Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 2666 ગ્રામ પંચાયતો માટે પોતીકા ગ્રામ પંચાયત ઘર (Gram Panchayat houses)કમ તલાટી આવાસના એક સાથે એક જ સ્થળેથી ઈ-ખાતમૂહર્ત કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત માટે ગામોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર જે ફોકસ કર્યુ છે તેમાં ગુજરાત અગ્રેસર રહેવા પ્રતિબદ્ધ છે.
Gram Panchayat houses કમ તલાટી આવાસ આપવાનો મહત્વકાંક્ષી નિર્ણય
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાનએ 100 ટકા લક્ષ્યાંક સિદ્ધીનો આપેલો સેચ્યુરેશન એપ્રોચ ગુજરાતમાં સાકાર કરવા આગામી દિવસોમાં રાજ્યની બધી જ ગ્રામ પંચાયતોને પોતીકા પંચાયત ઘર (Gram Panchayat houses)કમ તલાટી આવાસ આપવાનો મહત્વકાંક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
રાજ્યના આ 2666 ગામોમાં કુલ રૂ. 663 કરોડના ખર્ચે નિર્માણ થનારા ગ્રામ પંચાયત ઘર (Gram Panchayat houses)કમ તલાટી આવાસને પરિણામે ગ્રામીણ નાગરિકોને સ્થાનિક સ્તરેથી જ સરકારી સેવાઓ સરળતાએ ઉપલબદ્ધ થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ આ પ્રસંગે વ્યક્ત કર્યો હતો.
તેમણે ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’નું રાજ્યવ્યાપી લોન્ચીંગ પણ પંચાયત મંત્રી રૂષિકેશ પટેલ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી તેમજ પંચાયત અને ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કર્યુ હતુ.
મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યના 114 તાલુકા મથકના એવા ગામો જે તાલુકા મથક છે પરંતુ નગરપાલિકા નથી તેને ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ના પ્રથમ તબક્કામાં આવરી લઈને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી, સ્વચ્છતા, સોલાર સ્ટ્રીટ લાઈટ, ઈ-ગ્રામ, કોમ્યુનિટી હોલ સહિતની શહેરી સમકક્ષ આધુનિક સુવિધાઓ પુરી પાડવામાં આવશે.
તેમણે ઉમેર્યુ કે, શહેરો પરનું ભારણ ઓછું થાય અને શહેરો જેવી જ સુવિધાઓ ગામોમાં મળે તેવા આશયથી આગામી સમયમાં રાજ્યમાં 10 હજારથી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતો (Gram Panchayat) ને ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ અંતર્ગત આવરી લેવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે. આના પરિણામે ગ્રામ્ય અને શહેરી વિકાસ વચ્ચેનો તફાવત ઘટશે તથા સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસનો વડાપ્રધાનએ આપેલો મંત્ર સમગ્ર અને સંતુલિત વિકાસથી સાકાર થશે.
મુખ્યમંત્રીએ વિકાસની રાજનીતિને ગતિ આપનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લિડરશીપનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, વિકાસનો સ્કેલ અને સ્પીડ વધ્યા છે. શહેરોમાં વધતા શહેરીકરણના દબાણને સંતુલિત કરવા ગ્રામ વિકાસને કેન્દ્રસ્થાને રાખીને વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમાં ગ્રામ પંચાયતોના ઉત્થાન માટે કેન્દ્રિત આવો કાર્યક્રમ રાજ્યમાં પ્રથમવાર યોજાઈ રહ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પાણી સંરક્ષણ માટે “કેચ ધ રેન” અભિયાન અંતર્ગત વરસાદી પાણીના સંચય અને ભૂગર્ભ જળ રિચાર્જ માટે વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. દરેક ધારાસભ્યને રૂ. 50 લાખની વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેથી સ્થાનિક સ્તરે રિચાર્જિંગ વ્યવસ્થાઓ ઉભી કરી શકાય. તેમણે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવાની અપીલ કરીને જમીનનું સ્વાસ્થ્ય સુધારવા અને આવતી પેઢીને નિરોગી ભવિષ્ય આપવાનો સંકલ્પ લેવા સૌને જણાવ્યું હતું.
