Gandhinagar News/ ગુજરાતના પાટનગર ગાંધીનગરના નાગરિકો માટે જાહેર પરિવહનનો ચહેરો બદલાવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન અંતર્ગત દેશભરમાં શરૂ કરાયેલી ‘PM-eBus Sewa’ હવે ગાંધીનગરમાં પણ ધૂમ મચાવવા તૈયાર છે. ગાંધીનગર મહાનગરપાલિકા સંચાલિત GGTSL (Gandhinagar Greenline Transport Service Limited) દ્વારા આ પ્રોજેક્ટને જમીની સ્તર પર ઉતારવામાં આવ્યો છે, જેના પ્રથમ ચરણમાં 40 અલ્ટ્રા-મોડર્ન એસી ઈ-બસો રસ્તા પર દોડતી કરી દેવામાં આવી છે.
‘PM-eBus Sewa’ પ્રોજેક્ટ અંતર્ગત દેશમાં 10,000 ઇ-બસોનું સરકારનું લક્ષ્ય
આ PM-eBus Sewa યોજના પાછળ કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 57,613 કરોડનો માતબર ખર્ચ અંદાજવામાં આવ્યો છે, જેમાં કેન્દ્રનો હિસ્સો રૂપિયા. 20,000 કરોડ છે. પીપીપી (Public-Private Partnership) મોડેલ પર ચાલનારા આ ગ્રીન મિશન અંતર્ગત એકલા ગાંધીનગર શહેરને જ 100 ઇલેક્ટ્રિક બસો ફાળવવામાં આવી છે.
શા માટે આ ઇ-બસો છે ખાસ?
આ બસો માત્ર પર્યાવરણને બચાવવાનું કામ નથી કરતી, પણ મુસાફરોને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધા પણ આપે છે. 9 મીટર લાંબી આ એસી બસોમાં 25 લોકો બેસી શકે અને 13 લોકો ઊભા રહી શકે તેવી આયોજનબદ્ધ વ્યવસ્થા છે. ઉપરાંત બસમાં દિવ્યાંગો સળતાથી ચઢી-ઊતરી શકાય તે માટે ખાસ હાઇડ્રોલિક રેમ્પ/પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે. તથા મહિલાઓ અને સિનિયર સિટિઝન્સ માટે 4-4 સીટો અનામત રાખવામાં આવી છે. આ બસમાં લાગેલા ઈલેક્ટ્રોનિક મશીન (ETM) દ્વારા તમે QR કોડ કે UPI સ્કેન કરીને ડિજિટલ પેમેન્ટ કરી શકશો.
કયા-કયા રૂટ કવર થશે?
સરગાસણ ખાતે 17 કરોડના ખર્ચે બસો માટે ચાર્જિંગ સ્ટેશન અને મેન્ટેનન્સ કંટ્રોલ સિસ્ટમ સાથેનો હાઇટેક ડેપો તૈયાર કરાયો છે. મુસાફરોની સુવિધા માટે શહેર અને તેની આસપાસના વિસ્તારોને જોડતા 18 ખાસ રૂટો બનાવવામાં આવ્યા છે. બસના મુખ્ય સ્ટોપેજમાં સચિવાલય, ગિફ્ટ સિટી, પાથિકાશ્રમ, ગાંધીનગર રેલવે સ્ટેશન, મહાત્મા મંદિર, સરગાસણ, ચિલોડા, દહેગામ, કડી, કલોલ, ચાંદખેડા, ધમાસણ, નારદિપુર, સોનિપુર, કોથા, આદરજ મોટી, ટીંટોડા, IIT ગાંધીનગર, ડભોડા અને માણસા જેવા સ્ટોપેજનો સમાવેશ થાય છે.
સસ્તા ભાડા દર
સામાન્ય માણસ પણ આ એસી બસનો લાભ લઈ શકે તે માટે ભાડું ખૂબ જ ઓછું રાખવામાં આવ્યું છે. અંતરના હિસાબે ઓછામાં ઓછું રૂ. 5 અને વધુમાં વધુ રૂપિયા 30 ભાડું ચૂકવવાનું રહેશે જેમાં ૩ કિલોમીટર સુધીની મુસાફરી રૂપિયા 5, ૩ કિલોમીટરથી 5 કિલોમીટર સુધીની મુસાફરી માટે રૂપિયા 10, 5કિલોમીટરથી 8 કિલોમીટર સુધીની મુસાફરી માટે રૂપિયા 15, 8 થી 14 કિલોમીટર સુધીની મુસાફરી માટે રૂપિયા 20, 14 કિલોમીટરથી 20 કિલોમીટર સુધીની મુસાફરી માટે રૂપિયા 25 અને 20 કિલોમીટરથી વધુની મુસાફરી માટે રૂપિયા 30 મુસાફરે ચુકવવાના રહેશે.
ગાંધીનગરના લોકોને આ નવી સેવાની ટેવ પડે તે માટે પહેલા 15 દિવસ સુધી મુસાફરી તદ્દન મફત રાખવામાં આવી છે! આ સિવાય 5 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે તો હંમેશા ટિકિટ ફ્રી જ રહેશે. ટૂંકમાં, ગાંધીનગર હવે ગ્રીન અને સ્માર્ટ ટ્રાન્સપોર્ટ સાથે ગ્લોબલ સિટી બનવા તરફ તેજીથી આગળ વધી રહ્યું છે.
આ પણ વાંચો: વિશ્વકર્મા યોજના હેઠળ મહત્તમ 5% વ્યાજ સાથે રૂ. 1 લાખની લોન”: કેન્દ્ર
આ પણ વાંચો: આજથી, પાંચેય રૂટ પર 20-20 ઇ-બસો ચાલશે, 50 વધુ બસો અયોધ્યા ધામ બસ સ્ટેશન પહોંચી
આ પણ વાંચો: લોકોને ઈ-બસ સિટી બસનો મળશે લાભ, પ્રથમ તબક્કામાં 16 રૂટ થયા ફાઇનલ
