#Rajkotnews/ રાજકોટમાં કરોડોની લૂંટનો ભેદ ઉકેલાયો: મધ્યપ્રદેશમાંથી 3 લૂંટારુઓ ઝડપાયા, 41 લાખનો મુદ્દામાલ રિકવર

રાજકોટના શાપર-વેરાવળમાં ગત 19 જૂનના રોજ થયેલી 2.49 કરોડની સનસનાટીભરી લૂંટ (Robbery)નો ભેદ પોલીસે ઉકેલ્યો છે. પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોના નેટવર્કની મદદથી મધ્યપ્રદેશના તેજોરિયા ગામ નજીકથી આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને દબોચી લીધા છે

Gandhinagar Top Stories Rajkot Breaking News
Robbery

રાજકોટના જાણીતા ઔદ્યોગિક હબ શાપર-વેરાવળમાં ગત 19 જૂનના રોજ થયેલી 2.49 કરોડની સનસનાટીભરી લૂંટ (Robbery)નો ભેદ ઉકેલવામાં રૂરલ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોના નેટવર્કની મદદથી મધ્યપ્રદેશના તેજોરિયા ગામ નજીકથી આ ગુનામાં સંડોવાયેલા ત્રણ શાતિર આરોપીઓને દબોચી લીધા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આ લૂંટ પાછળ કોઈ ‘જાણભેદુ’નો હાથ હતો, જેણે ઘરની તમામ ગતિવિધિઓની રેકી કરી હતી.

લૂંટ(Robbery)નો ભેદ ઉકેલવા 4 રાજ્યોમાં પોલીસનું સર્ચ ઓપરેશન

Robber
2.49 crore in Robbery Shapar Veraval, Rajkot

લૂંટની આ મોટી ઘટનાને પગલે રાજકોટ રૂરલ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. ભૂતકાળમાં આ પ્રકારની લૂંટ (મોડસ ઓપરેન્ડી) આચરનારી ગેંગની કુંડળી ખોલવા માટે પોલીસની 15 જેટલી ટીમો તુરંત કામે લગાડવામાં આવી હતી. પોલીસની ટીમોએ દાહોદ-ગોધરા સહિત મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બિહાર જેવા રાજ્યોમાં ધામા નાખ્યા હતા. આ સઘન તપાસના અંતે મધ્યપ્રદેશથી ત્રણેય આરોપીઓ પોલીસના સકંજામાં આવ્યા છે અને તેમની પાસેથી હાલ રૂપિયા 41 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે.

કેવી રીતે ઘડાયો લૂંટનો આખો પ્લાન?

તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓના સબંધીઓ અગાઉ શાપર વિસ્તારમાં જ રહેતા હતા. ભોગ બનનાર વૃદ્ધના પુત્ર જયવિરસિંહ જાડેજા (ટીનુભા) શાપરમાં મારૂતિ પેટ્રોલ પંપ ધરાવે છે અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ છે. તાજેતરમાં જ તેમણે શાપરની બિનખેતીની જમીનનું વેચાણ કર્યું હતું, જેની મોટી રકમ ઘરમાં જ રાખવામાં આવી હતી. લૂંટારુઓ સારી રીતે જાણતા હતા કે જમીન વેચાણના કરોડો રૂપિયા ઘરમાં જ પડ્યા છે. વળી, વૃદ્ધના પત્ની પગના ઓપરેશનના કારણે રાજકોટ હોવાથી 77 વર્ષના જીતેન્દ્રસિંહ જાડેજા ઘરમાં એકલા જ છે, જેનો લાભ ઉઠાવી આ લૂંટ (Robbery)ને અંજામ આપવામાં આવ્યો હતો.

 ‘છાતી પર પાઇપ મૂકી, મોંઢે ડૂચો દીધો’ – ભોગ બનનાર વૃદ્ધ

ભોગ બનનાર 77 વર્ષના મોભી જીતેન્દ્રસિંહ જાડેજાએ એ કાળી રાતનો ભયાનક અનુભવ કહેતા જણાવ્યું હતું કે,  રાત્રે આશરે દોઢ વાગ્યે 5 બુકાનીધારી લૂંટારુઓ દરવાજો તોડીને અંદર ઘૂસી આવ્યા હતા. દરવાજો તૂટવાનો અવાજ થતાં જીતેન્દ્રસિંહ જાગી ગયા, પરંતુ તેઓ કંઈ કરે તે પહેલા જ એક લૂંટારો લોખંડની પાઇપ સાથે તેમની છાતી પર ચડી ગયો અને તેમને મુક્કો મારી નીચે પાડી દઈ મોંઢે ડૂચો દઈ દીધો. જ્યારે બાકીના ચાર લૂંટારુઓએ આખા ઘરના કબાટ-તિજોરી તોડી નાખ્યા અને રૂપિયા 2 કરોડ 47 લાખ રોકડા, 2 લાખનું સોનું, એક 12 બોરની લાયસન્સવાળી રાઇફલ અને મોબાઈલ ફોન લૂંટી લીધા હતા.

લૂંટ બાદ લૂંટારૂઓ રૂમમાં પૂરીને ભાગ્યા, પત્નીના ફોનથી પુત્રને કરી જાણ

લૂંટ ચલાવ્યા બાદ લૂંટારૂઓ જીતેન્દ્રસિંહને બાજુના રૂમમાં પૂરીને ફરાર થઈ ગયા હતા. જો કે, હિંમત હાર્યા વગર વૃદ્ધે ગમે તેમ કરીને દરવાજાનો બોલ્ટ ખોલ્યો અને બહાર આવ્યા. લૂંટારુઓ તેમનો ફોન લઈ ગયા હોવાથી, તેમણે ઘરમાં પડેલા તેમના પત્નીના મોબાઈલથી રાજકોટ રહેતા પુત્ર જયવિરસિંહને તાત્કાલિક જાણ કરી હતી, જેના આધારે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.હાલમાં પોલીસ પકડાયેલા ત્રણેય આરોપીઓની આકરી પૂછપરછ કરી રહી છે, જેથી બાકીના લૂંટારુઓ અને બાકીની રકમ પણ જલ્દીથી રિકવર કરી શકાય.


આ પણ વાંચો:  ખાડિયાની સોનીની દુકાનમાં ફાયરિંગ કરીને કરોડોની લૂંટ કરનાર મુખ્ય આરોપી આખરે ઝડપાયો

આ પણ વાંચો: ગુજરાતમાં ‘લૂંટેરી દુલ્હન’ ગેંગનો ખુલાસો: લગ્નના નામે લાખોની ઠગાઈ, પીડિતોએ DGP સુધી પહોંચાડી ફરિયાદ

આ પણ વાંચો: રાજકોટના શાપરમાં યુવકનો કોહવાયેલો મૃતદેહ મળ્યો: યુવકની રહસ્યમય વેશભૂષા જોઈ પોલીસ પણ ચોંકી, હત્યાની આશંકા