અમદાવાદ: ભાવનગરના આંગણે રવિવારે અનોખો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં પિતાની છત્રછાયા ગુમાવનાર 281 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં દરેક જ્ઞાતિ અને સમાજની કન્યાઓને આવરી લેવામાં આવી હતી. જયારે બીજી તરફ, આ સમૂહ લગ્નનું ડ્રોન કેમેરાથી શુટિંગ કરવામાં આવતા અદભૂત નજારો સર્જાયો હતો. આ પ્રસંગે દીકરીઓને આશીર્વાદ આપવા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ખુદ હાજર રહ્યા હતા.

ભાવનગરમાં આવેલ ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ મારુતિ ઈમ્પેક્સના માલિક દિનેશભાઈ લાખાણી અને સુરેશભાઈ લાખાણી ભોજપરાવાળા પરિવાર દ્વારા રવિવારે ભાવનગર શહેરના જવાહર મેદાનમાં આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘લાડકડી’ શીર્ષક હેઠળ યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં 281 જેટલી યુવતીઓના લગ્ન કરાવીને તેમનું કન્યાદાન કરવામાં આવ્યા હતા, જેઓ તેમના મા-બાપની છત્રછાયા ગુમાવી ચૂકી છે. આ સમૂહ લગ્નની ખાસિયત એ હતી કે, તેમાં જ્ઞાતિ કે સમાજનું કોઈ બંધન ન હતું. દરેક વર્ગ, દરેક સમાજના પરિવારોનો આ સમૂહ લગ્નોત્સવમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

ભાવનગરમાં યોજાયેલ આ સમૂહ લગ્ન સમારોહમાં દીકરીઓને કન્યાદાનમાં કરિયાવર આપવામાં કોઈ પણ જાતની કચાશ રાખવામાં આવી ન હતી. પિતાની છત્રછાયાથી વંચિત હોય તેવી દીકરીઓને કંઈ ઓછું ન આવે તેવી રીતે આ સમૂહ લગ્ન સમારોહને ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો જયારે બીજી તરફ, કરિયાવરમાં નવ જેટલી મોટી વસ્તુઓ આપવામાં આવી હતી. તેમજ દીકરીઓની પસંદગી મુજબની ગૃહઉપયોગી વસ્તુઓ તેમને આપવામાં આવી હતી. જેમાં રેફ્રિજરેટર, વોશિંગ મશીન, એર કૂલર, 12 જોડી કપડાં, સ્ટીલનો પલંગ, બ્લેન્ડર, સ્ટીલનો કબાટ, છ નંગ ખુરશી, પંખા અને ટીપોઈ જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત સરકારી યોજનાઓ જેમ કે, સપ્તપદીના સાત ફેરા સમૂહ યોજના અને કુંવરબાઈના મામેરાનો લાભ મળે તેવી વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમારોહમાં કોઈ પ્રકારની કચાશ રાખવામાં આવી ન હતી. એટલું જ નહિ, દીકરીઓ માટે એક દિવસ પૂર્વે મહેંદીનો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો. આ લગ્ન સંપૂર્ણ રીતે યોજાયો છે તેવું દીકરી અનુભવી શકે તે માટે દાંડિયારાસના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
મુસ્લિમ સમાજની 10 દીકરીઓનો સમાવેશ કરાયો હતો
આ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવમાં મુસ્લિમ સમાજની દસ દીકરીઓનો સમાવેશ કરાયો હતો. આ મુસ્લિમ સમાજની આ 10 દીકરીઓની તેમના ધર્મ મુજબ સંપૂર્ણ રીતે નિકાહ વિધિને તેઓના પરંપરાગત રીતરિવાજ મુજબ જ કરવામાં આવી હતી.
