વધારાનાં પોલીસ દળને તૈનાત કરવામાં આવ્યા છે. પરિસ્થિતિને તાત્કાલિક નિયંત્રણમાં રાખવા માટે, ત્રણેય જિલ્લાનાં વધારે પોલીસ જવાનોને સ્થળ ઉપર બોલાવવા પડ્યા હતા. મિત્તલે વધુમાં જણાવ્યું હતું કે, “સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા, શાંતિનો ભંગ કરવા, હુલ્લડો ફેલાવવા, જાહેર માર્ગને અવરોધિત કરવા, સરકારી કામમાં અવરોધ લાવવાની કલમો હેઠળ બે અલગ અલગ એફઆઈઆર નોંધવામાં આવી છે. એક કેસ સીલમપુર અને બીજો કેસ જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.”

સીલમપુરની ઘટના અંગે દિલ્હી પોલીસનાં જોઇન્ટ કમિશનર આલોક કુમારે કહ્યું કે – કોઈ ગોળીબારી ચલાવવામાં આવી નથી, માત્ર આંસુ ગેસનાં શેલ છોડવામાં આવ્યા છે. અત્યારે સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. કેટલાક પોલીસ જવાન ઘાયલ થયા છે. વિરોધને કારણે બે સરકારી બસો, એક રેપિડ એક્શન ફોર્સ બસ અને કેટલીક બાઇકને નુકસાન પહોંચ્યું હતું. વળી, દિલ્હી પોલીસનાં પીઆરઓ એમએસ રંધાવાએ કહ્યું છે કે, સીલમપુરની સ્થિતિ નિયંત્રણમાં છે. અમે સતત દેખરેખ રાખી રહ્યા છીએ. જે સ્થળે આ ઘટના બની છે તેના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. સાથે સાથે વીડિયો રેકોર્ડિંગ ચાલી રહ્યુ છે. હિંસામાં સામેલ કોઈ પણ વ્યકિતને બક્ષવામાં આવશે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