30મી જાન્યુઆરીના શહીદ દિવસ તથા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે મુખ્યમંત્રીએ પૂજ્ય બાપુને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીને દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા શહીદોનું ભાવ સ્મરણ કર્યું હતું. તેમણે કહ્યું કે, ગાંધીજીએ ગ્રામ સ્વરાજનો સંદેશ આપીને ગામડાઓને સ્વતંત્ર અને આત્મનિર્ભર બનાવવાનો માર્ગ દર્શાવ્યો હતો. તેમની આ વિચારધારા આજે પણ રાષ્ટ્ર નિર્માણ માટે પ્રેરણાસ્ત્રોત બની છે.
પંચાયત અને ગૃહ નિર્માણ મંત્રી ઋષિકેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રૂ. 663 કરોડના ખર્ચે સમગ્ર રાજ્યમાં 2666 ગ્રામ પંચાયત ભવનો (Gram Panchayat houses)નું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, જેનાથી ગુજરાતના ગામડાઓના વિકાસ માટે નવી દિશા મળશે તેમ તેમણે સગૌરવ જણાવ્યું હતું.
વધુમાં મંત્રીએ ભાદરણના સરપંચ ઉદયપટેલને ગામના સર્વાગી વિકાસ માટે અભિનંદન પાઠવ્યા હતા તથા ઉપસ્થિત વિવિધ જિલ્લાના ગામોના સરપંચઓ ભાદરણ ગામમાંથી પ્રેરણા લેવા મંત્રીએ અનુરોધ કર્યો હતો.
સમગ્ર રાજ્યમાં સરપંચ અને તલાટી કમ મંત્રી એક જ જગ્યાએ બેસીને ગામડાના વિકાસ માટે નક્કર કાર્ય કરી શકે તે માટે મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલ 10 હજારથી વધુ આધુનિક ગ્રામ સચિવાલય બનાવવાની નેમ વ્યક્ત કરીને મહાત્મા ગાંધીની કથન “ગામડાઓમાં ભારતનો આત્મા વસે છે” તેને સાચા અર્થમાં સાર્થક કર્યું છે, તેમ મંત્રી એ જણાવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરતા મંત્રી રમણ સોલંકીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ ગુજરાતના ગ્રામીણ વિકાસ માટે ગૌરવપૂર્ણ છે. રાજ્યની 2666 નવી ગ્રામ પંચાયતોના ઈ-ખાતમુહૂર્ત અને 114 ગામોમાં ‘‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’’ના લોન્ચિંગ સાથે છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાનો સરકારનો સંકલ્પ સાકાર થઈ રહ્યો છે. તેમણે ભાદરણ જેવા પ્રજાભિમુખ વહીવટ ધરાવતા ગામની પસંદગી કરવા બદલ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં ભાદરણ ગામના વિકાસ મોડેલની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આ ગામે જન સહયોગ અને સુંદર વહીવટ દ્વારા રાજ્યમાં એક નવી રાહ ચીંધી છે. ખાસ કરીને પાણી માટે મીટર સિસ્ટમ દાખલ કરીને આ ગામે સંસાધનોના કાર્યક્ષમ ઉપયોગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ પ્રસંગે જિલ્લા પ્રભારી સંજયસિંહ મહીડા, નાણાં રાજ્ય મંત્રી કમલેશ પટેલ, સાંસદ મિતેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ, જિલ્લા અગ્રણી સંજય પટેલ, ધારાસભ્ય સર્વે વિપુલ પટેલ, યોગેશ પટેલ, પંચાયત વિભાગના અગ્ર સચિવ ધનંજય ત્રિવેદી, વિકાસ કમિશનર હિતેશ કોયા, કલેક્ટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર આર.એસ.દેસાઈ સહિત મોટી સંખ્યામાં વિવિધ જિલ્લાના ગામોના સરપંચઓ સહિત ઉપસ્થિત રહ્યાં હતાં.
